Adhyay 2, Pada 3, Verse 41-42
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 41-42
By Gujju29-04-2023
४१. परात्तु तच्छ्रुतेः ।
અર્થ
તત્ = જીવાત્માનું એ કર્તાપણું.
પરાત્ = પરમાત્માને લીધે.
તુ = જ છે.
શ્રુતેઃ = શ્રુતિના કથનથી એવું પુરવાર થાય છે તેથી.
ભાવાર્થ
જીવાત્માનું કર્તાપણુ આવે છે ક્યાંથી ? એની અંદર કર્તાપણું કેવી રીતે પેદા થાય છે ? કર્તા તરીકે એ સ્વતંત્ર છે કે પરતંત્ર ? એવા વિચારો વિચારશીલ પુરૂષોના મનમાં ઉદ્ ભવે એ સ્વાભાવિક છે. એ વિચારોના અનુસંધાનમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જીવાત્મા કર્તા બને છે અથવા કર્તાપણાથી સંપન્ન બને છે તે પરમાત્મા અથવા પરમાત્માની પરમશક્તિને લીધે જ. પરમાત્મા સિવાય તેનાથી કશું જ ના થઈ શકે. તેના નિયંતા, પ્રેરક કે પ્રકાશક કેવળ પરમાત્મા જ છે. પરમાત્માને લીધે જ એનું અસ્તિત્વ છે અને એનું કર્તૃત્વ પણ એમને જ આભારી છે. પરમાત્મા જ એના પરમ મૂલાધાર છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવાત્મામાં રહીને જે એનું નિયમન કરે છે એ અંતર્યામી તારો આત્મા છે.’ એ પરમાત્મા એકલા જીવાત્માનું જ નહિ પરંતુ સમસ્ત સંસારનું નિયમન કરે છે. સંસારના સૂત્રધાર હોવા ઉપરાંત સંસારની ગતિવિધિ કે પ્રવૃત્તિના મૂળ કારણ એ જ છે. એ જ જીવાત્મામાં ચેતન ભરે છે અને એને જીવન તથા બળ બક્ષે છે. એ જ સૂર્યાદિને પ્રકાશ પહોંચાડે છે, પૃથ્વીને સ્થિરતા પ્રદાન કરે છે, પુષ્પોમાં પરિમલ બનીને પ્રકટે છે, સરિતાઓમાં અભિસરણ અને સમુદ્રમાં ગર્જન કરે છે, અનંત આકાશમાંથી અવલોકે છે, અને જીવાત્માની અંદર પણ એમને લીધે જ શક્તિસંચાર શક્ય બને છે.
કેનોપનિષદમાં જે યક્ષની કથા કહેવામાં આવી છે એ કથાની અંદર પણ એ જ સંદેશ સમાયેલો છે કે અગ્નિ અને વાયુ જેવા દેવો પણ પરમાત્માની પ્રેરણા તથા શક્તિ વિના અસક્ત બની જાય છે ને કોઈપણ પ્રકારનું નાનું કે મહત્વનું કાર્ય નથી કરી શકતા. તો પછી સામાન્ય જીવોના સંબંધમાં તો કહેવું જ શું ? એટલે જીવાત્માનું કર્તાપણું પરમાત્માને આધીન છે.
—
४२. कृतप्रयत्नोपक्षस्तु विहितप्रतिषिद्धावैयर्थ्मादिभ्यः ।
અર્થ
તુ = પરંતુ.
કૃતપ્રયત્નાપેક્ષઃ = ઈશ્વર જીવના પૂર્વકૃત કર્મસંસ્કારોની અપેક્ષા રાખીને જ એને નવીન કર્મ કરવાની શક્તિ તથા સામગ્રી આપે છે એથી અને.
વિહિતપ્રતિદ્ધાવૈર્થ્યાદિભ્યઃ = વિધિ-નિષેધ શાસ્ત્રની પ્રાર્થકતા જેવા હેતુઓને લીધે પણ ઈશ્વર તદ્દન નિર્દોષ છે.
ભાવાર્થ
જીવોના કર્તાપણાને ઈશ્વરાધીન માન્યું એ તો સાચું પરંતુ એવી માન્યતાને લીધે ઈશ્વરમાં વિષમતા કે નિર્દયતાનો દોષ આવશે એનું શું ? ઈશ્વર સૌથી પહેલાં તો જુદા જુદા જીવોની પાસે શુભાશુભ કર્મો કરાવે છે અને પછી એ કર્મોના સારા નરસા ફળોનો ઉપભોગ કરવા બાધ્ય બનાવે છે, એ શું સારું લાગે છે ? એવી જિજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે ઈશ્વરમાં એવો કોઈ દોષ નહિ પેદા થાય. એમની દ્વારા જીવોને કર્મ કરવાની શક્તિ સાંપડે છે એ સાચુ છે, પરંતુ એ શક્તિ અથવા સામગ્રી એ જીવોના જન્મજન્માંતરના કર્મસંસ્કારોને અનુસરીને જ આપવામાં આવે છે. એની પાછળ કશી અવ્યવસ્થા નથી તથા ઈશ્વરનું મનસ્વીપણું પણ કાર્ય નથી કરતું.
એ ઉપરાંત, જીવોને જે સદ્ સદ્ વિવેકનું દાન કરવામાં આવ્યું છે તેનો અને પોતાની શક્તિ સામગ્રીનો સમુચિત ઉપયોગ કરીને તે પોતાનો સુધાર કરી શકે છે ને શાસ્ત્રોક્ત કર્મો પણ કરી શકે છે. એ પ્રકારની સ્વતંત્રતા તો તેમને સાંપડેલી છે. એવી સ્વતંત્રતાનો ઉપયોગ એ કોઈ કારણે ના કરે તો તેમાં દોષ પરમાત્માનો નથી પરંતુ એનો છે. અશુભ કર્મો કરીને એમના પરિણામે જે દુઃખ, મુસીબત કે દુર્ગતિ ભોગવે તેનો દોષ પણ પરમાત્માને ના દઈ શકાય. તેની જવાબદારી જીવની પોતાની જ છે.