Friday, 15 November, 2024

Adhyay 3, Pada 3, Verse 25-26

121 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 25-26

Adhyay 3, Pada 3, Verse 25-26

121 Views

२५. वेधाद्यर्थभेदात् ।

અર્થ
વેધાદિ = કરવાનું કહીને પરમાત્માને માટે જે કાંઈ જણાવ્યું છે તે પણ બીજે ઠેકાણે, બીજી વિદ્યાઓમાં ઘટાવવું ના જોઈએ.
અર્થભેદાત્ = કારણ કે ત્યાં પ્રયોજનમાં ભેદ છે.

ભાવાર્થ
મુંડકોપનિષદમાં જણાવ્યું છે કે ‘ઉપનિષદમાં વર્ણવેલા પ્રણવરૂપી પરમ ધનુષ્ય લઈને એના પર ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરેલા બાણને ચઢાવવું. પછી ભાવવિભોર બનીને એ ધનુષ્યને ખેંચીને પરમ અક્ષર પુરૂષ પરમાત્માને  લક્ષ્ય બનાવીને એમને વીંધવા એટલે કે એમની પાસે પહોંચીને એમની સાથે ઓતપ્રોત અથવા એકાકાર બની જવું;

धनुर्गृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितं सन्धयीत ।
आयम्य तद् भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्वि ॥

એ શ્લોકમાં જે રૂપકનો આધાર લેવાયો છે ને જે શબ્દોનો પ્રયોગ થયો છે તેનું એક માત્ર પ્રયોજન પરમાત્માની ઉપાસના, સ્મૃતિ અથવા સાધનાની તલ્લીનતા બતાવવાનો છે. પ્રણવનો આધાર લઈને પરમાત્માની ઉપાસના કરવાનો નિર્દેશ કરતી બીજી બ્રહ્મ વિદ્યાઓમાં પણ એ રૂપકને ઘટાવવાની અને એ શબ્દોનો આધાર લેવાની આવશ્યકતા નથી.

२६. हानौ तूपायनशब्देशेषत्वात्कुशाच्छन्दस्तुत्युपगानवत्तदुक्तम् ।

અર્થ
હાનૌ = જ્યાં ફક્ત દુઃખ, શોક, પુણ્ય, પાપદિના નાશનું જ વર્ણન છે એવી શ્રુતિમાં.
તુ = પણ.
ઉપાયન શબ્દેશત્વાત= લાભરૂપ પરમધામની પ્રાપ્તિ જેવા ફળનો પણ અધ્યાહાર કરી લેવો જોઈએ કારણ એ વાક્યનો શેષ ભાગ છે.
કુશાચ્છન્દસ્તુત્યુપગાનવત્ = કુશા, છંદ, સ્તુતિ અને ઉપગાનની જેમ, એ વસ્તુ સમજવાની છે.
તત્ ઉક્તમ્ = પૂર્વમીમાંસામાં એવું જણાવ્યું છે.

ભાવાર્થ
આ સૂત્રમાં અત્યાર સુધીનાં સૂત્રોમાં નહિ ચર્ચાયલો એક મહત્વનો વિષય ચર્ચવામાં આવ્યો છે. ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાના ફળનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેથી દુઃખ, શોક, બંધન, તથા શુભાશુભ કર્મોની નિવૃત્તિ થાય છે. ક્યાંક એવું પણ જણાવ્યું છે કે પછી પરમશાંતિ, સમતા, પરમપદ, પરમધામ તથા પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

બ્રહ્મવિદ્યાનું મુખ્ય ફળ તો પરમાત્માનો સાક્ષાત્કાર જ છે, એને માટે જ બ્રહ્મવિદ્યાનો આધાર લેવાય છે, અને પરમાત્માના સાક્ષાત્કાર વિના દુઃખ, શોક, બંધન, કલેશ કે કર્મજન્ય વાસનાની આત્યંતિક નિવૃત્તિ નથી થઈ શકતી. એ રીતે વિચારીએ તો એ વિદ્યાના ફળમાં કોઈ પ્રકારનો વિરોધાભાસ નથી દેખાતો. પરમાત્માની પ્રાપ્તિ વિના બ્રહ્મવિદ્યાનું મહત્વ કશું જ નથી રહેતું. એટલે શ્રુતિમાં જ્યાં બ્રહ્મવિદ્યાનું ફળ દુઃખ, શોક, અશાંતિ, કલેશ તથા બંધનની નિવૃત્તિ બતાવ્યું છે ત્યાં પરમાત્માની અથવા પરમધામની પ્રાપ્તિના ફળને અધ્યાહારરૂપે રહેલું સમજી લેવાનું છે અને બ્રહ્મવિદ્યાથી એ ફળ મળે છે એવું પણ સમજવાનું છે. પરબ્રહ્મ પરમાત્માની પાસે પહોંચાડવાની પવિત્રતમ પ્રવૃત્તિ કરતી હોવાથી જ એને બ્રહ્મવિદ્યા કહેવામાં આવે છે. એ પ્રવૃત્તિને લીધે જ એનું બ્રહ્મવિદ્યા નામ સાર્થક છે.

કઠ ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાનું ફળ બતાવતાં કહ્યું છે કે એથી હર્ષશોકનો નાશ થાય છે અને મૃત્યુના મુખમાંથી મુક્તિ મળે છે. શ્વેતાશ્વર ઉપનિષદમાં જણાવ્યું છે કે એની પ્રાપ્તિથી સઘળા પાપોમાંથી છૂટાય છે, તથા શોકરહિત બનાય છે. મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે એને લીધે અવિદ્યાનો નાશ થાય છે હૃદયની અવિદ્યા તથા અવિદ્યાજન્ય વાસનાગ્રંથિ, સંશયો તથા કર્મદોષો દૂર થાય છે. મુંડક ઉપનિષદમાં એથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મધામ મળે છે, પરમાત્મામાં લીન થવાય છે, અને અમૃત સ્વરૂપ બનાય છે, એવું પણ જણાવ્યું છે. એટલે જ્યાં કેવળ હાનિના અથવા દુઃખ, બંધન, કલેશ, શોક તથા વાસનાના નાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં એ સૌના શેષ ભાગ તરીકે પરમધામની અથવા પરમાત્માની પ્રાપ્તિના ફળનો ઉલ્લેખ પણ સમજી લેવો જોઈએ, અને એવી જ રીતે જ્યાં કેવળ પરમધામની કે પરમાત્માની પ્રાપ્તિનો અથવા પરમાત્મામાં લીન થવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યાં દુઃખ, બંધન, કલેશ, શોક તથા વાસનાના નાશનો નિર્દેશ પણ સમજી લેવો જોઈએ. ત્યારે જ એ ફળાદેશ અથવા ફળનો ઉલ્લેખ સંપૂર્ણ થઈ શકે અથવા સર્વાંગીણ બની શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *