Adhyay 4, Pada 4, Verse 07-09
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 4, Verse 07-09
By Gujju29-04-2023
७. एवमप्युपन्यासात् पूर्वभावादविरोधं बादरावणः ।
અર્થ
એવમ્ = એવી રીતે આચાર્ય જૈમિનિના અને ઔડુલોમિના અભિપ્રાય પ્રમાણે.
અપિ = પણ.
ઉપન્યાસાત્ = શ્રુતિમાં એ મહાપુરૂષના સ્વરૂપનું નિરૂપણ હોવાથી અને.
પૂર્વાભાવાત્ = અગાઉ એટલે કે ચોથા સૂત્રમાં કહેલા ભાવથી પણ.
અવિરોધમ્ = સિદ્ધાંતમાં કશો નિરોધ નથી.
બાદરાયણઃ = એવું બાદરાયણનું કહેવું છે.
ભાવાર્થ
ઉપર્યુક્ત બંને આચાર્યોનો અભિપ્રાય આપ્યા પછી સૂત્રકાર હવે પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે કે એ બંને આચાર્યોનાં મંતવ્યો સાચાં છે, અને આગળ ચોથા સૂત્રમાં કહ્યા પ્રમાણે મુક્તાત્મા પરમાત્મામાં અભિન્ન રીતે સ્થિતિ કરે છે એ પણ એટલું જ સાચું છે. ઉપનિષદમાં એવી બધી જાતના વર્ણન પ્રકારો જોવા મળતા હોવાથી એ બધા જ પ્રકારો બરાબર છે. મુક્તાત્માની જેવી ભાવના હોય છે તેવી રીતે પરમધામમાં કે પરમાત્માથી અલગ રીતે, પરમાત્મા સદ્દશ સ્વરૂપ સાથે, એની સ્થિતિ થઈ શકે છે.
—
८. संकल्पादेव तु तच्छ्रुतेः ।
અર્થ
તુ = (એ ભોગોની પ્રાપ્તિ) તો.
સંકલ્પાત્ = સંકલ્પથી.
એવ = જ થાય છે.
તચ્છ્રુતેઃ = એવું શ્રુતિએ કહ્યું છે તેથી.
ભાવાર્થ
જે ઉપાસકો અથવા મહાપુરૂષો બ્રહ્મલોકમાં જાય છે તે ત્યાંના ભોગોની પ્રાપ્તિ કેવળ સંકલ્પ દ્વારા કરી લે છે. તેમનો સંકલ્પ એટલો બધો શુદ્ધ અને શક્તિશાળી હોય છે કે તે સત્વર સફળ થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં એના સમર્થનમાં જણાવ્યું છે કે આ આત્મા મનરૂપી અલૌકિક આંખની મદદથી બ્રહ્મલોકના સઘળા ભોગોને જુએ છે, અનુભવે છે, અને આનંદ કરે છે.
—
९. अत एष चानन्याधियतिः ।
અર્થ
અત એવ = એટલા માટે.
ચ = તો.
અન્યાધિપતિઃ = (મુક્તાત્માને) બ્રહ્મા સિવાય બીજા સ્વામીથી રહિત બતાવવામાં આવે છે.
ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘એ સ્વરાજ્યને પ્રાપ્ત થાય છે, મનના સ્વામી હિરણ્ય ગર્ભને પ્રાપ્ત થાય છે એટલે સ્વયં બુદ્ધિ, મન, વાણી આંખ અને કાન સૌનો સ્વામી બની જાય છે.’ એટલે કે એ મુક્તાત્મા મહાપુરૂષ પર એક બ્રહ્મા સિવાય બીજા કોઈનો અધિકાર નથી ચાલતો.