Adhyay 2, Pada 2, Verse 23-25
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 23-25
By Gujju29-04-2023
२३. उभयथा च दोषात् ।
અર્થ
ઉભયથા = બંને પ્રકારે.
ચ = પણ
દોષાત્ = દોષ હોવાથી.
ભાવાર્થ
ઉપર્યુક્ત મતમાં માનવામાં આવે છે કે સંસારના સઘળા પદાર્થો ક્ષણિક અને અસત્ય હોવા છતાં પણ ભ્રાંતિરૂપી અવિદ્યાને લીધે સત્ય ને સ્થિર લાગે છે. જ્ઞાનની પ્રાપ્તિથી અવિદ્યાનો અભાવ થતાં સૌનો અભાવ થાય છે. એવી રીતે બુદ્ધિપૂર્વકનો નિરોધ શક્ય બને છે એના સ્પષ્ટીકરણ માટે અહીં કહેવામાં આવે છે કે ભ્રાંતિરૂપી અવિદ્યાથી જણાતું જગત જ્ઞાનની પ્રાપ્તિથી અવિદ્યાનો અંત આવતા નષ્ટ થાય છે એવું માનવામાં આવે તો તો પછી કોઈ પણ જાતના કારણ વિના પદાર્થોનો સ્વાભાવિક નાશ થાય છે એવું જણાવનારી અપ્રતિસંખ્યા નિરોધની માન્યતામાં દોષ પેદા થશે, અને ભ્રાંતિથી ભાસતું જગત પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ વિના પોતાની મેળે જ નાશ પામે છે, એવું માનીએ તો જ્ઞાનની પ્રાપ્તિની અને ઉપદેશની ઉપયોગિતા નહીં રહે. એવી રીતે એ માન્યતા બરાબર નથી લાગતી.
—
२४. आकाशे चाविशेषात् ।
અર્થ
આકાશે = આકાશના સંબંધમાં.
ચ = પણ.(એમની માન્યતા બરાબર નથી.)
અવિશેષાત્ = બીજા ભાવપદાર્થો કરતાં એમાં કોઈ વિશેષતા નથી એટલા માટે.
ભાવાર્થ
એ મતમાં આકાશને પણ અભાવસૂચક માનવામાં આવે છે. એ માન્યતા પણ બરાબર નથી લાગતી, કારણ કે પૃથ્વી, પાણી જેવા ભાવપદાર્થોની પેઠે આકાશ પણ ભાવરૂપ છે. આકાશના અસ્તિત્વનો પણ અનુભવ થાય છે. આકાશ શબ્દના આશ્ચર્યરૂપ છે. એના સિવાય શબ્દનું શ્રવણ ના થઈ શકે. એ બીજાં ચાર ભૂતોનો આધાર છે અને જગતને અવકાશ આપે છે. પરમાત્મામાંથી એનો આવિર્ભાવ થયો છે એવું ઉપનિષદમાં વર્ણવ્યું છે. એટલે આકાશ પણ બીજા બધા પદાર્થોની પેઠે ભાવરૂપ છે. એને અભાવરૂપ ના માની શકાય.
—
२५. अनुस्मृतेश्च ।
અર્થ
અનુસ્મૃતેઃ = પહેલાં થયેલા અનુભવોની અવારનવાર સ્મૃતિ થાય છે તેથી. (અનુભવ કરનારો આત્મા ક્ષણિક નથી)
ચ = પણ.
ભાવાર્થ
આત્મા ક્ષણિક નથી પરંતુ નિત્ય છે કારણ કે માનવ પોતાના પહેલાંના અનુભવોને યાદ કરે છે ને કહી બતાવે છે. જો આત્માનો ક્ષણે ક્ષણે નાશ થતો હોત તો પોતાના પૂર્વ અનુભવોનું એવું સ્મરણ ના થઈ શકત. એક જ જન્મના ને જન્માંતરના અનુભવોની સ્મૃતિ થઈ શકે છે. એના પરથી પુરવાર થાય છે કે એ અનુભવોનો સાક્ષી અથવા જ્ઞાતા આત્મા એક જ છે, નિત્ય છે, ને સનાતન છે. આ પરિવર્તનશીલ જગતમાં એ અપરિવર્તનશીલ પદાર્થ તરીકે પ્રવાસ કરે છે.