Monday, 9 December, 2024

અર્જુનની ઓળખાણ

356 Views
Share :
અર્જુનની ઓળખાણ

અર્જુનની ઓળખાણ

356 Views

{slide=Arjuna reveal his identity}

Unaware of Susharma’s captivity, Duryodhan attacked Virata’s kingdom from another front. Duryodhan was accompanied by great warriors like Karna, Bhishma, Drona, Krupacharya and Aswatthama.  Kauravas army was mighty and there was hardly anyone left in King Virata’s army who could challenge them. Kauravas were able to abduct large number of Virata’s cows with little efforts. The news of cow’s abduction reached Virata’s place but King and most of his army were fighting with Trigartas in the battlefield at that time. Uttar, the young prince, was the only man left who could fight back but he was too afraid. He tried to avoid it by saying that his charioteer was nomore. How possibly could he go to warfront without a charioteer?
 
Arjuna heard this and promptly offered his services. He asked Sairandhri to convey his readiness to prince via Uttara, Uttar’s sister. Uttar headed for fight with Brihannala (Arjun) as his charioteer. When Uttar saw mighty warriors of Kauravas in the battlefield, he was frightened and decided to run away. Arjun stopped him mid-way and alleviated his fears. Arjuna proposed that he would fight and asked Uttar to take his place as a charioteer while he does the fighting. Uttar agreed.
 

પાંડવોના વિરાટનગરના એક વરસના અજ્ઞાતવાસના વિપરીત વખતની એ કથા મહાભારતના વિરાટપર્વના પાંત્રીસમા અધ્યાયથી આરંભાઇ આગળ ચાલે છે.

એનો રસાસ્વાદ લેવા જેવો છે.

રાજા સુશર્માએ ત્રિગર્તો સાથે મળીને વિરાટરાજની ગાયોનું હરણ કર્યું અને વિરાટરાજે પાંડવોના મદદથી તે ગાયોને પાછી વાળવાનો ને ત્રિગર્તોને હરાવવાનો સફળ પ્રયાસ કર્યો ત્યારે દુર્યોધને પોતાના પ્રધાનો સાથે વિરાટદેશ પર આક્રમણ કર્યું.

એની સાથે ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુનિ, દુઃશાસન, વિવિંશતિ વિકર્ણ, ચિત્રસેન, દુર્મુખ, દુઃશલ અને અન્ય મહારથીઓ હતાં.

તેઓ સૌને વેરવિખેર કરી નાખીને ગોધન બળપૂર્વક હરી ગયા.

ચારે તરફથી રથસમૂહોનો ઘેરો ઘાલીને એમણે સાઠ હજાર ગાયોને હાંકવા માંડી.

મહાભારતના એ વર્ણન પરથી એ વખતના કલ્પનાતીત ગોધનનો ખ્યાલ આવે છે. એકલા વિરાટનગરમાં એ જમાનામાં સાઠ હજાર ગાયો હતી તો સમસ્ત વિરાટદેશમાં કેટલી બધી ગાયો હશે, અને વિરાટદેશની બહાર જુદા જુદા દેશોપ્રદેશોમાં કેટલું બધું અગણિત ગોધન હશે તે વિચારવા જેવું છે. સર્વત્ર સ્વાસ્થ્યવર્ધક ઘી-દૂધ પણ મળતાં હશે અને ગોધનની કતલ કરવા માટેનાં જાહેર કે ખાનગી કતલખાનાં પણ નહિ હોય.

આજના સંજોગો સાથે એ સંજોગો સરખાવવા જેવા છે.

મહાભારતની એ કરુણ કથા આગળ ચાલે છે.

દુર્યોધનના મહારથીઓએ નેસના ગોવાળોને મારવા માંડયા ત્યારે ગોવાળો ભયંકર ચીસો પાડવા લાગ્યા, એટલે ગોવાળોનો વડો ભયભીત થઇ ગયો અને રથમાં બેસીને નગર તરફ જવા નીકળ્યો.

નગરમાં પ્રવેશીને તે રાજાના રાજભવન પાસે પહોંચ્યો અને રથમાંથી શીઘ્ર ઊતરીને સમાચાર આપવાને અંદર ગયો. ત્યાં મત્સ્યરાજના ભૂમિંજય નામના અભિમાની પુત્રને જોઇને તેણે રાજનાં પશુઓના હરણની વાત કરીને જણાવ્યું કે કૌરવો તમારી સાઠ હજાર ગાયોને લઇ જાય છે તો તમે એ ગોધનને પાછું લાવવા તૈયારી કરો. તમે પોતે તત્કાલ રણમાં નીકળો, કેમકે મત્સ્યરાજે પોતાની ગેરહાજરીમાં તમને અહીંના રક્ષક નીમ્યા છે. એ નરપતિ રાજસભાની વચ્ચે તમારી પ્રસંશા કરે છે. અને કહે છે કે મારો પુત્ર મારા જેવો જ શૂરવીર, કુલધુરંધર, શાસ્ત્રમાં નિપુણ, યુદ્ધવીર છે. તમે મત્સ્યપતિના પુત્ર અને રાષ્ટ્રના પરમ આધારરૂપ છે.

ગોપોના અધિપતિએ અંતઃપુરમાં સ્ત્રીઓની વચ્ચે બેઠેલા એ ભૂમિંજય અથવા ઉત્તરને એવાં વચનો કહ્યાં ત્યારે તેણે જણાવ્યું કે મારી પાસે જો કોઇ અશ્વનિષ્ણાત સારથિ હોય તો હું આજ ઘડીએ ધનુષ્યને ધારણ કરીને ગાયોની પાછળ પડું. પણ મારો સારથિ થાય એવો કોઇ પુરુષ મારી નજરમાં આવતો નથી. તમે મારે માટે કોઇ યોગ્ય સારથિને શોધી કાઢો. મારો સારથિ મરણ પામ્યો છે.

કુરુઓ સૂના દેશમાં આવીને ગોધનને લઇને જાય છે પણ હું શું કરું ? કેમ કે હું ત્યારે ત્યાં ન હતો.

રાજપુત્ર ઉત્તરનાં એવા શબ્દોને સાંભળીને સર્વ વિષયોમાં કુશળ અર્જુને પોતાના અજ્ઞાતવાસના સમયને સમાપ્ત થયેલો સમજીને દ્રૌપદીને એકાંતમાં પ્રસન્નતાપૂર્વક કહ્યું કે કલ્યાણી ! તું ઉત્તરને કહેજે કે આ બૃહન્નલા પાંડુપુત્ર અર્જુનનો પ્રખ્યાત પ્રિય સારથિ હતો. મહાયુદ્ધમાં જઇને તે સિદ્ધ થયેલો છે. તે તમારો સારથિ થશે.

દ્રૌપદીના કહેવાથી ઉત્તરની નાની બહેન ઉત્તરાએ બૃહન્નલાના રૂપમાં રહેલા અર્જુનને ઉત્તરના સારથિ તરીકે કાર્ય કરવા માટે તૈયાર કર્યો. એવી રીતે ઉત્તરે અર્જુનને સારથિ બનાવીને યુદ્ધને માટે પ્રસ્થાન કર્યું.

અર્જુને પોતાના અશ્વોને કુરુઓની સુવિશાળ સેના તરફ ચલાવવા માંડ્યા એટલે વાયુ જેવા વેગવાળા અને સુવર્ણની માળાવાળા અશ્વો આકાશમાં ઊડતા હોય એમ, રથને લઇને દોડવા લાગ્યા.

ઉત્તરે અને અર્જુને સ્મશાનની પાસે પહોંચીને શમીવૃક્ષને નિહાળ્યું અને એની આસપાસ વ્યૂહબદ્ધ બનેલા સૈન્યને પણ.

એ વિરાટ સુસજ્જ સૈન્યને નિહાળીને વિરાટપુત્ર ઉત્તરને રોમાંચ થઇ આવ્યાં. એના પગ ઢીલા થઇ ગયા. એનો ઉત્સાહ ઓસરી ગયો.

એ ભયભીત બનીને ઉદ્વેગ પામ્યો.

અર્જુને એને પોતાની આગવી રીતે હિંમત આપી.

છતાં પણ કુંડળધારી ઉત્તર ગાયોને પાછી વાળવાના વિચારને તિલાંજલિ આપીને રથમાંથી કૂદી પડ્યો અને માન તથા ગર્વને છોડીને, ધનુષબાણને નીચે નાખીને ભયાતુર થઇને નાસવા લાગ્યો.

બૃહન્નલાના સ્વરૂપમાં રહેલા અર્જુને એની પાછળ દોડીને એને જોતજોતામાં પકડી પાડ્યો.

કુરુઓમાંના કેટલાકને એના પ્રભાવ તથા પરાક્રમ પરથી એ અર્જુન છે એવી શંકા થઇ.

કેટલાકને પ્રતીતિ પણ થઇ.

એમને લાગ્યું કે અર્જુન અજ્ઞાતવાસમાં આવા વિચિત્ર વેશમાં વિચરી રહ્યો છે અને એને સારથિ બનાવીને ઉત્તર યુદ્ધ માટે બહાર નીકળ્યો છે.

અર્જુને ઉત્તરને પકડ્યો તો ખરો પરંતુ એ યુદ્ધના વિચારથી વિલાપ કરવા લાગ્યો. અને બોલ્યો કે બૃહન્નલા, રથને પાછો વાળ. જીવતો નર સુખ પામે છે. હું તને શુદ્ધ સુવર્ણની સો સોનામહોરો આપીશ, સોનાથી મઢેલા આઠ તેજસ્વી વૈડૂર્યમણિઓ આપીશ, કનકના દંડવાળો, સારા અશ્વોવાળો રથ આપીશ, તથા દસ મદોન્મત્ત માતંગો અર્પણ કરીશ. તું મને છોડી દે ને ઘેર જવા દે.

અર્જુન એના શબ્દોને સાંભળીને હસ્યો, ને બોલ્યો કે તને શત્રુઓની સાથે લડવાનો ઉત્સાહ ના હોય તો તારે બદલે હું લડીશ. તું મારા રથના અશ્વોનું ધ્યાન રાખજે. વીર મહારથીઓથી રક્ષાયલી, સહેલાઇથી જીતી શકાય નહિ તેવી, આ ભયંકર સેના તરફ રથ ચલાવ. હું મારા અદભુત બાહુબળથી તારું ચારે તરફથી સંપૂર્ણપણે રક્ષણ કરીશ અને ગોધનને પાછું લાવીશ. તું મારો સારથિ થા.

અર્જુને જેમ તેમ કરીને ઉત્તરને રથમાં બેસાડી દીધો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *