Saturday, 7 September, 2024

Adhyay 2, Pada 2, Verse 38-40

89 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 38-40

Adhyay 2, Pada 2, Verse 38-40

89 Views

३८. सम्बन्धानुपपत्तेश्च ।

અર્થ
સંબંધાનુપપત્તેઃ = સંબંધની સિદ્ધિ ના હોવાથી. 
ચ = પણ.

ભાવાર્થ
એ મતમાં ઈશ્વરને જગતના નિમિત્ત કારણ અને પ્રધાનને ઉપાદાન કારણ તરીકે સ્વીકારવામાં આવે છે, પરંતુ એમની વચ્ચેના સંબંધનું સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. પ્રધાન કેવી રીતે પેદા થાય છે અને એની સાથે ઈશ્વરનો સંબંધ શી રીતે સધાય છે તે નથી જણાવવામાં આવ્યું. ઈશ્વર તો નિરાધાર છે. તે પ્રધાનના સંપર્કમાં આવીને સૃષ્ટિરચના કેવી રીતે કરે છે ? વેદને પ્રમાણ માનનારા તો પરમાત્માને સર્વસમર્થ માને છે એટલે એમને માટે એ સૃષ્ટિ રચના કેવી રીતે કરે છે એવો પ્રશ્ન જ નથી પેદા થતો. એ તો એ વાતમાં પણ વેદને જ પ્રમાણ માને છે. પરંતુ તર્કનો આધાર લઈને આગળ વધનારા પાશુપાત મતમાં માનનારા એ સંબંધમાં સંતોષકારક સ્પષ્ટીકરણ નથી કરી શકતા.

३९. अधिष्ठानानुपपत्तेश्च ।

અર્થ
અધિષ્ઠાનાનુપપત્તેઃ = અધિષ્ઠાનની ઉપપત્તિ ના હોવાને લીધે.
ચ = પણ.

ભાવાર્થ
સુવર્ણકાર સોના જેવી સાધન સામગ્રીનો આધાર લઈને જુદી જુદી જાતનાં ઘરેણાં બનાવે છે, તેવી રીતે જગતની રચના કરનાર પરમાત્મા પણ પ્રધાનાદિ સાધનોનો આધાર લઈને જ જગતની રચના કરી શકે. પરંતુ પરમાત્મા સુવર્ણકારની પેઠે શરીરવાળા નથી ને પ્રધાન પણ સુવર્ણાદિની પેઠે સાકાર નથી. પ્રધાનને કોઈ રૂપાદિ નથી તો તે નિરાકાર પરમાત્માના સંસર્ગથી એમના સૂત્રધારપણા નીચે સૃષ્ટિ કેવી રીતે કરે છે ? એ રીતે વિચારતાં પાશુપત મત પ્રમાણભૂત નથી લાગતો.

४०. करणवच्चेन्न भोगादिभ्यः ।

અર્થ
ચેત્ = જો.
કરણવત્ = પરમાત્માને શરીર, ઈન્દ્રિયો જેવાં કરણોથી સંપન્ન માનીએ તો. 
ન = બરાબર નથી.
ભોગાદિભ્યઃ = કારણ કે એમનો સંબંધ ભોગાદિથી સિદ્ધ થઈ જશે.

ભાવાર્થ
જો પરમાત્મા પોતાના સંકલ્પથી જ મન, બુદ્ધિ, ઈન્દ્રિયો તથા શરીરથી સંપન્ન બનીને જગતને રચે છે એવું માનવામાં આવે તો તે પણ બરાબર નથી, કારણ કે એવું માનવાથી બીજા જીવોની જેમ કર્મ કરવાને લીધે એમને કર્મફળનો ઉપભોગ પણ કરવો પડશે. એ અવસ્થામાં એમની સ્થિતિ સાધારણ બની જશે અને એ પરમાત્મા નહિ રહી શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *