Wednesday, 11 September, 2024

આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ

260 Views
Share :
આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ

આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ

260 Views

ભારત એ તહેવારોનો દેશ છે. આપણે અનેક ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. આપણા દેશમાં વિવિધ ધર્મો પાળનારા લોકો રહે છે. તેથી આપણા દેશમાં ધણા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઊજવાય છે. તહેવારો આપણી સાંસ્કૃતિક પરંપરાનું જતન કરે છે અને ભૌતિકવાદ તરફ ધસી રહેલી આધુનિક પ્રજાને જીવનનો સાચો રાહ ચીંધવાનું કાર્ય કરે છે. 

આપણા દેશમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને જરથોસ્તી ધર્મના તહેવારો ઊજવાય છે . દિવાળી, શિવરાત્રિ, જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ, દશેરા, રક્ષાબંધન, રામનવમી, ગણેશચતુર્થી વગેરે હિંદુ ધર્મના મુખ્ય તહેવારો છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીમાં લોકો ઘર સજાવે છે, મિષ્ટાન્ન જમે છે, ફટાકડા ફોડે છે, મંદિરે દર્શન કરવા જાય છે અને નવાં કપડાં પહેરે છે. દિવાળી માફ કરો અને ભૂલી જાઓ” ની ભાવનાનો સંદેશ આપનારો તહેવાર છે. તે આપણા સામાજિક સંબંધોને વધુ મધુર બનાવે છે. શિવરાત્રિએ શિવની પૂજા, નવરાત્રિમાં દુર્ગાપૂજા અને રામનવમીએ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમીએ કૃપા જન્મનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી રાતે ઠેરઠેર ગરબા અને રાસની રમઝટ જામે છે. ગણેશયતુર્થીનો તહેવાર પણ દસ દિવસ સુધી ધામધૂમથી ઊજવાય છે. આ બધા તહેવારો આપણી ધાર્મિક ભાવનાને પોષે છે. 

પર્યુષણ જૈન ધર્મનો મોટો તહેવાર છે. તેમાં જેન ભાઇ-બહેનો ઉપવાસની આકરી તપસ્યા કરે છે. પર્યુષણના દિવસોમાં જૈનો નિયમિત દેરાસરમાં જાય છે અને પ્રતિક્રમણ કરે છે . સંવત્સરીને દિવસે જૈન ભાઇ-બહેનો એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને પરસ્પરની ક્ષમાયાચના કરે છે. 

બકરી ઇદ, રમઝાન ઇદ, મહોરમ વગેરે ઇસ્લામ ધર્મના તહેવારો છે. મુસલમાન ભાઈઓ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ તહેવારો ઊજવે છે. પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે તેઓ અગિયારીમાં જઈને પૂજા-અર્ચના કરે છે. શીખો વૈશાખીનો અને બૌદ્ધો બુદ્ધજયંતીનો તહેવાર ઊજવે છે. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. આ દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે અને એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવે છે. 

તહેવારો આપણા એકધારા જીવનમાં વિવિધતા લાવે છે. આપણે લોકો સાથે મળીને તહેવારો ઊજવતા હોવાથી પરસ્પરનો પરિચય વધે છે, સંબંધો વધુ ગાઢ બને છે અને લોકો વચ્ચે ભાઇયારો કેળવાય છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાય છે. ધાર્મિક તહેવારોની અસરને લીધે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે. 

ધાર્મિક તહેવારોની ઉજવણીમાં કેટલીક વાર સાચી ધાર્મિક્તાને બદલે ધર્મનો આડંબર વધારે દેખાય છે. આથી ધાર્મિક તહેવારો ઊજવવા પાછળની શુદ્ધ ભાવના ઓછી થતી જાય છે. જાહેર ઉત્સવ યોજવા માટે ઘણી વાર લોકો પાસેથી બળજબરીથી ફંડફાળાનું ઉધરાણું કરવામાં આવે છે. તહેવારો દરમિયાન થતા લાઉડસ્પીકરોના ધોંધાટને લીધે અવાજનું પ્રદૂષણ ફેલાય છે અને બાળકોના અભ્યાસમાં વિક્ષેપ પણ પડે છે. વૃદ્ધો માટે અવાજનું પ્રદૂષણ સહન કરવું અઘરું થઇ પડે છે. કેટલીક વાર ધાર્મિક ઉત્સવમાંનો અતિરેક કોઇ શહેરમાં ફાટી નીકળતાં કોમી તોફાનોનું નિમિત્ત પણ બને છે. ધાર્મિક તહેવારોનું હાર્દ સચવાય તે જોવાની આપણા સૌની ફરજ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *