Sunday, 8 September, 2024

Adhyay 2, Pada 2, Verse 13-14

115 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 13-14

Adhyay 2, Pada 2, Verse 13-14

115 Views

१३. समवावाभ्युषगमाञ्च साम्यादनवस्थितोः ।

અર્થ
સમવાયાભ્યુપગામાત્ = પરમાણુવાદમાં સમવાય સંબંધનો સ્વીકાર કરાયો હોવાથી. 
ચ સામ્યાત્ = કારણ તથા કાર્યની જેમ સમવાય અને સમવાયીમાં પણ ભિન્નતાની સમાનતા છે એટલા માટે.
અનવસ્થિતેઃ = એમની અંદર અનવસ્થાદોષ પેદા થવાથી પરમાણુઓના સંયોગથી જગતની ઉત્પત્તિ નહીં થઈ શકે.

ભાવાર્થ
વૈશેષિકો યુતસિદ્ધ અને અયુતસિદ્ધ વસ્તુઓમાં માને છે. યુતસિદ્ધ એટલે અલગ રીતે રહી શકનારી વસ્તુઓ અને અયુતસિદ્ધ એટલે અલગ ના રહેનારી વસ્તુઓ. પ્રથમ પ્રકારની યુતસિદ્ધ વસ્તુઓમાં સંયોગ સંબંધ હોય છે અને બીજા પ્રકારની અલગ ના રહેનારી અયુતસિદ્ધ વસ્તુઓમાં સમવાયસંબંધ. સુતર ને વસ્ત્ર અથવા સુવર્ણ અને આભૂષણ અયુતસિદ્ધ વસ્તુઓ છે અને પાણી ને પાત્ર અથવા ખુરસી ને ઘર યુતસિદ્ધ વસ્તુઓ. એ વસ્તુઓની વચ્ચે સંયોગનો સંબંધ રહેતો હોય છે.

કારણ કરતાં કાર્ય એકદમ ભિન્ન હોવા છતાં પણ એમના મત પ્રમાણે કારણ તથા કાર્યના પારસ્પરિક સંબંધને સમવાય કહેવામાં આવે છે. એને અનુસરીને બે અણુમાંથી થનારું હ્યણુક નામનું કાર્ય એ અણુઓથી ભિન્ન હોવા છતાં પણ સમવાય સંબંધ દ્વારા એમની સાથે સંકળાયલું રહે છે એવું માનવાથી હ્યણુક જેવી રીતે એ અણુઓથી ભિન્ન હોય છે તેવી રીતે સમવાય પણ સમવાયીથી ભિન્ન છે. એ બંનેમાં ભેદની સમાનતા છે. એટલે હ્યણુક સમવાય સંબંધને લીધે જેવી રીતે બે અણુઓ સાથે સંકળાયેલ છે તેવી રીતે સમવાય પણ સમવાયી સાથે સંકળાયેલ માની લેવાશે. એવી રીતે વારાફરતી પેદા થનારા સમવાય સંબંધની સિદ્ધિ નહિ થાય અને બે અણુમાંથી હ્યણુકની અને એ પછીની ઉત્પત્તિ પણ નહિ માની શકાય.

१४. नित्यमेव च भावात् ।

અર્થ
ચ = એ ઉપરાંત.
નિત્યમ્ = સદા.
ઐવ = જ.
ભાવાત્ = જગતની કે પ્રલયની સત્તા કાયમ રહેશે એથી.

ભાવાર્થ
પરમાણુઓમાં થનારી પ્રવૃત્તિને સ્વભાવિક માની લેવામાં આવે તો શી હરકત છે એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્ર રચવામાં આવ્યું છે. પરમાણુવાદીની માન્યતા મુજબ પરમાણુઓ નિત્ય છે. તો પછી એમનો સ્વભાવ પણ નિત્ય જ માનવો પડશે. એમનો સ્વભાવ પ્રવૃત્તિ પરાયણ છે એવું માનીએ તો એ પ્રવૃત્તિ સ્વાભાવિક હોવાથી એમની દ્વારા થતા જગત રચના રૂપી કર્મનો કદી અંત જ નહિ આવે, અને જો એમનો સ્વભાવ નિવૃત્તિ પરાયણ છે એવું સ્વીકારીએ તો એ નિવૃત્તિ પણ સ્વાભાવિક હોવાથી જગતનો આધાર થયા કરશે અથવા જગત થશે જ નહિ.

એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી ગુણધર્મોનું કે સ્વભાવનું અસ્તિત્વ હોવાનો સંભવ નહિ હોવાથી, પરમાણુઓનો સ્વભાવ બંને પ્રકારનો કે વિવિધ છે એવું તો નથી માની શકાતું. એમનો કોઈ વિશિષ્ટ પ્રકારનો સ્વભાવ નથી એવું માનીએ તો તો કોઈક નિમિત્તને લીધે જ એમનામાં પ્રવૃત્તિ કે નિવૃત્તિની પ્રક્રિયા પેદા થાય છે એવું પણ માનવું પડશે. પરંતુ એવી માન્યતા પણ નિરર્થક નીવડશે, કારણ કે એ જે નિમિત્તમાં માને છે તે નિમિત્તની માન્યતા ભૂલ ભરેલી છે એવું પહેલાં જ પુરવાર કરી દેવાયું છે. એવી રીતે પરમાણુવાદ ક્ષતિ ભરેલો છે અને આદર્શ નથી લાગતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *