એક ફૂલની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક ફૂલની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
“ઊગે તે આથમે, ખીલે તે કરમાય.”
હું ગુલાબનું ફૂલ છું. મારો જન્મ ગાંધીનગરમાં ‘રોઝગાર્ડન’માં એક ગુલાબના છોડ પર થયો હતો. એ બગીચામાં મારા જેવાં બીજાં અનેક ફ્લો હતાં. અમે શરૂઆતમાં કળીના રૂપમાં હતાં. જ્યારે અમે ખીલ્યાં ત્યારે એમ લાગ્યું કે જાણે આખો બગીચો અમારી સાથે ખીલી ઊઠ્યો. અમારાં બધાંની મહેક ચારે બાજુએ પ્રસરવા લાગી. બગીચામાં ફરવા આવતા લોકો અમારાં રૂપરંગ અને મહેકથી પ્રસન્ન થતા. પતંગિયાં અને ભમરા અમારા રૂપરંગ અને સુગંધથી આકર્ષાઈને અમારી ઉપર ઊડ્યા કરતાં. કેટલીક બાળાઓ તો અમને ચૂંટી લેવા લલચાતી હતી પણ માળીની કડક દેખરેખને લીધે તેઓ તેમ કરી શકતી નહિ.
જે માળી અમારું રક્ષણ કરતો હતો તેણે જ નિર્દય થઈને એક દિવસ અમને છોડ પરથી ચૂંટી લીધાં અને એક વેપારીને વેચી દીધાં; વેપારી અમને બજારમાં લઈ ગયો. તેને એક વરરાજા માટે ફૂલોનો હાર બનાવવાનો હતો. તેણે અમને સૌને એક દોરામાં ગૂંથીને વરરાજા માટે ફ્લોનો સુંદર હાર બનાવ્યો.
પછી અમે વરરાજાના ગળાની શોભા બની ગયાં. વરરાજાને એક ખુલ્લી બગીમાં બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો. સુંદર પોશાકમાં સજ્જ થયેલા જુવાનિયાઓ બૅન્ડના મધુર ધ્વનિના તાલે નાચતા હતા. વરરાજાના ફોટા પાડવામાં આવ્યા. અવારનવાર કૅમેરાનો ઝબકારો જોવાની અમને મજા આવી ગઈ. વરઘોડામાં આવેલા તમામ લોકો ટીકીટીકીને અમને જ જોઈ રહ્યા હતા. અમારા આનંદનો પાર ન હતો.
લગ્નવિધિ પૂરી થઈ. વરરાજા ઘેર આવ્યા. તેમણે ફૂલોનો હાર ગળામાંથી કાઢી એક ખીંટી પર લટકાવી દીધો. તેમની નાની બહેને મને ફૂલોના હારમાંથી કાઢી લીધું અને તેના માથાના વાળમાં ખોસી દીધું. એ છોકરી મારી સુંદરતા અને સુગંધથી રાજી રાજી થઈ ગઈ હતી. તે થોડી થોડી વારે મને તેના વાળમાં સરખું કરતી હતી. મને તેની સાથે રહેવાની ઘણી મજા પડી. મારા પાલક પિતા માળીએ મને બગીચામાંથી દૂર કર્યું, પણ ત્યારપછીની મારી જિંદગી આનંદ અને ઉલ્લાસમાં પસાર થઈ.
રાત પડી ત્યારે વરરાજાની બહેન ઊંઘી ગઈ. હું તેના વાળમાંથી છૂટું પડી ગયું અને ધીરે ધીરે કરમાવા લાગ્યું. મારી સુગંધ પણ ઓછી થતી ગઈ.
સવાર પડી. એક નોકર ઘરની સફાઈ કરવા લાગ્યો. તેણે મને કરમાયેલી સ્થિતિમાં જોયું એટલે ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધું. બસ, ત્યારથી હું અહીં કચરાના ઢગલામાં પડ્યું રહીને મારા અંતિમ ક્ષણની રાહ જોઉં છું.