Saturday, 27 July, 2024

Adhyay 3, Pada 4, Verse 46-48

104 Views
Share :
Adhyay 3,  							Pada 4, Verse 46-48

Adhyay 3, Pada 4, Verse 46-48

104 Views

४६. श्रुतेश्च ।

અર્થ
શ્રુતેઃ = શ્રુતિ પ્રમાણથી. 
ચ = પણ.

ભાવાર્થ
સૂત્રકાર એ સંબંધી પોતાનો અભિપ્રાય આપતાં ઉપસંહારમાં જણાવે છે કે આચાર્ય ઔડુલોમિનું મંતવ્ય બરાબર છે. એટલે કે કર્મનું કર્તાપણું ઋત્વિક્ નું અને ફળમાં અધિકાર યજમાનનો છે. એ હકીકત શ્રુતિ દ્વારા સિદ્ધ થાય છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે ‘યજ્ઞનો ઋત્વિક્  જે કાંઈપણ કામના કરે છે એ યજમાનને માટે જ કરે છે એમાં શંકા નથી.’ છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘ઉદ્ ગાતા યજમાનને પૂછે કે તમારે માટે કયા કયા ભોગોનું આગાન કરું.’

४७.  सहकार्यन्तरविधिः पक्षेण तृतीयं विध्यादिवत् ।

અર્થ
તદ્દવતઃ = બ્રહ્મવિદ્યા સંબંધી સાધનસંપન્ન સાધકને માટે.
તૃતીયમ્ = બાળકપણા તથા પાંડિત્ય સાથે કહેલું ત્રીજું મૌન સાધન વિધેય છે.
સહકાર્યન્તરવિધિઃ = (કેમ કે) બીજા સહકારી સાધનના રૂપમાં એનું વિધાન છે.
વિધ્યાદિવત્ = બીજાં સ્થળે કહેલાં વિધિવાક્યોની પેઠે.
પક્ષેણ = એક પક્ષને લીધે એ પણ વિધિ છે.

ભાવાર્થ
બ્રહ્મવિદ્યાનો અધિકાર કોઈ એક જ આશ્રમમાં છે કે બધા જ આશ્રમમાં, એની ચર્ચાવિચારણા અહીં શરૂ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં બૃહદારણ્યક ઉપનિષદનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપનિષદમાં જણાવ્યું છે કે કહોલે મહર્ષિ યાજ્ઞવલ્કયને પરમાત્માના સ્વરૂપ વિશે પ્રશ્ન પૂછ્યો તો એના પ્રત્યુત્તરમાં યાજ્ઞવલ્કયે સાંકેતિક રીતે કહ્યું કે ‘જે શોક, મોહ, ભૂખ, તરસ, વૃદ્ધાવસ્થા તથા મૃત્યથી રહિત છે એ પરમાત્મા છે. એમને જાણીને બ્રાહ્મણ પુત્રેષણા, વિત્તેષણા તથા પ્રતિષ્ઠા પ્રાપ્તિ અને સ્વર્ગસંબંધી લોકેષણાથી વિરક્ત બનીને ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ કરવાવાળા માર્ગે પ્રયાણ કરે છે.’ એ પછી એમણે પ્રત્યેક એષણાનો ત્યાગ કરવાનો સંદેશ સંભળાવ્યો અને જણાવ્યું કે ‘બ્રાહ્મણે એ પંડિતાઈને સારી પેઠે સમજીને બાલ્યભાવથી રહેવાની ઈચ્છા કરવી, પછી એથીયે ઉપરામ થઈને મુનિ બની જવું, અને એ પછી મૌન અને અમૌન બંનેમાંથી મુક્તિ મેળવીને બ્રાહ્મણ બનવું અથવા બ્રહ્મને પૂર્ણપણે પ્રાપ્ત થઈ જવું.’

४८.  कृत्स्नभावात्तु  गृहिणोपसंहारः ।

અર્થ
કૃત્સ્નભાવાત્ = ગૃહસ્થાશ્રમમાં બીજા બધા જ આશ્રમોનો ભાવ છે એટલા માટે.
તુ = જ.
ગૃહિણા = (એ પ્રકરણમાં) ગૃહસ્થ આશ્રમની સાથે.
ઉપસંહારઃ = બ્રહ્મવિદ્યાના પ્રકરણનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.

ભાવાર્થ
ગૃહસ્થાશ્રમ બીજા બધા જ આશ્રમોની સાથે સંકળાયલો છે. વાનપ્રસ્થ તથા સંન્યાસ આશ્રમોનું મૂળ એ જ છે. એ ઉપરાંત બીજા ત્રણે આશ્રમો એ આશ્રમ દ્વારા પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે. એવી રીતે ગૃહસ્થાશ્રમમાં બીજા બધા જ આશ્રમોનો અંતર્ભાવ છે. બ્રહ્મવિદ્યાનો અધિકાર બધા જ આશ્રમોમાં હોવા છતાં પણ છાંદોગ્ય ઉપનિષદમાં ગૃહસ્થાશ્રમના વર્ણન સાથે બ્રહ્મવિદ્યાના પ્રકરણનો ઉપસંહાર કરવામાં આવ્યો છે, એનું કારણ એ જ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *