Sunday, 22 December, 2024

અજગર સાથે વાર્તાલાપ

338 Views
Share :
અજગર સાથે વાર્તાલાપ

અજગર સાથે વાર્તાલાપ

338 Views

{slide=Yudhisthir’s conversation with Python}

There is an interesting story about Bhima in the 176th chapter of Van Parva. One day, Bhima went to roam inside the forest. There, he saw an unusually large python outside the entrance of a cave. Bhima had enormous faith in his physical powers so he challenged the python. As soon as Bhima touched the python, he lost all his energy and became helpless. Bhima was taken aback by python’s might. He asked the python for his real identity. In reply, Nahush, disguised as python, narrated his story.
When Nahush was a king, he arrogantly let sages pull his carriage (palakhi). When Sage Agatsya came to know about it, he cursed Nahush. Nahush thus turned into a python. The sage also told him that whoever would touch him would lose how might. That was the reason for Bhim’s helplessness.
When Bhim did not return after a long time, Yudhisthir left in the forest looking for him. He saw Bhim in the jaws of the python. Yudhisthir requested python to free Bhim. Python agreed on a condition that Yudhisthir would answer his questions to his satisfaction. Interesting dialogue took place between Yudhisthir and the python. Satisfied at Yudhisthir’s answers, he let Bhim free from his clutches. The moral of the story: arrogance is the root cause of trouble.

દસ હજાર હાથીઓના બળ જેટલું બળ ધરાવનાર ભીમ.

સંગ્રામમાં એનો સામનો કરવાનું કાર્ય અતિશય કપરું કહેવાતું. લગભગ અશક્ય કહેવાય એવું.

એણે પુલસ્ત્યપુત્ર કુબેરને રણમાં નોતરેલો, પડકારેલો અને કમળ સરોવર પર યક્ષોને તથા રાક્ષસોને પોતાના પ્રખર પરાક્રમથી પરાસ્ત કરીને મારી નાખેલા.

એવા પરમ પરાક્રમથી ભીમસેનને એકાંત અરણ્યમાં આગળ વધતાં એક વિશાળ અને અતિવિકરાળ કાયાવાળા અજગર આગળ અસહાય બનીને એના પાશમાં સપડાવું પડયું એ કેટલી બધી કરુણ અને વિચિત્ર વાત કહેવાય ? છતાં પણ એ વાત સંપૂર્ણ સાચી છે.

મહાભારતના વનપર્વના 178મા અધ્યાયમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખ ખૂબ જ રસપ્રદ હોવાથી એનું અવલોકન કરી લઇએ.

અરણ્યવાસના વખત દરમિયાન પાંડવો રાજર્ષિ વૃષપર્વાના આહલાદક આશ્રમમાં વાસ કરી રહેલા ત્યારે હાથમાં ધનુષ્યબાણ તથા તલવારને લઇને ભીમ વનના વિહારે નીકળ્યો.

વનમાં મહાભયંકર ગર્જનાઓ કરીને એ જુદાં જુદાં પ્રાણીઓને ત્રાસ આપવા માંડયો.

ત્યાં એણે ગિરિગુફાને રોકીને પડેલો, એક અત્યંત ભયંકર શરીરવાળો સર્પ જોયો.

એ ચટાપટાવાળો, કાબરચીતરો, અને હળદરના જેવા પીળા રંગવાળો હતો.

એનું વદન ગુફા જેવા આકારનું ને ચાર દાઢોથી શોભતું હતું.

એણે ક્રોધે ભરાઇને ભીમસેન તરફ દોડીને એના હાથને સ્પર્શ કર્યો કે તરત જ ભીમ એને મળેલા વરદાનને લીધે એકદમ અશક્ત અથવા અચેત બની ગયો.

