Saturday, 27 July, 2024

Adhyay 3, Pada 1, Verse 02-03

95 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 02-03

Adhyay 3, Pada 1, Verse 02-03

95 Views

२. त्र्यात्मकत्वात्तु  भूयस्त्वात् ।

અર્થ
ત્ર્યાત્મકત્વાત્ = (શરીર) ત્રણે તત્વોનું સંમિશ્રણ છે તેથી. (પાણીના કહેવાથી સર્વનું ગ્રહણ થઈ જાય છે.)
તુ = તેમ જ.
ભૂયસ્ત્વાત્ = વીર્યમાં સૌથી વધારે પાણીનો ભાગ રહેતો હોવાથી. (પાણીના નામથી એનું વર્ણન કરેલું છે.)

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના એ પ્રકરણમાં તો ફક્ત પાણી પુરૂષ થઈ જાય છે એવું જણાવ્યું છે, તો પછી એમાં સઘળાં સૂક્ષ્મ તત્વો પણ રહે છે એવું કેવી રીતે સમજી શકાય ? ઉપનિષદમાં કેવળ પાણીના જ નામનો ઉલ્લેખ કરેલો છે ! એવી વિચારસરણીના સ્પષ્ટીકરણરૂપે આ સૂત્રની રચના થઈ છે.

છાંદોગ્ય ઉપનિષદમાં સૃષ્ટિની ઉત્પત્તિના વર્ણન વખતે જણાવ્યું છે કે પરમાત્માએ ત્રણે તત્વોનું સંમિશ્રણ કરીને નામ તથા રૂપની ઉત્પત્તિ કરી. એ વર્ણનમાં ત્રણ તત્વોના સંમિશ્રણ દ્વારા સઘળાં તત્વોનું સંમિશ્રણ થયું છે એવું સમજી લેવાનું છે. વીર્યમાં બધાં જ ભૌતિક તત્વો રહેતાં હોય છે તો પણ પાણીની અધિકતા હોવાથી એના નામથી એનું વર્ણન કરેલું છે. એ વર્ણન શરીરનાં બીજભૂત સઘળાં તત્વોને લક્ષ્ય કરીને કરવામાં આવ્યું છે. એ ઉપરાંત એક શરીરમાંથી બીજા શરીરમાં જતી વખતે જીવાત્મા પ્રાણમાં સ્થિત થઈને જાય છે અને પ્રાણને પાણીમય કહે છે એટલે એ રીતે પાણીને પુરૂષમય કહેવાનું બરાબર જ છે.

३. प्रणगतेश्च ।

અર્થ
પ્રાણગતેઃ = જીવાત્માની સાથે પ્રાણોના ગમનનું વર્ણન હોવાથી. 
ચ = પણ.

ભાવાર્થ
ઉપનિષદમાં જીવાત્માની સાથે પ્રાણ અને મન તથા ઈન્દ્રિયોના ગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન પરથી સાબિત થાય છે કે જીવાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે બીજરૂપે રહેલાં સઘળાં સૂક્ષ્મ તત્વોની સાથે જતો હોય છે.

પ્રશ્નોપનિષદમાં આશ્વલાયન મુનિએ મહર્ષિ પિપ્પલાદને પ્રાણના સંબંધમાં થોડાક પ્રશ્નો પૂછ્યા છે. એમાંના એક પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ પિપ્પલાદે જણાવ્યું છે કે શરીરમાંથી ઉદાન વાયુ બહાર નીકળે છે ત્યારે શરીર ઠંડુ પડી જાય છે. એ વખતે જીવાત્મા મનમાં વિલીન થયેલી ઈન્દ્રિયોને લઈને ઉદાન વાયુની સાથે બીજા શરીરમાં ચાલ્યો જાય છે. એ વખતે જીવાત્મા પોતાના સંકલ્પ ને મન તથા ઈન્દ્રિયોની સાથે પ્રાણમાં સ્થિત બને છે. એ પ્રાણ ઉદાનની સાથે મળીને જીવાત્માને એના સંકલ્પ પ્રમાણેની જુદી જુદી યોનિમાં લઈ જાય છે.

એ વર્ણન જીવાત્મા સઘળાં સૂક્ષ્મ તત્વોની સાથે શરીરને છોડીને ગમન કરે છે એ હકીકતનું સમર્થન કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *