Adhyay 3, Pada 1, Verse 01
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 1, Verse 01
By Gujju29-04-2023
१. तदन्तरप्रतिपत्तौ रंहति सम्परिष्वक्तः प्रश्ननिरूपणाभ्याम् ।
અર્થ
તદન્તરપ્રતિપત્તૌ = એ શરીર પછી બીજા શરીરની પ્રાપ્તિ વખતે (આ જીવાત્મા.)
સમ્પરિષ્વક્તઃ = શરીરના બીજરૂપ સૂક્ષ્મ તત્વોથી સંપન્ન બનીને
રંહતિ = જાય છે. (એ હકીકત.)
પ્રશ્નનિરૂપણાભ્યામ્ = પ્રશ્ન અને એના ઉત્તરથી સિદ્ધ થાય છે.
ભાવાર્થ
જીવાત્મા પહેલા શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરવા માટે પ્રયાણ કરે છે ત્યારે એકલો જ પ્રયાણ કરે છે કે પછી એની સાથે કોઈ બીજું પણ જાય છે, એ વિષયના સમ્યક્ નિર્ણય માટે આ સૂત્રની રચના કરીને જણાવવામાં આવ્યું છે કે શરીરને છોડીને બીજા શરીરમાં જનારો જીવાત્મા એકલો નથી જતો પરંતુ બીજરૂપમાં રહેલાં સૂક્ષ્મ તત્વોથી સંપન્ન બનીને પ્રયાણ કરે છે. એની પ્રતીતિ છાંદોગ્ય ઉપનિષદમાં આવેલા પ્રશ્ન તથા ઉત્તરના પ્રકરણ પરથી સહેલાઈથી થઈ રહે છે.
આ સૂત્ર પરથી અને ઉપનિષદના એ પ્રકરણ પરથી એક મહત્વની હકીકત પ્રત્યે આપણું ધ્યાન ખેંચાયા વિના નથી રહી શકતું કે દુનિયાના બીજા દેશોની પ્રજા જ્યારે મોટે ભાગે ભૌતિક વાતો ને વિષયોમાં જ રત હતી ત્યારે ભારતના ઋષિવરો જન્મ મરણનાં તથા જગતનાં રહસ્યોનો ઉકેલ કરી ચૂકેલા અને એવા ઉકેલથી પોતાના જીવનની ધન્યતાને અનુભવી શકેલા.
છાંદોગ્ય ઉપનિષદમાં પ્રશ્ન તથા ઉત્તરનું જે પ્રકરણ આ સૂત્રમાં સૂચવવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે.
શ્વેતકેતુ નામે એક પ્રસિદ્ધ રાજકુમાર એકવાર પાંચાલોની સભામાં જઈ પહોંચ્યો. ત્યાં પ્રવાહણ રાજાએ એને પૂછ્યું કે તારા પિતાની પાસેથી તેં બધું શિક્ષણ મેળવી લીધું ?
રાજકુમારે કહ્યું કે હા.
પ્રવાહણે પૂછ્યું, મૃત્યુ પછી જીવાત્મા ક્યાં જાય છે ? ત્યાંથી કેવી રીતે પાછો આવે છે ? દેવયાન તથા પિતૃયાન માર્ગમાં શો ફેર છે ? અહીંથી જનારા લોકોને લીધે ત્યાંનો લોક ભરાઈ કેમ નથી જતો ? એ બધી વાતોને અને પાંચમી આહુતિ દ્વારા આ પાણી કેવી રીતે પુરૂષરૂપ થઈ જાય છે તેને તું જાણે છે કે નથી જાણતો ?
શ્વેતકેતુએ ના કહી એટલે પ્રવાહણે એને ધમકાવ્યો ને જણાવ્યું કે તો પછી એવું કેમ કહે છે કે મને શિક્ષણ મળી ગયું છે !
શ્વેતકેતુએ પિતાની પાસે પહોંચીને બધી વાત કહી સંભળાવી.
પિતાએ જણાવ્યું હું જ એ વિષયોના રહસ્યને નથી જાણતો તો પછી તને કેવી રીતે કહી બતાવું ?
એ પછી શ્વેતકેતુને લઈને એના પિતાએ રાજા પ્રવાહણ પાસે જઈને પેલા પ્રશ્નોનો ઉકેલ પૂછ્યો.
રાજાએ એ બંનેને લાંબા સમય સુધી પોતાની પાસે રાખીને જણાવ્યું કે અત્યાર સુધી આ વિદ્યા ક્ષત્રિયોની પાસે રહી, પરંતુ હવે પહેલી વાર બ્રાહ્મણોને આપું છું.
પછી રાજા પ્રવાહણે છેલ્લા પાંચમા પ્રશ્નનો ઉત્તર પહેલાં આપતાં જણાવ્યું કે દ્યુલોકરૂપી અગ્નિમાં શ્રદ્ધાની પહેલી આહુતિ આપવાથી રાજા સોમની ઉત્પત્તિ. બીજી આહુતિ મેઘરૂપી અગ્નિમાં રાજા સોમનો હવન. એથી વર્ષાની ઉત્પત્તિ થાય છે. ત્રીજી આહુતિ પૃથ્વીરૂપી અગ્નિમાં વર્ષાના હવનની. એથી અન્નની ઉત્પત્તિ. ચોથી આહુતિ પુરૂષરૂપી અગ્નિમાં અન્નના હવનની. એથી વીર્યની ઉત્પત્તિ. અને પાંચમી આહુતિ સ્ત્રીરૂપી અગ્નિમાં વીર્યના હવનની. એથી ગર્ભની ઉત્પત્તિ કહી બતાવીને જણાવ્યું કે એવી રીતે પાણી પાંચમી આહુતિમાં પુરૂષની સંજ્ઞા પામે છે. એ પ્રકરણમાં પાણીના નામથી બીજરૂપ સમસ્ત તત્વોના સમુદાયને સૂક્ષ્મ શરીર રહિત વીર્યમાં સ્થિત જીવાત્મા કહ્યો છે.