ભીમે એના પ્રખર પાશમાંથી છૂટવાનો પ્રયાસ કરવા માંડયો પરંતુ એ પ્રયાસ નિષ્ફળ નીવડયો ત્યારે એને પૂછયું કે તું કોણ છે ને શું કરવા માગે છે ? હું ધર્મરાજનો નાનો ભાઇ ભીમસેન છું મારામાં દસ હજાર હાથીઓનું બળ હોવા છતાં તેં મને શી રીતે વશ કર્યો ? તારી પાસે કોઇ વિદ્યાબળ કે વરદાન છે ? તારા અસાધારણ પરાક્રમના રહસ્યની સમજ મને નથી પડતી.

ભીમના શબ્દોને સાંભળીને અજગરે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે હું કેટલાય કાળથી ક્ષુધાતુર હોવાથી તને મારા ભક્ષ્ય તરીકે મેળવીને મને ખૂબ જ આનંદ થયો છે. શરીરધારીઓને પ્રાણ સૌથી પ્રિય હોય છે. મને મહર્ષિઓના કોપને લીધે આ અવસ્થાની પ્રાપ્તિ થઇ છે. હું શાપિત બન્યો છું. પહેલાં હું તારા પૂર્વજોના પૂર્વપુરુષ રાજર્ષિ નહુષ તરીકે પ્રસિદ્ધિ પામેલો. મેં તપથી, વિદ્યાથી, યજ્ઞથી, પરાક્રમથી તથા કુલીનતાથી ત્રિલોકના અનંત ઐશ્વર્યને પ્રાપ્ત કરેલું. એને લીધે મારા મદનો અંત ના રહ્યો. એ મદથી મત્ત બનીને મેં સહસ્ત્ર શ્રેષ્ઠ ઋષિઓ પાસે મારી પાલખી ઊંચકાવી. મહર્ષિઓના એવા અસાધારણ અપમાનને લીધે મહર્ષિ અગસ્ત્યે મને શાપ આપવાથી મારી આવી દયનીય દશા થઇ ગઇ. ખરેખર દૈવ ખરેખર ખૂબ જ બળવાન હોય છે. એ દૈવને લીધે જ આજે તું મારી પાસે આવી પહોંચ્યો છે અને મારો વંશજ હોવા છતાં હું તને મારવા માટે તૈયાર થયો છું. સ્વર્ગલોકમાંથી શાપને લીધે ભ્રષ્ટ થઇને વિમાનમાંથી નીચે પડતી વખતે મેં મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને શાપના નિવારણ માટે પ્રાર્થના કરતાં એમણે જણાવેલું કે તું થોડા વખત પછી શાપમાંથી મુક્તિ મેળવીશ. સત્યાસત્યના મર્મને સમજનારો જે પુરુષ તારા પ્રશ્નોના પ્રત્યુત્તર પૂરા પાડશે તે પુરુષ તારી શાપમુક્તિ માટે મદદરૂપ બનશે. તું જે પણ પ્રાણીને પકડશે તે તારાથી વધારે બળવાન હશે તો પણ તરત જ નિર્બળ અને અસહાય બની જશે. મહર્ષિ અગસ્ત્યના શાપથી હું પૃથ્વી પર પડ્યો છું તોપણ મને મારી પૂર્વસ્મૃતિ છોડી ગઇ નથી એટલે મેં જે કાંઇ અનુભવેલું તે સઘળું મારા સ્મરણમાં છે.

ભીમસેનને ભારે મૂંઝવણમાં મુકાવું પડયું.

એને એની સુરક્ષાનો કોઇ ઉપાય ના દેખાયો.

એને અરણ્યમાંથી સુદીર્ઘ સમયપર્યંત પાછો આવેલો ના નિહાળીને યુધિષ્ઠિરને ચિંતા થવાથી એ એની શોધ માટે નીકળ્યા.

દિવસો પછી એમને ભીમસેનનો પત્તો મેળવીને અસાધારણ દુઃખ થયું.

ભીમસેનને અજગરના પાશમાંથી મુક્ત કરવાનું કામ કપરું હતું. એને મુક્ત કરવા માટે એમણે અજગરને પ્રાર્થના કરી એટલે અજગરે જણાવ્યું કે મારા પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તરો પૂરાં પાડવામાં આવશે તો હું ભીમસેનને છોડી દઇશ.

યુધિષ્ઠિરે એને ઇચ્છાનુસાર પ્રશ્નો પૂછવાની અનુમતિ આપવાથી એમની વચ્ચે મહત્વનો અત્યંત રસિક વાર્તાલાપ થયો. એનો સારાંશ આ પ્રમાણે છેઃ

સર્પે પૂછયું : સર્વ દેવો, બ્રહ્મર્ષિઓ ધર્મની પ્રશંસા કરે છે, તે ધર્મનું સંક્ષેપમાં વર્ણન કરો.

યુધિષ્ઠિરે કહ્યું : સત્ય, દમ, તપ, શૌચ, સંતોષ, હી, આર્જવ, જ્ઞાન, શમ, દયા અને ધ્યાન એ સનાતન ધર્મ છે.

નહુષે પૂછયું : સત્ય કોને કહેવાય ? તમે જે શમ કહ્યો તે કેવો હોય ? ઉત્તમ દયા કઇ કહેવાય છે ? અને ધ્યાન કોને કહે છે ?

યુધિષ્ઠિરે કહ્યું : પ્રાણીઓના હિતને સત્ય કહ્યું છે. મનનો નિગ્રહ તે દમ. સ્વધર્મ પ્રમાણે વર્તવું તે તપ. સંકરતાનો ત્યાગ તે શૌચ, વિષયનો ત્યાગ તે સંતોષ, નહિ કરવા જેવા કાર્યથી નિવૃત્તિ તે હી. ટાઢ, તાપ વગેરે દ્વન્દ્વ સહન કરવા તે ક્ષમા, ચિત્તની સમતા તે આર્જવ. તત્વાર્થનો બોધ તે જ્ઞાન, ચિત્તની શાંતિ તે શમ, પ્રાણીઓના હિતની ઇચ્છા તે દયા અને મનની નિર્વિષયતા તેને ધ્યાન કહેવાય છે.

નહુષે પૂછયું : પુરુષોનો દુર્જય શત્રુ કયો ? અને મહાઅસાધુ કોને કહેવો ?

યુધિષ્ઠિરે કહ્યું : કામ એ દુર્જય શત્રુ છે, લોભ એ અનંતકાળનો વ્યાધિ છે, સર્વ પ્રાણી ઉપર દયા કરનારો તે સાધુ છે. અને નિર્દય મનુષ્ય અસાધુ છે.

નહુષે પૂછયું : મોહ કોને કહે છે ? માન એટલે શું ? આળસ કોને કહેવાય અને શોક કોને કહે છે ?

યુધિષ્ઠિરે કહ્યું : ધર્મસંબંધી મૂઢતા તે મોહ, પોતાના સંબંધમાં અભિમાન તે માન, ધર્મકૃત્ય ન કરવા તે આળસ અને અજ્ઞાન જ શોક કહેવાય છે.

નહુષે પૂછયું : મુનિઓએ સ્થૈર્ય કોને કહ્યું છે ? ધૈર્ય કોને કહ્યું છે ? મુખ્ય સ્નાન કયું છે ? અને દાન કોને કહે છે ?

યુધિષ્ઠિરે કહ્યું : સ્વધર્મમાં સ્થિરતા તે સ્થૈર્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ તે ધૈર્ય, મનના મળનો ત્યાગ તે સ્નાન અને અભયદક્ષિણા તે દાન કહેવાય છે.

નહુષે પૂછયું : કયા પુરુષને પંડિત જાણવો ? મૂર્ખ કોને જાણવો ? સંસારનું કારણ શું ? મુખ્ય તાપ કયો ?

યુધિષ્ઠિરે કહ્યું : ધર્માત્માપુરુષને પંડિત જાણવો. નાસ્તિકને મૂર્ખ જાણવો, કામના એ સંસારનો હેતુ છે અને અદેખાઇ એ જ હૃદયમાં થનારો મુખ્ય તાપ છે.

નહુષે પૂછયું : અહંકાર કોને કહેવાય ? દંભ એટલે શું ? અસૂયા કોને કહી છે ? અને પૈશૂન્ય એટલે શું ?

યુધિષ્ઠિરે કહ્યું : મોહયુક્ત જ્ઞાન તે અહંકાર, ધર્મનો ધ્વજ ફરકાવવો તે દંભ, ધર્મનો દ્વેષ તે અસૂયા અને પારકાને દૂષણ આપવું તે પૈશૂન્ય છે.

નહુષે પૂછ્યું : હે રાજા ! ધર્મ ! અર્થ અને કામ એ પરસ્પર વિરોધી છે, તો તેમનો સંયોગ કેવી રીતે થાય ?

યુધિષ્ઠિરે કહ્યું : જે કુળમાં ભાર્યાથી ભર્તા અને ભર્તાથી ભાર્યા સંતુષ્ટ રહે છે તે કુળમાં નિત્ય ધર્મ, અર્થ અને કામ વૃદ્ધિ પામે છે. જ્યારે ભર્તા અને ભાર્યા પરસ્પર વશ થઇને અનુકૂળ રહે છે, ત્યારે ત્યાં ધર્મ અર્થ અને કામ એ ત્રણેનો મેળાપ થાય છે.

નહુષે પૂછયું : જાતિ, કુળ, આચાર, વેદાધ્યયન અને શાસ્ત્રપઠન એ સર્વમાંથી શાને લીધે બ્રાહ્મપણું આવે છે ?

યુધિષ્ઠિરે કહ્યું : હે તાત ! જાતિ, કુળ, સ્વાધ્યાય, શાસ્ત્રપઠન એ બ્રાહ્મણપણાને માટે કારણ નથી. પણ આચાર જ મુખ્ય કારણ છે. અનેક મુનિઓ તિર્યકયોનિમાં ઉત્પન્ન થયા હતા. તોપણ તેઓ સ્વધર્મના આચરણમાં તત્પર રહેવાથી આ લોકમાંથી બ્રહ્મલોકમાં ગયા છે. જે ધર્માચાર પ્રમાણે વર્તે છે, તેને જ ભણેલો અને પંડિત જાણવો, ધર્માચરણનું જ યત્નથી રક્ષણ કરવું. કારણ કે ધન તો આવે છે ને જાય છે. ધનથી ક્ષીણ થયેલો પુરુષ ક્ષીણ થતો નથી. પણ ધર્માચારથી ભ્રષ્ટ થયેલો પુરુષ જ ખરી રીતે નાશ પામે છે. કોઇ દુષ્ટ પુરુષ પોતાનું કુળ મોટું છે એમ જણાવે તો તેથી શો લાભ ? સુગંધવાળા પુષ્પોમાં કીડા ઉત્પન્ન થતા નથી શું ? સુંગધી પુષ્પમાં ઉત્પન્ન થવાથી તે કીડાનું જેમ ગૌરવ વધતું નથી તેમ દુષ્ટાચારવાળો સારા કુળમાં ઉત્પન્ન થાય તેથી તે સારો ગણાતો નથી. માટે આચાર જ બ્રાહ્મણનું લક્ષણ છે. ચાર વેદ ભણેલો બ્રાહ્મણ પણ જો દુરાચારી હોય તો તેને શૂદ્ર કરતાં પણ અધિક દૂષિત કહેલો છે. જે અગ્નિહોત્રપરાયણ, જિતેન્દ્રિય, નિત્ય સંતુષ્ટ, શુદ્ધ, તપસ્વી અને વેદાધ્યયનિષ્ઠ હોય, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. જે ટાઢ, તાપ વિગેરે સર્વ દ્વન્દ્વને સહન કરનારો, ધીર, સર્વસંગથી રહિત, સર્વ પ્રણીઓના હિતમાં તત્પર અને મિત્રભાવનાવાળો હોય છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. હે પુરુષશ્રેષ્ઠ ! જે હંમેશ પારકાના ગુણને શોધનારો અને દોષને કદી ના જોનારો, દીન ઉપર નિત્ય દયા કરનારો, સજ્જનો પ્રત્યે પ્રેમ રાખનારો અને પોતાની સ્ત્રી ઉપર જ પ્રીતિવાળો હોય છે તેને જ દેવો બ્રાહ્મણ તરીકે ઓળખે છે.

