Saturday, 27 July, 2024

Adhyay 2, Pada 3, Verse 14-15

77 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 14-15

Adhyay 2, Pada 3, Verse 14-15

77 Views

१४. विपर्ययेण तु क्रमोङत  उपपद्यते च ।

અર્થ
તુ = પરંતુ.
અતઃ = આ ઉત્પત્તિ ક્રમથી. 
ક્રમઃ = પ્રલયનો ક્રમ.
વિપર્યયેણ = વિપરીત હોય છે.
ઉપપદ્યતે = એવું હોવાનું યુક્તિપુરઃસર છે. 
ચ = અને (સ્મૃતિમાં પણ એવું જોવા મળે છે.)

ભાવાર્થ
સૃષ્ટિની ઉત્પત્તિનો જે ક્રમ ઉપનિષદમાં બતાવવામાં આવ્યો છે તે ક્રમ વરસોના એકધારા ચિંતન, મનન અને અનુભવના પરિણામે નક્કી થયેલો છે ને યથાર્થ છે. પરમાત્મા રૂપી કારણમાંથી જગતરૂપી કાર્ય પેદા થાય છે એ ભારતના પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય મહાન ઋષિવરોએ નક્કી કર્યું છે. એમાં એમને કોઈ પણ પ્રકારની શંકા નથી રહી. એવી જ રીતે એ શંકારહિત બનીને પોતાના અનુભવના આધાર પર કહી બતાવે છે કે જગતની ઉત્પત્તિના ક્રમ કરતાં એના પ્રલયનો ક્રમ તદ્દન ઊલટો હોય છે. એ કાર્ય પોતાના કારણમાં ને છેવટે મહાકારણમાં મળી જાય છે.

ઉત્પત્તિ વખતે પરમાત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જલ અને જલમાંથી પૃથ્વીના ક્રમ પ્રમાણે જગત પ્રાદુર્ભાવ પામે છે, પરંતુ પ્રલય વખતે એનાથી ઊલટી રીતે કાર્ય કારણમાં લય પામે છે. એટલે કે પૃથ્વી જલમાં, જલ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં અને આકાશ પરમાત્મામાં મળી જાય છે. સંસારનું નિરીક્ષણ કરવાથી પણ કાર્ય છેવટે પોતાના કારણમાં વિલીન થાય છે એવું જોઈ શકાય છે. પાણીમાંથી વરાળ બને છે અને એ પછી પાણીમાં જ પરિવર્તન પામે છે. ગીતા જેવા સ્મૃતિગ્રંથોમાં પણ એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ને જણાવ્યું છે કે જગત પ્રલય પછી પરમાત્મામાં મળી જાય છે.

१५. अन्तरा विज्ञानमनसी  क्रमेण तल्लिङ्गादिति चेन्नाविशेषात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
વિજ્ઞાન મનસી = મન તથા ઈન્દ્રિયો.
ક્રમેણ = ઉત્પત્તિ ક્રમને અનુસરીને. 
અન્તરા (સ્યાતામ્) = પરમાત્મા અને આકાશ જેવાં ભૂતોની વચ્ચે હોવી જાઈએ.
તલ્લિંગાત્ = કારણ કે શ્રુતિમાં એવા નિર્ણયને માટેના લક્ષણ કે પ્રમાણ મળે છે. 
ઈતિ ન = તો એવું કથન બરાબર નથી.
અવિશેષાત્ = કારણ કે શ્રુતિમાં કોઈ ક્રમ વિશેષનું વર્ણન નથી મળતું.

ભાવાર્થ
અત્યાર સુધીનાં સૂત્રોમાં પંચ મહાભૂતોની ઉત્પત્તિ વિશેની વિચારણા તો કરી લીધી. પરંતુ મન, બુદ્ધિ તથા ઈન્દ્રિયોની ઉત્પત્તિની વાત નથી આવી. તો એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. પંચ મહાભૂતોમાંથી કે પરમાત્મામાંથી, અને જો પરમાત્મામાંથી થતી હોય તો પંચ મહાભૂતોની પછી થાય છે કે પહેલાં ? એ પ્રશ્ન તો રહે જ છે. એવા પ્રત્યુત્તર માટે આ સૂત્રની રચના થઈ છે. 

મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ પરમાત્મામાંથી પ્રાણ પ્રકટે છે, તથા મન, બધીયે ઈન્દ્રિયો, આકાશ, વાયુ, જલ અને સૌને ધારણ કરનારી પૃથ્વી પેદા થાય છે.

एतस्माञजायते प्राणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ॥

એ વર્ણન એવું માનવા માટે પ્રેરે છે કે પરમાત્મામાંથી સૌથી પહેલાં પ્રાણ, મન તથા ઈન્દ્રિયોની ને તે પછી પંચ મહાભૂતોની રચના થઈ હશે. પરંતુ ખરેખર એવું નથી સમજવાનું. મુંડક ઉપનિષદનું એ વર્ણન પરમાત્માના પરમ મહિમાને દર્શાવવા માટે જ કરવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ સર્વ કાંઈ પરમાત્મામાંથી જ થયું છે ને પરમાત્મા સૌના મૂળ ઉદ્ ભવ સ્થાન છે એવું બતાવવાનો છે. એ વર્ણનમાં પ્રાણ, મન, ઈન્દ્રિયો તથા પંચ મહાભૂતોની ઉત્પત્તિનો ક્રમ નથી બતાવ્યો પરંતુ એમનો ઉપલક ઉલ્લેખ જ કરેલો છે. એટલે એને આદર્શ અથવા પ્રમાણભૂત માનીને એમની ઉત્પત્તિ વિશેના કોઈ નિશ્ચિત નિર્ણય પર ના પહોંચી શકાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *