Adhyay 2, Pada 2, Verse 19-20
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 19-20
By Gujju29-04-2023
१९. इतरेतरप्रत्ययत्वादिति चेन्नोत्पत्तिमात्रनिमित्तत्वात् ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
ઈતરેતરપ્રત્યયત્વાત્ = અવિદ્યા, સંસ્કાર વિજ્ઞાન વિગેરેમાંથી એકેક બીજાને લીધે થાય છે એટલા માટે એમાંથી સમુદાયની સિદ્ધિ થાય છે.
ઈતિ ન = તો એ બરાબર નથી.
ઉત્પત્તિ માત્ર નિમિત્તત્વાત્ = કારણ કે અવિદ્યા આદિ તો ઉત્તરોત્તરની ઉત્પત્તિમાં જ નિમિત્ત માનેલાં છે.
(સમુદાય અથવા સંઘાતમાં નથી માન્યાં).
ભાવાર્થ
બૌદ્ધ મત પ્રમાણે ક્ષણિક પદાર્થોમાં નિત્યતા કે સ્થિરતાની ભ્રાંતિને અવિદ્યા કહેવામાં આવે છે. એ અવિદ્યાને લીધે વિષયોમાં રાગદ્વેષાદિ સંસ્કાર પેદા થાય છે. એ સંસ્કારો માતાના ઉદરમાં રહેલા શિશુમાં વિજ્ઞાન પેદા કરે છે. એ આલય- વિજ્ઞાનથી પૃથ્વી આદિ ચાર ભૂત થાય છે ને સમુદાય અથવા શરીરનું કારણ બને છે. એને નામના આશ્રયને લીધે નામ પણ કહેવાય છે. ગર્ભસ્થ શરીરની જુદી જુદી અવસ્થાઓને નામ તથા રૂપ સાથે જોડવામાં આવે છે. પૃથ્વી આદિ ચાર ભૂત, નામ, રૂપ, શરીર, વિજ્ઞાન અને ધાતુના આશ્રય જેવા ઈન્દ્રિયોના સમૂહને ષડાયતન કહે છે.
નામ, રૂપ તથા ઈન્દ્રિયોના પારસ્પરિક સંબંધનું નામ સ્પર્શ છે. એને લીધે સુખાદિની વેદના અથવા અનુભૂતિ થાય છે. એમાંથી તૃષ્ણા, ઉપાદાન, ભવ, જાતિ, જરાવસ્થા, મૃત્યુ, શોક, પરિદેવના તથા દુર્મનસ્તા અથવા મનની ઉદ્વિગ્નતા પેદા થાય છે. વળી પાછી એ બધી વસ્તુઓ અવિદ્યા આદિના ક્રમથી પ્રકટે છે. એવી રીતે ચક્ર ચાલ્યા કરે છે. એ માન્યતા પ્રમાણે સમુદાયની સિદ્ધિ થાય છે એવું નથી માની શકાતું. કારણ કે આગળ પર અવિદ્યા આદિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે એમાં આગળ બતાવેલી વસ્તુ એની પાછળની બીજી વસ્તુમાં ઉત્પત્તિમાં કારણ રૂપ બને છે એ સાચું હોવા છતાં એને લીધે સંઘાતની ઉત્પત્તિ નથી થતી. એટલે એ પદ્ધતિ પ્રમાણે પણ સમુદાય કે સંઘાતની સિદ્ધિ અશક્ય છે.
—
२०. उत्तरोत्पादे च पूर्वनिरोधात् ।
અર્થ
ચ = અને.
ઉત્તરોત્પાદે = પાછળથી પેદા થનારા ભાવની ઉત્પત્તિ વખતે પૂર્વ
નિરોધાત = પહેલે વખતે જે કારણ હોય છે તેનો નાશ થઈ જાય છે. માટે.
(પૂર્વોક્ત અવિદ્યા આદિ હેતુ સંસ્કાર જેવા પાછળથી પેદા થનારા ભાવોની ઉત્પત્તિમાં કારણ ના બની શકે.)
ભાવાર્થ
કારણ પોતાના કાર્યમાં સદા વિદ્યમાન રહે છે એ દૃષ્ટિએ વિચારીએ તો ઉપર્યુક્ત મતમાં સઘળાં પદાર્થોનો પ્રત્યેક ક્ષણે નાશ માનવામાં આવ્યો છે. એટલે કાર્યની ઉત્પત્તિ થશે તે જ ક્ષણે કારણનો નાશ થઈ જશે. એવી રીતે કાર્યકારણભાવની સિદ્ધિ નહિ થાય, અને અવિદ્યા જેવા હેતુમાંથી સંસ્કાર જેવા બીજા ભાવોની ઉત્પત્તિમાં દોષ પેદા થશે.