નહુષે પૂછયું : શ્રાદ્ધ અને દાનનો કાળ કયો ગણવો ?

યુધિષ્ઠિરે કહ્યું : જ્યારે શ્રોત્રિય અને ધ્યાનનિષ્ઠ બ્રાહ્મણ જોવામાં આવે, ત્યારે તે જ કાળ, શ્રાદ્ધને દાનને માટે ઉત્તમ છે. એવું મારું માનવું છે.

સર્પ બોલ્યો : હે રાજન ! જો બ્રાહ્મણ વર્તન ઉપરથી ઓળખાય એવો તમારો મત હોય જ્યાં સુધી ચારિત્ર્યની શુદ્ધિ નથી ત્યાં સુધી જાતિ મિથ્યા જ ગણાય ને ?

યુધિષ્ઠિર બોલ્યા : હે મહાસર્પ ! અહીં મનુષ્યોમાં સર્વ વર્ણોની ભેળસેળને લીધે જાતિની પરીક્ષા કરવી કઠિન છે. સર્વપુરુષો સર્વસ્ત્રીઓમાં સદા સંતાન પેદા કરે છે. સૌ મનુષ્યોનાં વાણી, મૈથુન, જન્મ અને મરણ સમાન જ છે. આ સંબંધમાં યે યજામહે (અમે યજ્ઞ કરીએ છીએ) એ વેદવાક્ય પ્રમાણરૂપ છે. આથી તત્વદર્શીઓ ચારિત્ર્યને જ મુખ્ય અને ઇષ્ટ માને છે. પુરુષને નાળછેદનની પહેલાં જાતકર્મનો સંસ્કાર કરવામાં આવે છે. ઉપનયનસંસ્કારમાં ગાયત્રી તેની માતા અને આચાર્ય તેનો પિતા ગણાય છે. જ્યાં સુધી એનો વેદજન્મ થયો નથી ત્યાં સુધી તે શૂદ્ર સમાન છે. જાતિ વિશેના સંશય સંબંધમાં સ્વાયંભુવ મનુએ એવું કહ્યું છે. સર્વવર્ણોની સંસ્કાર આદિ ક્રિયાઓ કર્યા છતાં તેમનામાં વર્ણસંકરતાની પ્રબળતા જ માનવી. આથી હે મહાસર્પ ! મુખ્ય તો ચારિત્ર્ય જ જોવાવું જોઇએ. એવા ચારિત્ર્યવાનને જ મેં બ્રાહ્મણ કહ્યો છે.

સર્પ બોલ્યો : હે યુધિષ્ઠિર ! તમે યથાર્થ તત્વવેત્તા છો. તમારાં વચનોને મેં સાંભળ્યા છે.

યુધિષ્ઠિર બોલ્યા : કયા કર્મથી માણસને ઉત્તમ ગતિ મળે ?

સર્પ બોલ્યો : હે ભારત ! સુપાત્રે દાન આપ્યાથી, પ્રિય વચનો કહેવાથી, સત્ય બોલવાથી અને અહિંસાધર્મમાં તત્પર રહેવાથી માણસ સ્વર્ગે જાય છે, એવું મારું માનવું છે.

યુધિષ્ઠિર બોલ્યા : હે સર્પ ! દાન અને સત્ય એ બેમાં મોટું શું ? અહિંસા અને પ્રિય વચન એ બેમાં મોટું નાનું શું ?

સર્પ બોલ્યો : દાન, સત્ય, તત્વ, અહિંસા, અને પ્રિય એ દરેકનું મોટાપણું અને નાનાપણું કાર્યના ગૌરવને આધારે જોવા છે. ક્યારેક દાનયોગ કરતાં સત્ય ચઢી જાય છે. ક્યારેક સત્યવચન કરતાં દાન ચઢી જાય છે. ક્યારેક પ્રિય વાક્ય કરતાં અહિંસા વધી જાય છે. તેમ જ ક્યારેક અહિંસા કરતાં પ્રિયવચન વધી જાય છે. કાર્યની અપેક્ષાએ તે તે વસ્તુંનું ગૌરવ અથવા લાઘવ ગણાય છે.

યુધિષ્ઠિર બોલ્યા : હે સર્પ ! શરીરનો નાશ થયા પછી માણસ કેવી રીતે સ્વર્ગમાં જાય છે ? તેને અવશ્ય મળનારું કર્મફળ કેવી રીતે મળે છે ? તે કેવી રીતે વિષયોને ભોગવે છે ?

સર્પ બોલ્યો : સ્વકર્મોએ કરીને માણસને મનુષ્યયોનિ, સ્વર્ગવાસ અને તિર્યગ્યોનિ એમ ત્રણ પ્રકારની ગતિઓ થતી જોવામાં આવી છે. તેમાં જે મનુષ્ય આળસ રાખ્યા વિના અહિંસાયુક્ત દાનાદિક કર્મો કરે છે તે મનુષ્યલોકમાંથી સ્વર્ગમાં જઇને સુખ ભોગવે છે. જે એથી ઊલટાં કર્મ કરે છે તે મનુષ્યયોનિમાં રહે છે અથવા તિર્ગ્યયોનિમાં જાય છે. જે મનુષ્ય કામ અને ક્રોધથી ભરેલો છે તથા હિંસા અને લોભને આધીન છે તે મનુષ્યયોનિમાંથી ભ્રષ્ટ થઇને તિર્યગ્યોનિમાં જન્મ પામે છે. વળી માનવયોનિમાં જન્મ ધરવાને માટે તિર્યગ્યોનિથી પણ છુટકારો થાય છે એવું જોવામાં આવે છે. આમ કર્મ કરનારો જીવ આ ત્રણ ગતિઓમાં ફરે છે. બ્રાહ્મણ તો પોતાના આત્માને નિત્ય પરમાત્મામાં લીન રાખે છે. દેહાભિમાની જીવાત્મા બળવાન કર્મફળને કારણે વારંવાર જન્મ ધરે છે, અને સુખદુઃખને ભોગવે છે.

યુધિષ્ઠિર બોલ્યા : સ્વર્ગમાં રહેલા, અદભુત કર્મ કરનારા અને સર્વજ્ઞ એવા તમને ક્યાંથી મોહ થઇ આવ્યો ? તમે શાથી સર્પયોનિને પામ્યા ?

સર્પ બોલ્યો : માણસ સારો જ્ઞાની અને શૂર હોય, તો પણ સમૃદ્ધિ તેને ભુલાવી દે છે. સુખમાં રહેનારા સર્વ મનુષ્યો મૂર્છામાં પડે છે. ઐશ્વર્યના મોહથી હું મદથી ઘેરાઇ ગયો અને નીચે ગબડી પડ્યો. એકવાર અગસ્ત્યમુનિ મારી પાલખીએ જોડાયા હતા અને મેં તેમને પગથી લાત મારી હતી. આથી અગસ્ત્યે રોષે ભરાઇને મને કહ્યું કે તું નીચે પડ. સર્પ થઇ જા.

એ પ્રમાણે કહીને તે નહુષરાજે અજગરનું શરીર છોડી દીધું અને તરત જ દિવ્ય શરીરને ધારણ કરીને સ્વર્ગ માટે પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર ભીમસેન તથા ધૌમ્યમુનિની સાથે આશ્રમે પાછા ગયા.

પાંડવો મહાબળવાન ભીમને ભયમાંથી મુક્ત થયેલો જોઇને અતિશય આનંદ પામ્યા.

અજગર સાથેના યુધિષ્ઠિરના એ વાર્તાલાપની વાત વાંચી વિચારીને કોઇને પ્રશ્ન થવાનો સંભવ છે કે અજગર એવી રીતે વાતચીત કરી શકે ? પરંતુ એ પ્રશ્નને ગૌણ ગણીને વાર્તાલાપના વિષયને જ લક્ષમાં લઇએ તો તેથી લાભ થશે. કથાના સારભાગને સમજવાનું શ્રેયસ્કર થઇ પડશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *