Saturday, 27 July, 2024

અષ્ટાંગયોગનો ઉપદેશ

206 Views
Share :
અષ્ટાંગયોગનો ઉપદેશ

અષ્ટાંગયોગનો ઉપદેશ

206 Views

ભાગવતના ત્રીજા સ્કંધના અઠ્ઠાવીસમાં અધ્યાયમાં મહર્ષિ કપિલ અષ્ટાંગયોગ અથવા સબીજ યોગના વર્ણનનો આરંભ કરતાં કહે છે કે એ યોગના અનુષ્ઠાનથી મન નિર્મળ ને પ્રસન્ન બનીને સત્યના સાક્ષાત્કારને પંથે પ્રેમપૂર્વક પ્રયાણ કરે છે.

मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम् ।

એ પંક્તિનું મૂલ્ય ધાર્યા કરતાં ઘણું જ મોટું છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાં યોગના પ્રયોજનને સંક્ષિપ્ત છતાં સુસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. એ પ્રયોજન દ્વિવિધ છે. પ્રથમ પ્રયોજન તો મનને પ્રસન્ન કરવાનું છે. પરંતુ મન પ્રસન્નતાનો સહજ, અખંડ અનુભવ કેવી રીતે કરે ? જ્યાં સુધી એ મલિન હોય ત્યાં સુધી એવો અનુભવ ના કરી શકે. નિર્મળ થતા જતા કે થયેલા મન દ્વારા જ આત્મામાંથી પ્રાદુર્ભાવ પામતા અખંડ આનંદની અનુભૂતિ શક્ય બની શકે. એટલે યોગની સાધના મનને નિર્મળ કરવા માટે છે. એ નિર્મળતા જ્યારે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે સાધક સન્માર્ગગામી બને છે, સત્યના સાક્ષાત્કારના પંથે પ્રસ્થાન કરે છે અને એ પુણ્યપ્રસ્થાનની પુર્ણાહુતિરૂપે પરમસત્યરૂપી પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. યોગની સાધનાનું એ બીજું પ્રયોજન છે. સહેજ સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો સમજાશે કે એ બંને પ્રયોજનો એકમેકથી સર્વથા ભિન્ન કે અલગ નથી પરંતુ એકમેકની સાથે સંકળાયેલા છે. પ્રથમ પ્રયોજન બીજા પ્રયોજનમાં મળી કે ભળી જાય છે. એ દૃષ્ટિએ યોગનું પ્રયોજન એક જ છે-આત્મસાક્ષાત્કારનું-એવું જ કહેવું જોઇએ. સાધકો એ પ્રયોજનને ના ભૂલે અને એની પૂર્તિના પ્રયત્નમાં લાગી જાય એ ખૂબ જ અગત્યનું છે.

એ પ્રયત્ન બહિરંગ અને અંતરંગ બંને પ્રકારનો હોવો જોઇએ. એટલે કે સાધકે અમુક રીતે ચોક્કસાઇથી વર્તવાનો આગ્રહ રાખવો જોઇએ અને ધ્યાન ધારણા જેવા અંતરંગ અભ્યાસક્રમના અનુરાગી બનીને એનો નિયમિત અને નિરંતર ઉત્સાહપૂર્વક આધાર લેવો જોઇએ. તો જ પ્રયત્ન સફળ બની શકે ને સાધકનું સર્વ પ્રકારે કલ્યાણ કરે.

યોગના બહિરંગ અને અંતરંગ સાધનોમાં શેનો સમાવેશ થાય છે ? મહર્ષિ કપિલ એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહે છે કે અધર્મથી દૂર રહેવું, દૈવયોગે જે કાંઇ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનવો, આત્મદર્શી આત્મનિષ્ઠ પુરુષપ્રવરોનાં ચરણોનું સેવન કરવું, વિષયાસક્તિથી અને એને વધારનારા વાતાવરણથી દૂર રહેવું, જીવનમુક્તિની અનુભૂતિમાં જ આસક્તિ રાખવી, મિતાહારી થવું, અહિંસાનું પાલન કરવું, એકાંત સેવવું, સત્ય બોલવું, ચોરી ના કરવી, આવશ્યકતાઓને વધારવી નહિ, સાદું સીધું પવિત્ર ને સંયમી જીવન જીવવાનો આગ્રહ રાખવો, બહારની અને અંદરની પવિત્રતા પાળવી, સ્વાધ્યાય કરવો, મૌન રાખવું, ભગવાનની ઉપાસના કરવી ને ભગવદ્દભાવને વધારવાની સાથે સાથે સંસારના વિષયોની અસારતાનો કે વિનાશશીલતાનો વારંવાર વિચાર કરીને એમાંથી મનને પાછું વાળવું. એ મનને ભગવાનની લીલાઓના ચિંતનમનનથી, આત્મવિચારથી કે બીજા કોઇ સમુચિત સાનુકૂળ સાધનની મદદથી પરમાત્મપરાયણ કરવાનો પ્રયત્ન કરવો.

