એક ભિખારીની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક ભિખારીની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
‘એક્સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’
અરે ભાઈ, વિધિની વિચિત્રતા તો જુઓ. એક સમયે હું મારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચતો હતો. આજે હું પોતે જ ભિખારી બની ગયો છું. આપ મારા જીવનની કરુણ કથની સાંભળશો તો મને કંઈક રાહત થશે.
નદીકિનારાના એક ગામમાં મારો જન્મ થયો હતો. મારા પિતાજી દરજીકામ કરતા હતા. તેમની આવક સારી હતી. અમે ત્રણ ભાઈબહેન હતાં. અમારાં માતાપિતા અમને ખૂબ લાડકોડથી ઉછેરી રહ્યાં હતાં. અમે સારામાં સારી શાળામાં ભણતાં હતાં. અમે રજાઓમાં બહાર ફરવા જતાં હતાં. અમારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચવામાં આવતી. આમ, અમારો પરિવાર એક સુખી પરિવાર હતો.
ચોમાસાના દિવસો હતા. હું મારાં ફોઈને ઘેર ગયો હતો. એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. રાતના સમયે નદીમાં ભારે પૂર આવ્યું. અમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં હતું. તેમાં નદીનું પાણી ધસી આવ્યું. તેથી અમારું ઘર પડી ગયું. તેમાં મારાં માતાપિતા અને ભાઈબહેન ટાઈ ગયાં. હું મારાં ફોઈને ઘેર હોવાથી બચી ગયો હતો. ફોઈએ મને ઉછેરીને મોટો કર્યો. તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. એટલે તે મને આગળ ભણાવી શક્યાં નહિ. તેમણે મને શહેરના એક કારખાનામાં નોકરી અપાવી દીધી. હું ત્રણ-ચાર વર્ષમાં કુશળ કારીગર થઈ ગયો.
મારાં ફોઈને એક દીકરી હતી. તે પરણીને સાસરે જતી રહી. એક દિવસ મારાં ફોઈનું અવસાન થઈ ગયું. પછી મેં લગ્ન કર્યાં. એક નાનું મકાન ભાડે રાખીને તેમાં હું અને મારી પત્ની સંતોષપૂર્વક રહેવા લાગ્યાં.
મારા સુખી સંસારને કોઈની નજર લાગી ગઈ. એક દિવસ કારખાનામાં કામ કરતી વખતે મારી આંખોમાં લોખંડની કણીઓ પડી ગઈ. તેનાથી મેં મારી આંખોનું તેજ ગુમાવી દીધું. હવે હું કારખાનામાં કામ કરવાને લાયક રહ્યો ન હતો. મારી પાસે આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મારી આર્થિક સ્થિતિ કથળી ગઈ. મારી અવદશા થયા પછી મારી પત્ની પણ મને છોડીને ક્યાંક જતી રહી. હવે હું સાવ નિરાધાર થઈ ગયો. હું છેલ્લા છ મહિનાથી મારા ઘરનું ભાડું ચૂકવી શક્યો ન હતો. મેં મારો રહ્યોસહ્યો સામાન વેચીને એના પૈસામાંથી મારા મકાનમાલિકને ઘરભાડું ચૂકવ્યું. પછી એ ઘરને રામરામ કરી હું ચાલી નીકળ્યો.
બસ, ત્યારથી એક હાથમાં કટોરો અને બીજા હાથમાં લાકડી લઈને હું ભીખ માગવા ઠેર ઠેર ફર્યા કરું છું. મારા પર દયા કરીને લોકો મને પાઈ-પૈસો અને ખાવાનું આપે છે. કોઈ મારી ઉપેક્ષા પણ કરે છે. હું મારી આ અવદશા માટે મારા ભાગ્ય સિવાય કોઈને દોષ દેતો નથી. હવે તો મને મારા વર્તમાન જીવનથી ખૂબ કંટાળો આવી રહ્યો છે. હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે તે મારા આ દુઃખભર્યા દિવસોનો જલદીથી અંત આણે. મારી પાસે ભલે આંખો નથી, પણ હાથ-પગ તો છે. હું કરી શકું એવું કશુંક કામ મને મળી રહે એટલે બસ, હું સુખી સુખી થઈ જઈશ.