Adhyay 2, Pada 2, Verse 21-22
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 21-22
By Gujju29-04-2023
२१. असति प्रतिज्ञोपरोधो यौगपद्यमन्त्रथा ।
અર્થ
અસતિ = કારણ ના રહેવા છતાં પણ (કાર્યની ઉત્પત્તિ માનવાથી)
પ્રતિજ્ઞોપરોધઃ = પ્રતિજ્ઞાનો નાશ થશે
અન્યથા = નહિ તો.
યોગપદ્યમ = કારણ અને કાર્યની એક સમયે સત્તા સ્વીકારવી પડશે.
ભાવાર્થ
બૌદ્ધ મત મુજબ વિજ્ઞાનની ઉત્પત્તિ માટે ચાર કારણો માનવામાં આવ્યાં છે – અધિપતિપ્રત્યય, સહકારિપ્રત્યય, સમનન્તરપ્રત્યય અને આલંબનપ્રત્યય. એમને અનુક્રમે ઈન્દ્રિયો, પ્રકાશ, મનોયોગ તથા વિષયના નામથી પણ ઓળખવામાં આવે છે. એમની એવી પ્રતિજ્ઞા છે કે એ ચાર કારણોને લીધે જ વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. જો કારણ વિના જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવું માની લઈએ તો એમની એ પ્રતિજ્ઞા ખોટી ઠરે છે, અને કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ નથી થતી એવું માનીએ તો કારણ તથા કાર્યની સત્તા એક જ સમયમાં સ્વીકારવી પડે છે. બંનેમાંથી કોઈક એક માન્યતાને તો ગ્રહણ કરવી જ પડશે. એટલે એ મત કોઈ રીતે સ્વીકારવા લાયક નથી લાગતો.
—
२२. प्रतिसंख्याप्रतिसंख्यानिरोधाप्राप्तिरविच्छेदात् ।
અર્થ
પ્રતિસંખ્યા = પ્રતિસંખ્યા
નિરોધાપ્રાપ્તિઃ = પ્રતિસંખ્યાનિરોધ અને અપ્રતિસંખ્યાનિરોધ એ બે પ્રકારના નિરોધોની સિદ્ધિ નથી થઈ શકતી.
અવિચ્છેદાત્ = પ્રવાહનો વિચ્છેદ નથી થતો એટલા માટે.
ભાવાર્થ
બૌદ્ધ મતમાં પ્રતિસંખ્યા નિરોધ અને અપ્રતિસંખ્યા નિરોધ એવા નિરોધના પ્રકારો માનવામાં આવ્યા છે. પ્રતિસંખ્યા નિરોધ એટલે બુદ્ધિપૂર્વક થતો સહેતુક વિનાશ. એને પૂર્ણ જ્ઞાનથી થનારો આત્યંતિક પ્રલય પણ કહી શકાય. અપ્રતિસંખ્યા નિરોધ એટલે કોઈ પણ નિમિત્ત વિના સ્વભાવથી જ અબુદ્ધિપૂર્વક થનારો વિનાશ. એ મતમાં સઘળાં પદાર્થોને પ્રતિપળ વિનાશશીલ માનવામાં આવે છે અને અસત્ કારણમાંથી સત્ કાર્યની ઉત્પત્તિનો સ્વીકાર પણ ક્ષણે ક્ષણે કરવામાં આવે છે. એ માન્યતા મુજબ એક પદાર્થના નાશનો ને બીજાની ઉત્પત્તિનો ક્રમ ચાલુ રહેવાથી બંનેની પરંપરાનો પ્રવાહ ચાલ્યા કરશે. એનો ભંગ થવાનું કોઈ પણ કારણ એ માન્યતા પ્રમાણે નથી મળતું. એટલા માટે એ નિરોધોની માન્યતા સ્વીકારવા જેવી નથી લાગતી.