Adhyay 2, Pada 1, Verse 32-33
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 1, Verse 32-33
By Gujju29-04-2023
३२. न प्रयोअनबत्त्वात् ।
અર્થ
ન= પરમાત્મા જગતના કારણ ના થઈ શકે.
પ્રયોજનવત્વાત્ = પ્રત્યેક કાર્ય પ્રયોજનથી પ્રેરાઈને થાય છે માટે.
ભાવાર્થ
પરમાત્મા તો પરિપૂર્ણ તથા પુર્ણકામ છે. એ જગતની રચના શા માટે, પ્રયોજનથી પ્રેરાઈને કરે ? પ્રયોજન વિના તો સદ્ બુદ્ધિ સંપન્ન સામાન્ય માનવ પણ કશું નથી કરતો. જીવોને માટે જગતની રચના કરાતી હોય તો તે પ્રયોજન પણ નિરર્થક લાગે છે, કારણ કે આ દુઃખમય દુનિયામાં કોઈ પણ જીવ સંપૂર્ણપણે સુખી નથી. એટલે પરમાત્માએ જગતની રચના કરી હશે એવું નથી માની શકાતું.
—
३३. लोककतु लीलाकैवल्कम् ।
અર્થ
તુ = પરંતુ.
લોકવત્ = લોકમાં આત્મારામ કૃતકામ પુરૂષોની પેઠે
લીલાકૈવલ્યમ્ = કેવળ લીલામાત્ર છે.
ભાવાર્થ
ઉપરના સૂત્રમાં સ્વયં શંકા ઉપસ્થિત કરીને આ સૂત્રમાં એનું સમાધાન કરવામાં આવે છે. સંસારમાં જેમને કાંઈ જ મેળવવાનું નથી, જે પુર્ણ, પ્રશાંત તથા કૃતકામ છે, એવા અવતારી પુરૂષો કે મહાપુરૂષો પણ પોતાના સ્વભાવને અનુસરીને લીલા ખાતર – જીવનલીલાની ઉદાત્તતા, ઉપયોગિતા તથા સાર્થક્તા માટે, અહંકાર અને આસક્તિથી અલિપ્ત રહીને કર્મો કરતા દેખાય છે. તેમનું પોતાનું કોઈ પ્રયોજન નથી હોતું તો પણ બીજાને માટે તેમનાં કર્મો કલ્યાણકારક ઠરે છે.
પરમાત્મા પણ એવી રીતે સ્વાભાવિક રીતે જ, એક લીલાની જેમ, સંસારના સર્જન તથા વિસર્જનનું કાર્ય કરે છે. તેમનું પોતાનું કોઈ વિશેષ પ્રયોજન ના હોવા છતાં બીજા જીવો તેમના દેવદુર્લભ અસાધારણ મહિમાનો વિચાર કરીને પરમાત્માભિમુખ બને છે ને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. પરમાત્માનું પ્રયોજન ના હોય તો પણ જગત રચનાને લીધે જીવોના મહત્વના પ્રયોજનની પૂર્તિ થાય છે.
જગત ગમે તેટલું દુઃખમય અથવા અશાંત લાગતું હોય તો પણ એનો લાભ લઈને સનાતન સુખ શાંતિથી, મુક્તિની ને પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકાય છે. જીવ પોતાના એ જીવન પ્રયોજનની પૂર્તિ માટે સાધના પરાયણ બને તો ઘણું છે. બાકી પરમાત્માની દિવ્ય, ગહન, અકળ લીલાને કોણ સમજી શકે ?