Saturday, 27 July, 2024

એકલવ્યની ગુરુદક્ષિણા

206 Views
Share :
એકલવ્યની ગુરુદક્ષિણા

એકલવ્યની ગુરુદક્ષિણા

206 Views

When Drona started teaching weaponry and archery to Kauravas and Pandavas, Karna (Duryodhana’s friend at that time) also joined. During those days, Eklavya, son of Hiranyadhanu also sought admission. Keeping broad interest of princes in mind and Eklavya, being a son of a Bhil (lower caste), Drona refused. However, Eklavya resolved to make Drona as his teacher and began learning archery on his own keeping Drona’s idol in front of him. Afterall, one needs to be a dedicated disciple to succeed. It doesn’t matter whether a teacher accepts him as a student or not.

Once Drona, along with his students went into the forest for a hunt. That time, Eklavya was practicing archery on his own. A dog started barking, so he used seven arrows and shut dog’s mouth in such a way that the dog remained alive but stopped barking. Pandavas saw this dog and were astonished at the archery skill of this anonymous archer. They told their teacher Drona about him. Drona at once decided to see him. Eklavya recognized Drona and offered to be at his service. Drona asked who taught him archery to which Eklavya responded that he made an idol of Drona and mastered archery. Drona, out of sheer fear of him getting better than his best student, Arjuna, asked for his right thumb in Guru Dakshina. Eklavya cut it and offered it without hesitation ! Drona could have asked a pledge that in event of war, he won’t fight against Arjuna or he fight for Arjuna, but sadly Drona ended Eklavya’s great archery skills.  

 
દ્રોણાચાર્યે કૌરવો તથા પાંડવોને ધનુર્વિદ્યામાં અને અનેક પ્રકારનાં અસામાન્ય શસ્ત્રાસ્ત્રોના પ્રયોગમાં પારંગત કરવા માંડયા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજપુત્રો પણ એમની પાસે શસ્ત્રવિદ્યાને શીખવાની આકાંક્ષાથી એકઠા થયા. વૃષ્ણીઓ, અંધકો અને કર્ણે પણ એમની પાસે પહોંચીને એમની અસાધારણ વિદ્યાશક્તિનો લાભ લેવા માંડયો.

સૂતપુત્ર કર્ણ અર્જુનની સ્પર્ધા કરતો અને દુર્યોધનનો આશ્રય લઇને પાંડવોને અપમાનિત બનાવતો.

અર્જુન ધનુર્વેદનું વધારે ને વધારે જ્ઞાન મેળવવાની મહેચ્છાથી પ્રેરાઇને સદા દ્રોણાચાર્યની સાથે રહેતો. ઉત્તમ શસ્ત્રાસ્ત્રોના પ્રયોગમાં, શીઘ્રતામાં તથા સરળતામાં અર્જુન સર્વે શિષ્યો કરતાં ઉત્તમ બન્યો. દ્રોણાચાર્ય પોતે પણ એનું વિશેષ ધ્યાન રાખીને એને સવિશેષ સ્નેહથી નિહાળવા લાગ્યા.

પોતાના પુત્ર અશ્વત્થામાને પણ એ અનુકૂળતા મળતાં કેટલાક વિશિષ્ટ પ્રયોગો શીખવવા માંડયા.

અર્જુનની ગુરુભક્તિ, શ્રદ્ધાભક્તિ અને શસ્ત્રાસ્ત્રવિદ્યાને ગ્રહણ કરવાની અસાધારણ શક્તિથી પ્રસન્ન થઇને એમણે એને જણાવેલું કે જગતમાં તારા જેવો કોઇ બીજો ધનુર્ધર ના થાય તેનું હું ધ્યાન રાખીશ.

એ દિવસોમાં નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય એમની પાસે વિદ્યાપ્રાપ્તિની ઇચ્છાથી ઉપસ્થિત થયો.

એણે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવાની માગણી કરી પરંતુ એને ભીલપુત્ર જાણીને અને અન્ય રાજકુમારોનો વિચાર કરીને એમણે એનો શિષ્ય તરીકે સ્વીકાર ના કર્યો.

એકલવ્ય સુદૃઢ શ્રદ્ધાભક્તિ ધરાવતો હોવાથી નિરાશ ના થયો.

એણે દ્રોણાચાર્યને પરમ પૂજ્યભાવે વંદી, મનોમન ગુરુ બનાવી, ત્યાંથી પ્રયાણ કરીને અરણ્યમાં જઇને એમની માટીની મૂર્તિ બનાવીને એની આગળ ધનુર્વિદ્યાના પ્રયોગોને પ્રારંભ્યા.

ગુરુએ શિષ્યનો સ્વીકાર ના કર્યો પરંતુ તેથી શું થયું ? શિષ્યે ગુરુનો સ્વીકાર કરી લીધો એટલે એનું કામ થઇ ગયું. એની ભાવનાનો વિજય થયો. એની સાધનાની સફળતાનો માર્ગ મોકળો બન્યો.

શિષ્ય ગુરુમાં શ્રદ્ધા રાખે ને ગુરુને સર્વસમર્પણ કરીને પોતાના મનમાં અથવા અંતરના અંતરતમમાં ધારે એટલે એનું કાર્ય મહદઅંશે પરિપૂર્ણ થાય.

માટીની મૂર્તિમાં ગુરુની ભાવના કરીને એકલવ્યે યમનિયમનું પરિપાલન કરીને પોતાની જાતને ધનુર્વિદ્યાના તથા શસ્ત્રાસ્ત્રવિદ્યાના પ્રયોગોમાં જોડી દીધી.

મક્કમ અને એકાગ્ર મનને લીધે સ્વલ્પ સમયમાં તો એ એમની પરાકાષ્ઠા પર પહોંચી ગયો. સહજ સંપૂર્ણ સિદ્ધિને પામ્યો.

એક વાર દ્રોણાચાર્યની આજ્ઞાથી કૌરવો અને પાંડવો મૃગયા માટે રથોમાં બેસીને વનમાં નીકળ્યા. ત્યાં એમણે શિકાર કરવાના સાધન તથા કૂતરા સાથે વિચરતા કોઇક માનવને નિહાળ્યો.

તે કૂતરો વનની વાટે એકલો આગળ વધીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોંચી ગયો.

જટાધારી એકાંતપ્રિય એકલવ્યને જોઇને તે ભસવા માંડયો એટલે એકલવ્યે એને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાત બાણ માર્યા.

એ બાણથી કૂતરો મર્યો નહીં કે ઘાયલ ના થયો. ફક્ત મૂંગો બની ગયો.

એવી અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઊભો રહ્યો ત્યારે પાંડવો એને અવલોકીને આશ્ચર્યચકિત બની ગયા. એમની બુદ્ધિ કે સમજશક્તિ કાંઇ કામ ના કરી શકી. એવી ધનુર્વિદ્યાની પારંગતતા એમણે ક્યાંય કોઇ વાર પેખી નહોતી. એની કલ્પના પણ નહોતી કરી. બાણ મારનારની પારંગતતાની તે પ્રશંસા કરવા લાગ્યા.

વનમાં વિહરતા પાંડવો આખરે વનની અંદરના ભાગમાં વસીને ધનુર્વિદ્યાના પ્રાણવાન પ્રયોગો કરનારા યુવાન એકલવ્ય પાસે પહોંચી ગયા. એકલવ્યનું બાહ્ય સ્વરૂપ બદલાઇ ગયું હોવાથી એ એને ઓળખી શક્યા નહીં.

એનો પરિચય પૂછવામાં આવતાં એણે એની ઓળખાણ આપતાં જણાવ્યું કે હું નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર ને દ્રોણાચાર્યનો એકનિષ્ઠ શિષ્ય એકલવ્ય છું.

પાંડવો એનો પરિચય પામીને આશ્ચર્યચકિત અને આનંદવિભોર બનીને પાછા આવ્યા અને દ્રોણાચાર્ય સમક્ષ એની પ્રશંસા કરવા લાગ્યા. એકલવ્યની પ્રશંસા સાંભળીને અર્જુન દ્રોણાચાર્યની આગળ પોતાના વેદનામય મનોમંથનને વ્યક્ત કરતાં જણાવ્યું કે તમે મને સંસારનો સર્વોત્તમ ધનુર્વિદ્યાવિશારદ બનાવવા માંગતા હતા પરંતુ એકલવ્ય મારાથી અનેકગણો આગળ વધી ગયો છે !

અર્જુનને એકલવ્યની ઇર્ષા થઇ. એ તેજોદ્વેષનો શિકાર બની ગયો.

ગુરુ દ્રોણાચાર્ય પણ એવી રીતે જ વિચારવા લાગ્યા. એમણે એકલવ્યને અપંગ કરી નાખવાનો પરમઘાતક પારધિ જેવો ભયંકર સંકલ્પ કર્યો.

અર્જુનને લઇને એ ધનુર્વિદ્યાના સતત પ્રયોગો કરી રહેલા એકલવ્ય પાસે આવી પહોંચ્યા એટલે એકલવ્યે એમને ઓળખીને એમના ચરણોમાં પરમપૂજ્ય ભાવે પ્રણામ કરીને એમનું શિષ્ય તરીકે વિધિપૂર્વક પૂજન કર્યું.

પૂજનવિધિને પૂરી કરીને એ હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપીને ઊભો રહ્યો. એટલે દ્રોણાચાર્યે ગુરુદક્ષિણાનું સ્મરણ કરાવ્યું. એકલવ્યે ગુરુદક્ષિણામાં સર્વકાંઇ સમર્પવાની તૈયારી બતાવી એટલે દ્રોણાચાર્યે સહેજ પણ સંકોચ સિવાય, નિર્દયતાનું નગ્ન અમાનવીય તાંડવનૃત્ય કરાવતાં; એના જમણા હાથનો અંગૂઠો માગી લીધો. જમણા હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી. એના સિવાય ધનુર્વિદ્યાની કલ્પના પણ ના કરી શકાય. સત્યપ્રતિજ્ઞ ગુરુભક્ત એકલવ્યે પ્રસન્નતા તથા ઉદારતાપૂર્વક, પોતાના જમણા હાથના અંગૂઠાને કાપીને ગુરુને અર્પણ કર્યો. કશો વિરોધ કે વિવાદ ના કર્યો.

એકલવ્ય આંગળીઓથી બાણને મારવા લાગ્યો તોપણ પ્રથમની પ્રવીણતાને પ્રાપ્ત ના કરી શક્યો. એની ગુરુભક્તિ શકવર્તી ઠરી ને વિજયી બની, પરંતુ દ્રોણાચાર્યની શિષ્યપ્રીતિ પાંગળી ઠરી. ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગવાને બદલે દ્રોણાચાર્ય એકલવ્ય પાસે યુદ્ધમાં ભાગ ના લેવાની અથવા ભવિષ્યના સંભવિત યુદ્ધમાં ને સદા અર્જુનની પડખે ઊભા રહેવાની અને ધનુર્વિદ્યાના વિષયમાં અર્જુનથી આગળ ના વધવાની કે અર્જુનના સમકક્ષ રહેવાની માગણી કરી શક્યા હોત. પરંતુ દ્રોણાચાર્ય તથા અર્જુનને એવું ના સૂઝવાથી એકલવ્ય જેવા નિર્દોષ નવયુવાન આત્માનો એની અદભુત અસાધારણ વિદ્યા સાથે અકાળે જ અંત આવ્યો. યાવચ્ચંદ્રદિવાકરૌ જીવંત રહીને પ્રેરણા પ્રદાન કરતી રહી એની અલૌકિક શ્રદ્ધા અને સમર્પણભાવના. એકલવ્ય અમર બન્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *