Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 24-25

156 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 24-25

Adhyay 2, Pada 1, Verse 24-25

156 Views

२४. उपसंहारदर्शनान्नेति  चेन्न क्षीरवद्धि ।

અર્થ
ચેત્ = જો.
ઉપસંહારદર્શાનાત્ = (સંસારમાં પદાર્થો બનાવવા માટે) સાધનસામગ્રી દેખાય છે (પરંતુ પરમાત્મા પાસે કોઈ સાધન નથી) માટે.
ન = પરમાત્મા જગતના કર્તા નથી. 
ઈતિ ન = તો એવું કહેવું બરાબર નથી.
હિ = કારણ કે.
ક્ષીરવત્ = દૂધની જેમ (પરમાત્માને અન્ય સાધનોની અપેક્ષા નથી રહેતી.)

ભાવાર્થ
કેટલાક લોકો કહે છે કે કોઈ પણ પદાર્થની રચના માટે જે રચનાર હોય તેની પાસે રચના માટેની સાધન સામગ્રી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી વિના બાહ્ય પદાર્થની રચના નથી થઈ શકતી. એક મકાન તૈયાર કરવું હોય છે તોપણ કેટલાં બધાં જુદાં જુદાં ઉપકરણોની આવશ્યકતા પડે છે ? પરમાત્માને તો શાસ્ત્રોએ એક, અદ્વિતીય, નિરાકાર અને નિષ્ક્રિય કહ્યા છે. તે જો એકાંકી હોય અને એમની પાસે એમના સિવાયની બીજી કોઈ સામગ્રી ના હોય તો તે આટલા બધા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ જગતની રચના કેવી રીતે કરી શકે ? એમને જગતકર્તા કેવી રીતે માની શકાય ? એવા લોકોનું કથન બરાબર, પ્રમાણભૂત અને આદર્શ નથી લાગતું.

એવા કથનથી દોરવાઈ જવાની કે શંકાશીલ બનવાની જરૂર નથી. દૂધ પોતાની સહજ શક્તિથી, સહજ પ્રક્રિયાના પરિણામ રૂપે, કોઈપણ પ્રકારના બાહ્ય સાધન વિના, દહીંમાં પરિવર્તન પામતું દેખાય છે. અને કરોળિયો કોઈ પણ જાતની બાહ્ય મદદ વિના, પોતાના મુખમાંથી જાળુ બનાવે છે. તો પછી પરમાત્મા તો સર્વતંત્ર સ્વતંત્ર ને સર્વશક્તિમાન છે. શાસ્ત્રો એમને  कर्तुं, अकर्तुं, अन्यथा कर्तुं समर्थः કરવામાં, ના કરવામાં, અને અન્યથા કરવામાં સમર્થ કહીને ઓળખાવે છે. તો એમને માટે પોતાની અચિંત્ય અસાધારણ શક્તિમાંથી આ જગતની રચના, કોઈ પણ બાહ્ય સાધનની મદદ વિના, કરવાનું કાર્ય જરા પણ મુશ્કેલ નથી અને મુશ્કેલ ના હોઈ શકે. જગતની રચના માટે એમને બીજાં કોઈ પણ બાહ્ય સાધનોની આવશ્યકતા નથી પડતી.


  
२५. देवादिवदपि लोके ।

અર્થ
લોક = દુનિયામાં.
દેવાદિવત્ = દેવાદિની જેમ.
અપિ = પણ.

ભાવાર્થ
જો એવી દલીલ કરવામાં આવે કે દૂધ તો જડ હોવાથી એમાં સ્વાભાવિક પરિણામ-પરિવર્તન અથવા વિકૃતિ વિગેરે પેદા થઈ શકે છે, પરંતુ પરમાત્મા તો જડ નથી. એ સંકલ્પ કે વિચારપૂર્વક જગતની રચના કરે છે તો પછી એમને તો બાહ્ય સાધન સામગ્રીની આવશ્યકતા પડતી જ હશે, તો એવી શક્ય દલીલના અનુસંધાનમાં કહેવામાં આવે છે કે એમને કોઈયે સાધન સામગ્રીની આવશ્યકતા નથી પડતી.

દુનિયામાં યોગી અથવા દેવો પોતાની વિશિષ્ટ શક્તિથી બીજી કશી સામગ્રી વિના અવનવા પદાર્થોની સૃષ્ટિ કરે છે અને પાછા એ પદાર્થોને અદૃશ્ય કરી દે છે. એ સિદ્ધિ પ્રદર્શન પાછળ કેવળ એમનો સંકલ્પ જ કામ કરતો હોય છે. તો પછી દેવોના દેવ, યોગીઓના યોગી અને સિદ્ધોના સિદ્ધિદાતા પરમ સિદ્ધેશ્વર પરમાત્મા આ સમસ્ત સૃષ્ટિની રચના પોતાની સંકલ્પ શક્તિથી કરે છે એમાં શું અશક્ય છે ? મંત્ર તંત્રમાં વિશારદ માનવો તથા તપસ્વીઓ પણ સ્વેચ્છાથી હવામાંથી અવનવા પદાર્થોને પ્રકટ કરે છે. એમની અંદર જ્યારે એવી અસીમ શક્તિ હોય છે ત્યારે એમનાં એ સંસારના સ્વામી પરમાત્મામાં તો કેટલી બધી અલૌકિક શક્તિ હોય ? એ શક્તિની કલ્પના પણ ના થઈ શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *