Saturday, 27 July, 2024

Adhyay 4, Pada 4, Verse 04-06

123 Views
Share :
Adhyay 4,  							Pada 4, Verse 04-06

Adhyay 4, Pada 4, Verse 04-06

123 Views

४. अविभागेन  द्दष्टत्वात् ।

અર્થ
અવિભાગેન = (મુક્તાત્માની સ્થિતિ એ પરમાત્મામાં) અવિભક્ત રીતે હોય છે.
દ્દષ્ટત્વાત્ = કારણ કે શ્રુતિમાં એવું જોવા મળે છે.

ભાવાર્થ
બ્રહ્મલોકમાં પહોંચનારા મુક્તાત્મા મહાપુરૂષની સ્થિતિ કેવી હોય છે ? એ મહાપુરૂષ ત્યાં ગયા પછી પરમાત્મામાં મળી જાય છે કે પરમાત્માથી પૃથક રહીને પોતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખે છે ? એવી જિજ્ઞાસા થવાનો સંભવ સહેજે રહે છે. એ જિજ્ઞાસાના જવાબમાં જણાવવામાં આવે છે કે મુક્તાત્મા મહાપુરૂષ બ્રહ્મલોકમાં પહોંચીને પરમાત્માની સાથે અભિન્નતાનો અનુભવ કરે છે અથવા પરમાત્મામાં અવિભક્ત રીતે સ્થિતિ કરે છે. કઠ ઉપનિષદમાં કહ્યું છે પણ ખરૂં કે જેવી રીતે પવિત્ર પાણીમાં પડેલું પાણી એવું જ થઈ જાય છે તેવી રીતે પરમાત્માને જાણનારા મુનિનો આત્મા થઈ જાય છે.

५. ब्राह्मेण जैमिनिरूपन्यासादिभ्यः ।

અર્થ
જૈમિનિઃ = આચાર્ય જૈમિનિ જણાવે છે કે
બ્રાહ્મેણ = બ્રહ્મના જેવા રૂપે સ્થિતિ કરે છે.
ઉપન્યાસાદિભ્યઃ = કારણ કે ઉપનિષદમાં એના સ્વરૂપના કરાયલા નિરૂપણ પરથી અને સ્મૃતિ પરથી એવું સાબિત થાય છે.
 
ભાવાર્થ
આચાર્ય જૈમિનિનો અભિપ્રાય એ વિષય પરત્વે એવો છે કે એવા મહાપુરૂષને પરમાત્માના જેવા દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ એવો થયો કે એ પરમાત્મસદૃશ બનવા છતાં પણ પરમાત્માથી અલગ રહે છે. મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘એ પરમ પવિત્ર બનીને પરમ સમતાને પ્રાપ્ત કરે છે.’  ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયમાં કહ્યું છે કે ‘આ જ્ઞાનનો આશ્રય લઈને મારા દૈવી ગુણોની સમતાને પ્રાપ્ત થયેલા મહાપુરૂષ સૃષ્ટિ સમયે ઉત્પન્ન નથી થતા અને પ્રલયકાળમાં નાશ નથી પામતા.’

६. चितितन्मात्रेण  तदात्मकत्वादित्यौडुलोमिः ।

અર્થ
ચિતિતન્માત્રેણ = કેવળ ચેતના માત્ર સ્વરૂપે સ્થિત રહે છે.
તદાત્મકત્વાત્ = કારણ કે એનું વાસ્તવિક સ્વરૂપ એવું જ છે.
ઈતિ = એવું.
ઔડુલોમિઃ = આચાર્ય ઔડુલોમિનું મંતવ્ય છે.

ભાવાર્થ
આ સૂત્રમાં એ જ વિષય સંબંધી આચાર્ય ઔડુલોમિના મંતવ્યને રજૂ કરવામાં આવ્યું છે. એ એવું માને છે કે પરમાત્માના પરમધામમાં મુક્ત મહાપુરૂષ પોતાના વાસ્તવિક મૂળ ચૈતન્ય માત્ર સ્વરૂપે સ્થિતિ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે મીઠાનો ગાંગડો જેવી રીતે અંદર બહારથી રહિત બધી રીતે રસઘન છે એવી રીતે આ આત્મા બાહ્યાભ્યંતર ભેદથી રહિત બધી રીતે પ્રજ્ઞાનઘન જ છે. એવા વર્ણન પરથી એ વાતને પુષ્ટિ મળે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *