Friday, 26 July, 2024

Adhyay 2, Pada 3, Verse 31-32

79 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 31-32

Adhyay 2, Pada 3, Verse 31-32

79 Views

३१. पुंस्त्वादिवत्त्वस्य सतोङभिव्यत्तित्र्योगात् ।

અર્થ
પુંસ્ત્વાદિવત્ = પુરૂષત્વ આદિની પેઠે.
સતઃ = પ્રથમથી વિદ્યમાન
અસ્ય = આ (કારણ શરીરાદિના) સંબંધનો.
તુ = જ
અભિવ્યક્તિયોગાત્ = સૃષ્ટિ કાળમાં પ્રકટ થવાનો યોગ હોવાથી (કોઈ દોષ નથી.)

ભાવાર્થ
પ્રલયકાળમાં તો સંપૂર્ણ જગત પરમાત્મામાં મળી જાય છે. એ વખતે બુદ્ધિ જેવા પદાર્થોનું પરમાત્માથી અલગ અસ્તિત્વ નથી રહેતું. એ દશામાં બુદ્ધિ આદિના સમૂહ સરખા સૂક્ષ્મ કે કારણ શરીર સાથે જીવાત્માનો સંબંધ કેવી રીતે રહે છે ? અને જો ના રહેતો હોય તો એ સંબંધ સૃષ્ટિ સમયે કેવી રીતે સ્થપાય છે ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવે છે કે પ્રલયકાળમાં બુદ્ધિ જેવા પદાર્થો સ્થૂળરૂપે રહેવાને બદલે પરમાત્મામાં મળી જાય છે તો પણ પરમાત્માની પરમશક્તિના રૂપમાં અવ્યક્ત રીતે તો રહે છે જ. એમનો સમુળગો નાશ નથી થતો.

જીવાત્મા પણ પોતાના કર્મ સંસ્કારરૂપ કારણ શરીરો સાથે પરમાત્મામાં મળી જવા છતાં પણ અવ્યક્ત રીતે રહેતા હોય છે. એમનો આત્યંતિક નાશ નથી થતો. એને લીધે સૃષ્ટિકાળમાં એ પરમાત્માના સંકલ્પથી સૂક્ષ્મ તથા સ્થૂળ સ્વરૂપે પ્રકટે છે. એ હકીકતને સમજાવવા માટે અહીં એક સુંદર ઉદાહરણ પૂરૂ પાડવામાં આવે છે. એ ઉદાહરણ પુરૂષત્વનું છે. પુરૂષના જન્મ સાથે જ બીજરૂપે પ્રાપ્ત થતું હોવા છતાં બાલ્યાવસ્થામાં સુષુપ્ત દશામાં હોય છે અને યૌવનાવસ્થામાં પ્રકટે છે ને પ્રબળ બને છે. તેવી રીતે સૃષ્ટિ કાળે જીવો સક્રિય થાય છે.

३२. नित्योपलब्ध्यनुपलब्धिसंगोङन्यतरनियमो वान्यथा ।

અર્થ
અન્યથા = જીવાત્માને અંતઃકરણના સંબંધથી વિષયોનું જ્ઞાન થાય છે એવું ના માનવાથી.
નિત્યોપલબ્ધ્યનુપલબ્ધિપ્રસંગઃ = એને સદાને માટે વિષયોનો અનુભવ થવાનો અથવા કદી પણ ના થવાનો પ્રસંગ પેદા થશે.
વા = અથવા.
અન્યતર નિયમઃ = આત્માની ગ્રાહક શક્તિ અથવા વિષયની ગ્રાહ્ય શક્તિના નિયમની કલ્પના કરવી પડશે.

ભાવાર્થ
જીવાત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એને મન અથવા બુદ્ધિના સંબંધથી જ વિષયોનું જ્ઞાન થાય છે એવું શા માટે માનવું જોઈએ ? એવી શંકાના સમાધાન માટે અહીં જણાવવામાં આવે છે કે જીવાત્માને મન, બુદ્ધિ અથવા અંતઃકરણના સંબંધથી વિષયોનું જ્ઞાન થાય છે એવું ના માનીએ તો એને કોઈ વાર કોઈ વસ્તુનો અનુભવ થાય છે ને કોઈ વાર થતો નથી એ હકીકતનું સ્પષ્ટિકરણ નથી થઈ શકતું. એ પ્રકાશ સ્વરૂપ હોવાથી પદાર્થોનો અનુભવ પોતાની મેળે જ કરે છે એવું માનીએ તો તો એને એક સાથે ને હમેશાં સઘળા પદાર્થોનું જ્ઞાન થાય છે એવું પણ માનવું પડશે. એની અંદર પદાર્થોના જ્ઞાનથી શક્તિ  સ્વાભાવિક નથી એવું માનીએ તો એને કોઈ પણ વખતે કશાનું જ્ઞાન નથી થતું એવું માનવું પડશે.

એવી રીતે આત્માની ગ્રાહક શક્તિ અથવા વિષયોની ગ્રાહ્ય શક્તિ સીમિત કે અલ્પ છે એવું સ્વીકારવું પડશે. કોઈક કારણને લીધે જીવાત્માની ગ્રાહક શક્તિ પર પ્રતિબંધ મૂકાય છે અથવા વિષયોની ગ્રાહ્ય શક્તિ સીમિત બને છે, અને પ્રતિબંધ દૂર થવાથી વિષયોનો અનુભવ થાય છે અને પ્રતિબંધ રહેવાથી વિષયોનો અનુભવ નથી થતો એવું માનવું પડશે. એને બદલે અંતઃકરણના સંબંધથી જીવાત્માને વિષયોનો અથવા પદાર્થોનો અનુભવ થાય છે એવું માનવું વધારે ઉચિત, યુક્તિસંગત અને અનુભવગમ્ય લાગે છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું છે કે ‘મનથી જ તે જુએ છે ને મન દ્વારા જ સાંભળે છે.’ मनसा ह्येव  पश्यति मनसा श्रृणोति । જીવાત્માનો અંતઃકરણ સાથેનો એ સંબંધ જ વિવિધ વિષયોના અનુભવમાં કારણરૂપ બને છે ને કદી કાર્ય રૂપે પ્રકટ તો કદી અપ્રકટ રહે છે. એને લીધે જ કોઈવાર વિષયોનો અનુભવ થાય છે તો કોઈ વાર નથી થતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *