Sunday, 22 December, 2024

અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

818 Views
Share :
અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

818 Views

અલંકાર એટલે શું?

અલંકાર એટલે ઘરેણાં – આભૂષણ, આભૂષણની સજાવટ શોભા અર્પે છે. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને ‘અલંકાર‘ કહે છે. 

ભાષાનું કામ શું ? મનના ભાવ કે વીચારને પ્રગટ કરવાનું કર્મ ભાષાનું છે, પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ કરવા ભાષા કે વાણીને સજાવટ કરવામાં તેને શણગારવામાં તેને મનોહર બનાવવામાં જે રૂપ અર્પવામાં આવે તે ‘અલંકાર‘ બને છે.

અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે. પરંતુ તેનોઉપયોગ ગદ્યનિરૂપણમાં થાય છે. રસયુક્ત વાક્યને કાવ્ય કહે છે, પછી તે પદ્યપંક્તિ હોય કે ગદ્યકથન હોય. 

અલંકારના પ્રકાર :

અલંકાર વાક્યમાં જે પ્રકારની કામગીરી બજાવે છે તેને આધારે તેના પ્રકારો પાડવામાં આવ્યા છે :  અલંકારના મુખ્ય 2 પ્રકાર છે.

  1. શબ્દાલંકાર
  2. અર્થાલંકાર

શબ્દાલંકાર :

જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતીભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખુબીની ચાવી તે તેના શબ્દો છે.

ઉદાહરણ : ‘કૂંચી કરાવું કરુણાનંદ કેરી’ માં શબ્દોની ખૂબી છે ને બદલે ‘ચાવી બનાવું કરુણાનંદ’ ની અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે. 

ધ્યાનમાં રાખવાની બાબતો :

અલંકારનો અભ્યાસ કરતાં પહેલાં નીચેની બાબતોનો અભ્યાસ જરૂરી છે.

  • ઉપમેય : જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. 
  • ઉપમાન : વસ્તુને (ઉપમેય) ને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. 

ઉપમાનવાચક કે વાચક: ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક કે વાચક પદો કહે છે. 

દા.ત. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

ઉપમાન વાચક પદ સાધારણ ધર્મ સાધારણ ધર્મ : ઉપમેયને ઉપમાન સાથે કોઈએક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે છે કે એ ગુણને ‘સાધારણ ધર્મ’ કહે છે. 

શબ્દાલંકારો ના પ્રકાર :

  1. અનુપ્રાસ (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ) 
  2. યમક (શબ્દાનુપ્રાસ) 
  3. પ્રાસસાંકળી (આંતરપ્રાસ) 
  4. અંત્યાનુપ્રાસ

અનુપ્રાસ (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ) :

વ્યાખ્યા : વાક્યમાં એકનો એક વર્ણ (અક્ષર) શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે  વર્ણસગાઇ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. 

દા.ત. : 

  • નટવર નિરખ્યા નેન! તેં… 
  • નિત્ય સેવા, નિત્ય કીર્તન – ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. 
  • જળનો જવાન જળવતી બને. 
  • કાશીમાએ કામ કાઢ્યું. 
  • મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે.

યમક (શબ્દાનુપ્રાસ) :

વ્યાખ્યા: એકનો એક અક્ષરસમૂહ બીજીવખત આવતો હોય અને બન્ને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને. 

દા.ત. : 

  • માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો. (માયા શબ્દના બે અર્થ) 
  • અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યાં છે. 
  • દીવા નથી દરબારમાં , દીવા નથી છે અંધારું ઘોર. (‘દીવા નથી’, ‘દીવા નથી’ એ સરખા ઉચ્ચારવાળાં પદો છે તેમનો અર્થ બદલાઈ જાય છે.) 
  • જોતાં વાંત જ હઇયું વિષયશર વીંધી લીધ વિષમ શરે . (વિષમશર-કામદેવ/વિમ શરે – વિષણ બાણોથી) 
  • હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. 

પ્રાસસાંકળી / આંતરપ્રાસ :

વ્યાખ્યા: પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. 

દા.ત. 

  • વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. 
  • જાણી લે જગ દીશ, શીશ સદ્ગુરુને નામી. 
  • મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ. 
  • ઘેર પધાર્યાં હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. 

અંત્યાનુપ્રાસ :

વ્યાખ્યા: કોઈપણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. અથવા પંક્તિને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય. 

દા.ત. : 

  • જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યો ઢોલ. 
  • જામી ગઈ તરત ઘોર, કરાલ રાત . લાગી બધે પ્રસરવા પુર માંહિ વાત. 
  • દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. 
  • જેની જશોદા માવલડી. ચરાવે ગોકુળ ગાવલડી.
  • અત્તરિયા! અત્તરના સોદાન કીજીએ. અત્તરિયા! અત્તરતો એમનેમ દીજીએ.

અર્થાલંકાર એટલે :

અર્થાલંકાર કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિભર્યાં કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે.

ઉદાહરણ : ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું . આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી. પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાંની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહે છે. 

અર્થાલંકાર ના પ્રકાર :

  1. ઉપમા
  2. રૂપક 
  3. ઉત્પ્રેક્ષા 
  4. અનન્વય 
  5. વ્યતિરેક 
  6. શ્લેષ 
  7. વ્યાજસ્તુતિ 
  8. સજીવારોપણ 

અર્થાલંકારના પ્રકારોની વિગતવાર સમજ નીચે મુજબ છે.

ઉપમા :

વ્યાખ્યા: બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, તેને ઉપમા અલંકાર કહે છે. 

નોંધ : જેવું, જેવી, જેવો, સમાન, સરખો, શો, જેમ, સમોવડું, પેઠે, શી, સદેશ, તુલ્ય, સમું… જેવા ઉપમાસૂચક શબ્દો દ્વારા સરખામણી થાય. 

દા.ત. : 

  • ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો. 
  • શામળ કહે બીજા બાપડા , પ્હાણ સરીખા પારખ્યા. 
  • વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. 
  • શરૂઆતમાં એ લોકો પીળચટા વાઘ જેવા લાગતા.
  • ધીમે ધીમે તે ડગ ધરતો-કોઇ મત્ત ગજેન્દ્રની માફક.
  • દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. 

રૂપક

વ્યાખ્યા: રૂપક ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય એટલે કે બન્નેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી. ત્યારે રૂપક અલંકાર બને છે. 

દા.ત. : 

  • બપોર એ મોટું શિકારી કૂતરું છે. 
  • દમયંતીનું મુખ તો ચંદ્ર છે. 
  • અને આ ચરણ તમારાં પારિજાતનાં ફૂલ ફૂલની પગલી પાડો. 
  • એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. 
  • આ સંસારસાગર તરવો સહેલો નથી. 
  • પંડની પેટીમાં પારસ છે પડ્યો. 

ઉત્પ્રેક્ષા

વ્યાખ્યા: ઉત્પ્રેક્ષા ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક-સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સંભાવના સૂચક શબ્દો : જાણે, રખે, શકે, શું વગેરે. 

દા.ત. : 

  • દમયંતીનું મુખ્ય જાણે પૂનમનો ચંદ્ર!
  • થાય છે મારી નજર જાણે હરણ, ને રહે છે ઠેકતી એ ઘાસમાં. 
  • હૈયું જાણે હિમાલય. 
  • કાયાના સરોવર જાણે હેલે ચઢ્યા. 
  • જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ. 

અનન્વય

વ્યાખ્યા: અનન્વય (અન્ + અન્વય) ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. 

દા.ત. : 

  • મા તે મા 
  • દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ 
  • ગાંધીજી એટલે ગાંધીજી 
  • સાગર સાગર જેવો છે, આકાશ આકાશ જેવું છે. 
  • જોગનો ધોધ એટલે જોગનો ધોધ.

વ્યતિરેક

વ્યાખ્યા: વ્યતિરેક ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે . 

દા.ત. : 

  • સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. 
  • દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. 
  • હલકા તો પારેવાની પાંખથી, મ્હાદેવથીય મોટાજી.
  • ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. 

શ્લેષ

વ્યાખ્યા: શ્લેષ એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે.

દા.ત. : 

  • રિવને પોતાનો તડકો ન ગમે તો (‘રવિ’ના બે અર્થ) જાય 
  • તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. (પાત્ર-વ્યક્તિ, વાસણ; પાણી-જળ, તાકાત) 

વ્યાજસ્તુતિ : 

વ્યાખ્યા: નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદાના રૂપમાં હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.

દા.ત. : 

  • શું તમારી બહાદુરી! ઉંદર જોઈને નાઠા. (વખાણ દ્વારા નિંદા) 
  • તમે ખરા પહેલવાન! ઊગતો બાવળ કૂદી ગયા. 
  • સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. 
  • છગન માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે. 
  • આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. (નિંદા – વખાણ) 

સજીવારોપણ :  

વ્યાખ્યા: નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે. માનવસ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થોમાં થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. 

દા.ત. : 

  • રામને , સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઊઠ્યા. 
  • ફૂલ હસતાં હતાં. 
  • દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. 
  • રાતોરાત વનપટ પડખું બદલી લે છે. 
  • તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *