Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 4, Verse 01-02

152 Views
Share :
Adhyay 2,  							Pada 4, Verse 01-02

Adhyay 2, Pada 4, Verse 01-02

152 Views

१. तथा प्राणा ।

અર્થ
તથા = એવી રીતે.
પ્રાણઃ = પ્રાણશબ્દવાચ્ય ઈન્દ્રિયો પણ (પરમાત્માથી જ પેદા થાય છે.)

ભાવાર્થ
આકાશાદિ પંચ મહાભૂતો અને આ સંપૂર્ણ જગત પરમાત્મામાંથી પ્રાદુર્ભાવ પામે છે અથવા પેદા થાય છે તેવા ઉપનિષદમાં સ્પષ્ટ ઉલ્લેખો જોવા મળે છે. જે છે તે બધું જ એક માત્ર પરમાત્મામાંથી જ પેદા થાય છે. એનો અર્થ એવો થયો કે પ્રાણ અથવા ઈન્દ્રિયોની ઉત્પત્તિ પણ પરમાત્મામાંથી જ થાય છે. પરમાત્મા એક, અનન્ય, અદ્ ભુત અને સર્વોપરી છે. એમની સત્તા સંસારમાં સર્વોત્તમ છે. એટલે જે પણ પેદા થાય છે એ એમના વિના બીજા કશામાંથી પેદા નથી થતું. સંસારના આરંભમાં એમના સિવાયનું બીજું કશું હોતું જ નથી તો પછી બીજાની અંદરથી કશું પેદા થવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ?

મુંડક ઉપનિષદમાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે ‘આ પરબ્રહ્મ પરમાત્મામાંથી જ પ્રાણ, મન, સઘળી ઈન્દ્રિયો, આકાશ, વાયુ, અગ્નિ, પ્રાણી અને સૌને ધારણ કરનારી પૃથ્વી પેદા થાય છે.’ એમાં બીજી બધી વસ્તુઓની પેઠે ઈન્દ્રિયો પણ પરમાત્મામાંથી પ્રકટે છે એવું કહી બતાવ્યું છે. એમના ઉત્પત્તિ સ્થાન તરીકે બીજા કશાને માનવા-મનાવવાની આવશ્યકતા નથી લાગતી.

२. गौण्यसम्भवात् ।

અર્થ
અસમ્ભવાત્ = સંભવ ના હોવાથી એ શ્રુતિ. 
ગૌણી = ગૌણી છે અથવા એનું કથન ગૌણરૂપે છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘વાણી તેજોમયી છે, એટલે કે વાક્ ઈન્દ્રિય તેજમાંથી પેદા થઈ છે તેથી તેજથી ઓતપ્રોત છે.’ એની પહેલાં અગ્નિ, પાણી તથા પૃથ્વીની ઉત્પત્તિ બતાવી છે ને જગતની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. એથી તો એવું માનવાને કારણ મળે છે કે ઈન્દ્રિયોની ઉત્પત્તિ પંચ મહાભૂતોથી થઈ છે. એવા અભિપ્રાયના સંબંધમાં સ્પષ્ટીકરણ કરતાં આ સૂત્રમાં કહેવામાં આવે છે કે ઈન્દ્રિયોની ઉત્પત્તિ પંચ મહાભૂતમાંથી થઈ શકે છે એવું માનવાનું શક્ય ના હોવાથી એ શ્રુતિ ગૌણી માનવી જોઈએ.
એ શ્રુતિમાં અથવા છાંદોગ્ય ઉપનિષદના વચનમાં જણાવવામાં આવ્યું છે કે ‘ભક્ષણ કરવામાં આવેલા તેજનો જે સૂક્ષ્મ અંશ હોય છે તે એકત્ર થઈને વાણી બને છે.’ એ વચનમાં ભક્ષણ કરવામાં આવેલા તૈજસ પદાર્થોના અથવા તેજના સૂક્ષ્માંશનું એવું પરિણામ બતાવવામાં આવ્યું છે. તેજના ભક્ષણ કરવામાં આવતા સૂક્ષ્મ અંશનો જે નિર્દેશ કરવામાં આવ્યો છે તેના પરથી સહેલાઈથી અનુમાન કરી શકાય છે કે જેની દ્વારા એ સૂક્ષ્માંશનું ભક્ષણ કરવામાં આવે છે તે ઈન્દ્રિયોની ઉત્પત્તિ તેજ તત્વની પહેલાં થયેલી હોવી જોઈએ.
 
એવી રીતે ખાધેલા અન્નથી મનને અને મનની પીધેલા પ્રાણોની ઉત્પત્તિ કહી બતાવી છે. પરંતુ પ્રાણની હયાતિ વિના પાણી પી શકાય જ કેવી રીતે ? એટલે પીધેલા પાણીથી પ્રાણોની ઉત્પત્તિ થાય છે એવું માનવાનું ઉચિત નથી લાગતું. એટલે પીધેલું પાણી પ્રાણ ધારણને માટે અથવા પ્રાણની પુષ્ટિને માટે મદદરૂપ છે માટે જ એને ગૌણ રીતે પ્રાણની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું છે એવું સમજવું જોઈએ. એટલે એ ઉપનિષદ વચનનો શબ્દાર્થ લેવાને બદલે ભાવાર્થ જ ગ્રહણ કરવો જોઈએ. એવો ભાવાર્થ ગ્રહણ કરવાથી સમજી શકાય છે કે વાણીને માટે મદદરૂપ હોવાથી જ તૈજસ પદાર્થોને કે તેજને વાક્ ઈન્દ્રિયની ઉત્પત્તિના કારણ તરીકે કહેવામાં આવ્યા છે. એવી રીતે થોડીક વિશાળતાપૂર્વક ભાવાર્થને મહત્વનો માનીને સમજવામાં આવે તો ઉપનિષદનાં વચનોમાં કોઈ પ્રકારનો વિરોધાભાસ નહિ લાગે અને એમના સાર તત્વને સરળતાથી સમજી શકાશે. એટલે ઈન્દ્રિયોની ઉત્પત્તિ પંચ મહાભૂતમાંથી નથી થઈ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *