Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 13-15

134 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 13-15

Adhyay 3, Pada 3, Verse 13-15

134 Views

१३. इतरे  त्वर्थसामान्यात् ।

અર્થ
તુ = પરંતુ.
ઈતરે = બીજા આનંદ જેવા ધર્મો (પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે શ્રુતિમાં કહેલા છે એટલા માટે બ્રહ્મવિદ્યાના પ્રસંગમાં બીજે એમનો સમાવેશ કરી શકાય છે.)
અર્થસામાન્યાત્ = કારણ કે એ સૌમાં અર્થની સમાનતા છે.

ભાવાર્થ
એ ઉપનિષદમાં પરમાત્માની પંખીરૂપે કલ્પના કરીને એમના અવયવોનું વર્ણન કરતાં પ્રિયશિરસ્ત્વ જેવા ગુણધર્મોને બતાવવામાં આવ્યા છે. એ ગુણધર્મોમાં દર્શાવાયલા આનંદ જેવા ગુણધર્મો પરમાત્માના કાલ્પનિક અવયવો નથી પરંતુ સ્વરૂપગત સ્વાભાવિક ગુણધર્મો છે. એ ગુણધર્મો પરમાત્માનું જ પ્રતિપાદન કરતા હોવાથી બ્રહ્મવિદ્યાનો અવસર ઉપસ્થિત થતાં એમનું અન્યત્ર વર્ણન કરી શકાય છે. એવા વર્ણનથી કોઈ પ્રકારનો દોષ નથી પેદા થતો.

१४. आध्यानाय प्रयोजनाभावात् ।

અર્થ
પ્રયોજનાભાવાત્ = બીજું કોઈ પ્રયોજન ના હોવાથી.
આધ્યાનાય = પરમાત્માનું સારી પેઠે ચિંતન કરવા માટે (એમના તત્વને રૂપક દ્વારા સમજાવ્યું છે.)

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં પક્ષીનું રૂપક શા માટે આપવામાં આવ્યુ છે ? કઠ ઉપનિષદમાં શરીરને રથની ઉપમા આપી છે તે તો સહેતુક લાગે છે, પરંતુ પક્ષીની એ ઉપમાની પાછળ કશું પ્રયોજન નથી દેખાતું. એવી જિજ્ઞાસાના જવાબમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે એવા રૂપકની પાછળ દેખીતી રીતે કોઈ પ્રયોજન ના દેખાતું હોય તો પણ અંદરખાને અગત્યનું મહાન પ્રયોજન રહેલું છે. માનવજીવન પરમાત્માના સાક્ષાત્કારને માટે મળેલું છે. એ સાક્ષાત્કાર પરમાત્માના પ્રેમપૂર્વકના ચિંતનમનન સિવાય થઈ શકે નહિ. એટલે એવું ચિંતનમનન કરીને ચિત્તની વૃત્તિને પરમાત્માભિમુખ બનાવવા માટે પક્ષીના રૂપક જેવાં રૂપકોની કલ્પના કરેલી છે. એવાં રૂપકો દ્વારા પરમાત્માનું તત્વચિંતન થાય છે અને એમનામાં મન લાગે છે.

પરમાત્મા હૃદયમાં કેવી રીતે રહેલા છે એ સમજાવવા માટે તૈત્તિરીય ઉપનિષદમાં અન્નમય જેવા કોશવાચક શબ્દોથી પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ પછી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય પુરૂષનું વર્ણન કરાયું છે અને આખરે પ્રત્યેકના આત્મા એક જ તત્વનો નિશ્ચય થયો છે. વિજ્ઞાનમય જીવાત્માનું વર્ણન કરીને એના પણ અંતરાત્મા આનંદમયને બતાવીને સૌના અંતરાત્મા તરીકે એ આનંદમયને બતાવીને એ રૂપકની પરિસમાપ્તિ કરવામાં આવી છે. એવી રીતે પરમાત્માના સૂક્ષ્મ તત્વને સમજાવીને એમના ચિંતનમનન દ્વારા ચિત્તને એમની અંદર પરોવવાના અને અંતે પરમાત્મમય બનવાના પ્રધાન પ્રયોજનથી પ્રેરાઈને જ પક્ષીના એ રૂપકની રજુઆત કરવામાં આવી છે એ સ્પષ્ટતાપૂર્વક અને સહેલાઈથી સમજી શકાય છે.

१५. आत्मशब्दाच्च ।

અર્થ
આત્મશબ્દાત્ = આત્મશબ્દના પ્રયોગને લીધે.
ચ = પણ.

ભાવાર્થ
ઉપનિષદના એ પ્રકરણમાં આનંદમય શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે એવું શાના પરથી કહી શકાય છે ? એનો ઉત્તર એ જ છે કે એ પ્રકરણમાં વારંવાર સૌના અંતરાત્માનો ઉલ્લેખ કરીને અંતમાં વિજ્ઞાનમયનો અંતરાત્મા આનંદમયને બતાવ્યો છે. એ પછી એ આનંદમયના અંતરાત્મા તરીકે બીજા કોઈનો ઉલ્લેખ નથી કર્યો. એના પરથી સહેલાઈથી અને પ્રતીતિપૂર્વક કહી શકાય છે કે આનંદમય શબ્દનો પ્રયોગ ત્યાં પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે બીજા કોઈને માટે નથી કરવામાં આવ્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *