અખિલ બ્રહ્માંડમાં એક તું
By-Gujju04-05-2023
અખિલ બ્રહ્માંડમાં એક તું
By Gujju04-05-2023
અખિલ બ્રહ્માંડમાં એક તું – બે અલગ સ્વરમાં
MP3 Audio
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા !
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં.
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે … અખિલ બ્રહ્માંડમાં.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં.
– નરસિંહ મહેતા