Thursday, 14 November, 2024

Adhyay 2, Pada 3, Verse 18-19

129 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 18-19

Adhyay 2, Pada 3, Verse 18-19

129 Views

१८. ज्ञोङत एव ।

અર્થ
અતઃ = (એ નિત્ય ને જન્મ મરણથી રહિત છે) એથી.
એવ = જ
જ્ઞઃ = જ્ઞાતા છે.

ભાવાર્થ
જીવાત્મા અવિનાશી, નિત્ય અને જન્મ મરણથી રહિત છે એટલા માટે તો આ પૃથ્વીના પુણ્ય પ્રવાસમાં જુદે જુદે વખતે થયેલા અનુભવોને યાદ કરી શકે છે અથવા એ અનુભવોનું જ્ઞાન ધરાવે છે. જો એ જન્મતો ને મરતો હોત તો એક જન્મના અનુભવોની સ્મૃતિ બીજા જન્મમાં ના કરી શકત. પરંતુ શરીરો બદલાય છે તો પણ એ નથી બદલાતો અને એક સરખો રહે છે એટલે તો એક જન્મના અનુભવોને યાદ કરી શકે છે.

યોગીઓને માટે એવું સ્મરણ સ્વાભાવિક હોય છે. કેટલાક બીજા બાળકો ને મોટા માણસો પણ પૂર્વ જન્મની સ્મૃતિથી સંપન્ન દેખાય છે. એ ઉપરાંત, એક જ જન્મની બાળપણની ને યુવાવસ્થાની સ્મૃતિઓ મોટી ઉંમરે કાયમ રહે છે. જેથી પણ સમજી શકાય છે કે એ સ્મૃતિઓથી સંપન્ન જીવાત્મા એક જ છે. જો એક ના હોત તો અલગ અલગ વખતે ને સ્થળે થયેલા સ્વાનુભવોની સ્મૃતિ કેવી રીતે કરી શકત ?

१९. उत्क्रान्तिगत्यागतीनाम् ।

અર્થ
ઉત્ક્રાન્તિગત્યાગતીનામ્ = (એક જ જીવાત્માનું) શરીરથી ઉત્ક્રમણ કરનાર, પરલોકમાં જનાર અને ત્યાંથી પાછા આવનાર તરીકે વર્ણન છે.

ભાવાર્થ
જીવાત્મા જન્મ મરણથી મુક્ત ને નિત્ય છે એનું સમર્થન કરતાં ઉપનિષદોએ એને શરીરને છોડનારો, પરલોકમાં જનારો તથા ત્યાંથી પાછો આવનારો કહી બતાવ્યો છે. જો તે નિત્ય, એક સરખો અને અજન્મા ના હોત તો એવું કહેવાને બદલે સ્પષ્ટ રીતે વર્ણવાત કે શરીરમાંથી બહાર નથી જતો, અથવા બહાર જાય છે તો પણ જીવતો નથી રહેતો, પરલોકમાં નથી જતો, ને ફરીવાર જન્મતો પણ નથી. જે જન્મે છે તે તો જુદો જ જીવાત્મા હોય છે, ને તેનો પહેલાંના જીવાત્મા સાથે કશો જ સંબંધ નથી હોતો. પરંતુ ઉપનિષદોનું વર્ણન જીવાત્માના જન્મ મરણનું નહિ પરંતુ એની અખંડતા અથવા અમરતાનું પ્રતિપાદન કરનારૂં છે.

કઠોપનિષદમાં કહ્યું છે કે ‘મૃત્યુ પછી આ જીવાત્માઓમાંથી પોતપોતાનાં કર્મોને અનુસરીને કોઈ વૃક્ષાદિ સ્થાવર શરીરને ધારણ કરે છે તો કોઈ દેવ, મનુષ્ય, પશુપક્ષી જેવાં જંગમ શરીરોમાં પ્રવેશે છે.’
योनिमन्ये  प्रपद्यंते शरीरत्वाय देहिनः ।
स्थाणुमन्येङनुसंयन्ति  यथाकर्म यथाश्रुतम् ॥

ગીતામાં યોગભ્રષ્ટ પુરૂષની ગતિના વર્ણન વખતે જીવાત્મા પુણ્યવાન લોકોને પામે છે ને તેમાં નિવાસ કરીને પવિત્ર ઘરમાં અથવા યોગીના કુળમાં જન્મે છે કે પ્રકટે છે એવું કહેવામાં આવ્યું છે, અને શરીર છોડતી વખતે જેવી કામના કરવામાં આવે છે તેવી તેવી કામનાના ઉપભોગ માટે નવું શરીર પ્રાપ્ત થાય છે એવું જણાવ્યું છે. શરીરનો નાશ થવા છતાં પણ જીવાત્માનો નાશ નથી એવો નિર્દેશ તો ગીતાના બીજા અધ્યાયમાં ઠેર ઠેર કરવામાં આવ્યો છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *