એક વડલાની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક વડલાની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
મારો જન્મ આજથી લગભગ સો વર્ષ પહેલાં થયો હતો. મને ગામના ખેડૂત રામજીભાઈ પટેલે રોપ્યો હતો. ત્યારપછી તેમણે મને પાણી પાઈને ઉછેર્યો હતો. મને કોઈ ઢોર ખાઈ ન જાય તે માટે તેમણે મારી આસપાસ થોરની વાડ પણ કરી હતી.
પાંચ વર્ષમાં તો મારો ઘણો વિકાસ થયો. હવે મારી ડાળીઓ પર પંખીઓ માળા બાંધીને રહેવા લાગ્યાં. મારા લાલ રંગના ટેટા ખાવા ઘણાં પક્ષીઓ આવવા લાગ્યાં. થોડા દિવસોમાં મારી વડવાઈઓ નીચે ઝૂલવા લાગી. એટલે ગામનાં છોકરાંને વડવાઈઓ પકડીને હીંચકા ખાવાની મજા પડી ગઈ.
રામજી પટેલે મારી આસપાસ ઓટલો બનાવી દીધો. વટેમાર્ગુઓ અને ઢોર-ઢાંખર મારી છાયામાં આરામ કરવા લાગ્યાં. ગામના લોકો પણ ઓટલા પર બેસીને સુખદુ:ખની વાતો કરવા લાગ્યા. મને તેમની વાતો સાંભળવામાં ઘણો રસ પડતો. રજાના દિવસે ગામનાં છોકરાં મારી છાયામાં રમતાં. તેમને રમતાં જોવાની મને ઘણી મજા પડતી. ઉનાળામાં અહીં પરબ માંડવામાં આવતી. લોકો ઠંડું પાણી પીતા અને આરામ કરતા. અહીં ઘણા લોકોની અવરજવર રહેતી હતી.
હવે હું વૃદ્ધ થઈ ગયો છું. લોકો મને ‘વડદાદા’ કહે છે. મારી કેટલીક ડાળીઓ તૂટવા લાગી છે. પણ મારી કેટલીયે વડવાઈઓ હવે થડ બની ચૂકી છે. લોકોની સેવા કરવાનો મને આનંદ છે.
હજી પણ હું લોકોની સેવા કરી રહ્યો છું.