Friday, 15 November, 2024

Adhyay 2, Pada 2, Verse 03-04

127 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 03-04

Adhyay 2, Pada 2, Verse 03-04

127 Views

३. पयोङम्बुवश्चेत्तत्रापि ।

અર્થ
ચેત્ = જો.
પયોઙમ્બુવત્ = દુધ તથા પાણીની પેઠે (પ્રધાનની જગત રચનાની પ્રવૃત્તિ શક્ય છે.)
તત્રાપિ = તો એમાં પણ ચેતનનો સહયોગ છે.

ભાવાર્થ
સાંખ્યદર્શનમાં જણાવ્યું છે કે અચેતન હોવા છતાં પણ પ્રધાન પયની પેઠે પ્રવૃત્તિ કરે છે. अचेतनत्वेङपि  क्षीरवश्चेष्टितं  प्रधानस्य । એના આધાર પર કોઈ એવું કહેતું હોય કે દુધ જડ હોવા છતાં વાછરડાની તૃપ્તિ માટે ગાયના પેટમાં પેદા થઈને આંચળમાં પોતાની મેળે જ ઉતરી આવે છે, તથા પાણી પણ નદી તથા નિર્ઝરના રૂપમાં પોતાની મેળે જ પ્રવાહિત થાય છે, તેવી રીતે પ્રધાન જડ અથવા અચેતન હોવા છતાં જગતની રચનામાં પોતાની મેળે જ પ્રવૃત્ત થાય છે, તો એ કથન બરાબર નથી.

ગાયના ઉદરમાં જે દૂધ પેદા થાય છે અને આંચળમાં ઉતરી આવે છે તે પ્રક્રિયા બહારથી જડ જેવી દેખાતી હોવા છતાં અંદરથી ચેતનની પ્રેરણાના પરિણામરૂપે જ થતી હોય છે. એની પાછળ ગાયની જન્મજાત મીઠી મમતા અને વાછરડાનું વાત્સલ્ય કામ કરે છે. એટલે કે ગાય અને વાછરડો કારણભૂત છે. નદી તથા નિર્ઝરના પાણીપ્રવાહને પણ ચેતન પુરૂષ પોતાની ઇચ્છા પ્રમાણે લઈ જાય છે. એની ઉપર પણ પરમાત્માનું નિયંત્રણ છે. એવું બૃહદારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે.

योङप्सु तिष्ठन् अपोङन्त्तशे यमयति ।
જે પાણીમાં વસે છે અને એની અંદર રહીને એનું નિયમન કરે છે.’

एतस्य वा अंक्षरस्य प्रशासने गार्गि प्राच्योङन्या नद्यः स्यन्दन्ते ।
‘ગાર્ગી, આ અવિનાશી પરમાત્માના પ્રશાસનમાં અથવા નિયંત્રણમાં રહીને પુર્વવાહિની તથા બીજી બધી નદીઓ વહે છે.’
એટલે જગત રચનાની વિશિષ્ટ પ્રવૃત્તિ ચેતન પરમાત્મા વિના કેવળ જડ પ્રકૃતિથી થાય છે એવું માનવું ભૂલભરેલું છે.

४. व्यतिरेकानवस्थितेश्च अनपेक्षत्वात् ।

અર્થ
ચ = એ ઉપરાંત.
વ્યતિરેકાનવસ્થિતેઃ = પ્રધાન સિવાય બીજા કોઈને એની પ્રવૃત્તિ કે નિવૃત્તિનો નિયામક નથી માનવામાં આવ્યો એથી.
અનપેક્ષત્વાત્ = (અને) પ્રધાનને કોઈની અપેક્ષા નથી એટલા માટે પણ.
(પ્રધાન કદીક જગતના રૂપમાં પરીણિત થાય છે ને કદીક નથી થતું એ હકીકત શક્ય અથવા માનવા જેવી નથી લાગતી.)

ભાવાર્થ
સાંખ્યમતમાં કહ્યા પ્રમાણે પ્રધાનને જ પ્રેરક કે પ્રવર્તક માનવામાં આવે છે. એ પ્રધાન બીજા કોઈની પણ અપેક્ષા વિના પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે એવું જણાવાય છે. પુરૂષ અસંગ અને ઉદાસીન છે. એ પરિસ્થિતિમાં પ્રધાન જડ હોવા છતાં કદીક જગત રચનામાં પરીણિત થાય છે ને કદીક નથી થતું એવું કેવી રીતે માની શકાય ? જગતની રચના કરવાનો પ્રધાનનો ધર્મ કે સ્વભાવ માનીએ તો પ્રલય કોણ કરશે ? અને જો રચના કરવાનો એનો સ્વભાવ નથી એવું માનીએ તો રચનાના કાર્યમાં એની પ્રવૃત્તિ જ નહિ થાય. એટલે પ્રધાનને જગતનું કારણ માનવાવાળાના મતમાં દોષો રહેલા હોવાથી એનો સ્વીકાર કરવાનું શક્ય નથી લાગતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *