Adhyay 2, Pada 3, Verse 38-40
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 38-40
By Gujju29-04-2023
३८. शक्तिविपर्ययात् ।
અર્થ
શક્તિવિપર્યયાત્ = શક્તિનો વિપર્યય હોવાને લીધે પણ.
(વિવેકના આશ્રય વિના એની દ્વારા સદા હિતકર્મ કરવાનો નિયમ નથી કરી શકતો.)
ભાવાર્થ
જીવાત્માનું કર્તાપણું સ્વરૂપથી નથી પરંતુ કર્મોના સંસ્કારોના તેમ જ શરીર અને ઈન્દ્રિયોના સંબંધને લીધે છે. એમની પ્રાપ્તિમાં એ તદ્દન પરાધીન હોવાથી, અને એમના સંસર્ગ તથા સહયોગ સિવાય કોઈ પણ કર્માનુષ્ઠાનની શક્યતા ના હોવાથી, પોતાના કલ્યાણનું કાર્ય કરવાનું એને માટે કઠિન થઈ પડે છે. કોઈવાર શરીર તથા ઈન્દ્રિયો એને અનુકૂળ હોય છે તો કોઈવાર પ્રતિકૂળ. એને લીધે એની શક્તિમાં પણ ફેર પડે છે. એ અવસ્થામાં સદ્ બુદ્ધિનો કે વિવેક શક્તિનો આધાર લઈને એ પોતાનું કલ્યાણ કરી શકે છે.
—
३९. समाध्यभावाच्च ।
અર્થ
સમાધ્યભાવાત્ = સમાધિદશાના અભાવની પ્રાપ્તિને લીધે.
ચ = પણ.
ભાવાર્થ
જીવાત્માના કર્તાપણાને સ્વરૂપથી કે સ્વભાવથી જ માની લઈએ તો કશી હરકત છે કે કેમ, એવી જિજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે એના કર્તાપણાને સ્વરૂપગત કે સ્વભાવગત માનવાનું બરાબર નથી. જો કર્મ કરવાનું એને માટે સ્વરૂપગત કે સ્વભાવગત હોત તો એનું કર્મ બધી જ દશામાં ચાલુ રહેત. પરંતુ સમાધિ દશામાં એ કર્મ બંધ થાય છે અથવા અટકી પડે છે. એ દૃષ્ટિએ કાં તો જીવાત્મા સતત અને સ્વાભાવિક રીતે કર્મ કરે છે એવું માનવું પડે અથવા સમાધિ દશાનો નિષેધ કરવો પડે, જીવાત્મા સ્વરૂપથી જ જો કર્તા હોય તો કદી પણ અકર્તા કે કર્મ રહિત ના રહી શકે. પરંતુ શ્રુતિએ એના સ્વરૂપને કર્મ રહિત કહ્યું છે.
—
४०. यथा च तक्षोभयथा ।
અર્થ
ચ = એ ઉપરાંત.
યથા = જેવી રીતે.
તક્ષા = કારીગર.
ઉભયથા = કોઈવાર કર્મ કરે છે તો કોઈવાર નથી કરતો, એવી બંને પ્રકારની દશામાં દેખાય છે
(એવી રીતે જીવાત્મા પણ બંને પ્રકારની દશામાં રહેતો હોવાથી એનું કર્તાપણું સ્વરૂપગત નથી.)
ભાવાર્થ
ઉપર્યુક્ત વાતને બીજી રીતે સમજાવતાં કારીગરનું ઉદાહરણ આપવામાં આવે છે. કારીગર જુદી જુદી સાધનસામગ્રીની મદદથી કોઈવાર કર્મ કરતો દેખાય છે તો કોઈવાર સાધનસામગ્રીને મૂકી દઈને શાંત બનીને બેસી રહે છે. જ્યારે કર્મ કરે છે ત્યારે એ કર્તા કહેવાય છે ને કર્મ નથી કરતો ત્યારે અકર્તા. એવી રીતે મન, ઈન્દ્રિયો અથવા અંતઃકરણનો આધાર લઈને જ્યારે જીવાત્મા કર્મ કરે છે ત્યારે એમની દ્વારા થનારાં કર્મોનો એ કર્તા કહેવાય છે અને એમનો સંબંધ છોડી દે છે ત્યારે અકર્તા કહેવાય છે. એનો અર્થ એ થયો કે જીવાત્મા સ્વરૂપથી અથવા સ્વભાવથી કર્તા નથી.
ભગવદ્ ગીતા પણ એ સિદ્ધાંતમાં સૂર પૂરાવે છે ને કહે છે કે ‘ખરી રીતે તો સઘળા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે, તો પણ અહંકારથી વિમૂઢ માનવ હું કર્તા છું એવું માની લે છે.’
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥ (અધ્યાય ૩. શ્લોક ૨૭)