ભગવદ્દગીતાના છઠ્ઠા અધ્યાયના પેલા પ્રખ્યાત શ્લોકમાં ‘ शुचौ देशे प्रतिष्ठाप्य ’ શબ્દોથી શરૂ થતા વર્ણનની પેઠે જ અંતરંગ સાધનાનો ઉલ્લેખ કરતાં મહર્ષિ કપિલ પણ એ જ શબ્દોનો પ્રયોગ કરે છે. એ બંને મહાગ્રંથોની શાબ્દિક સમતાનું દર્શન કરીને આપણને આશ્ચર્યમિશ્રિત આનંદ થયા વિના નથી રહેતો. મહર્ષિ કપિલ કહે છે :

शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनम् ।
तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत् ॥ (અધ્યાય ર૮, શ્લોક ૮)

એટલે કે હે માતા ! યોગસાધનાની રુચિવાળા સાધકે એક શુદ્ધ સ્થળે બનતી શાંતિપૂર્વક બેસીને સૌથી પહેલાં તો આસનનો જય કરવો. એ પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો. પૂરક, કુંભક અને રેચકના અભ્યાસથી નાડીશુદ્ધિ કરવી. નાડીશુદ્ધિ થતાં ને પ્રાણ સ્વસ્થ બનતાં મનની મલિનતા તથા ચંચળતા મટવા માંડે છે. વાયુ અને અગ્નિમાં સંતપ્ત સુવર્ણ મળરહિત બની જાય છે તેમ પ્રાણવાયુનો વિજય કરનારા યોગીનું મન થોડા જ વખતમાં નિર્મળતા ધારણ કરે છે અને આત્માનુભવના અલૌકિક લાભને માટે તત્પર બને છે.

પ્રાણાયામના અભ્યાસથી વાત, કફ, પિત્તના ત્રિવિધ દોષોને દગ્ધ કરવામાં આવે છે, ધારણાથી મનની મલિનતાને મટાડવી, ધ્યાન દ્વારા રાગાદ્વેષાદિ અનીશ્વર ગુણોનો નાશ કરવો, અને ધારણા પહેલાંના પ્રત્યાહારના અભ્યાસથી મન તથા ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી.

એવી રીતે મનને શુદ્ધ ને સ્થિર કરવાનો પ્રયત્ન કરીને સાધકે પોતાની રુચિ પ્રમાણે ભગવાનના સાકાર અથવા નિરાકાર રૂપનું ધ્યાન કરવું.

મહર્ષિ કપિલ ભગવાનના સાકાર સ્વરૂપના ધ્યાનની પદ્ધતિનો પરિચય કરાવે છે. એ પદ્ધતિ  પરંપરાગત છે. એમણે ભગવાનના સુંદર ચતુર્ભુજ સ્વરૂપના ધ્યાનનો પ્રકાર બતાવ્યો છે. સાધકો અથવા ભક્તો એ ધ્યાનનો આશ્રય પણ લઇ શકે છે.

આપણે ત્યાં મોટા મોટા વિદ્વાનોમાં પણ એક એવી પરંપરાગત માન્યતા પ્રચલિત છે કે સાંખ્યશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ કપિલ નિરીશ્વરવાદી છે. આપણે પ્રશ્ન થાય છે કે એ માન્યતા સાચી કે ખોટી ? મહર્ષિ કપિલ સાચેસાચ નિરીશ્વરવાદી છે ? અથવા એ નિરીશ્વરવાદી હતા ? ધ્યાનની એમણે વર્ણવેલી પદ્ધતિનો પરિચય પ્રાપ્ત કરનાર સહેલાઇથી એનો ઉત્તર આપતાં કહેશે કે ના. એ નિરીશ્વરવાદી નહોતા કે નથી. જો એ નિરાશ્વરવાદી હોત તો ધ્યાનની આવી સાકાર સાધના પદ્ધતિની ભલામણ ના કરી શક્ત. એ તો સ્પષ્ટ રીતે એમનો અભિપ્રાય આપત કે એવી કોઇ ઇશ્વરીય શક્તિ છે જ નહીં પછી ધ્યાનમાં એની કલ્પના કરવાનો, એના સ્વરૂપને યાદ કરવાનો અને એમાં મનને જોડીને લીન કરી દેવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે ? ઉપરાંત, એમણે પ્રકૃતિથી પર પરમ શક્તિશાળી, પુરુષત્વનો સ્વીકાર કરેલો જ છે. એ પણ શું બતાવે છે ?  એ જો સૃષ્ટિમાં રહેનારી ને સમસ્ત સૃષ્ટિ પર શાસન કરનારી પરબ્રહ્મ પરમાત્માની એવી કોઇ લોકોત્તર મહાશક્તિમાં ના માનતા હોત તો પુરુષ પરબ્રહ્મના નામથી એનો ઉલ્લેખ ના કરત. આ સૃષ્ટિના એક ઠેકાણે વિરાજેલા સૃષ્ટિની ગતિવિધિને સંભાળનારા કોઇ એક અમુક ચોક્કસ રૂપ, રંગ અથવા આકારના ઇશ્વરમાં એમણે એમનો વિશ્વાસ પરિપૂર્ણપણે પ્રદર્શિત ના કર્યો હોય એ બનવા જોગ છે, પરંતુ એટલા પરથી જ એમને નિરીશ્વરવાદી કહેવાનું ઉચિત નથી. એમણે પરમસત્તાને, એના સાક્ષાત્કારની સુંદર સાધનાને અને એની શ્રદ્ધાભક્તિને તેમજ કૃપાને તો માની જ છે. એટલે એમને નિરીશ્વરવાદી કહેવાનું કોઇ જ કારણ નથી રહેતું.

મહર્ષિ કપિલ અને એમના સાંખ્યદર્શનને નિરીશ્વરવાદી માનનારા મનુષ્યો તરફથી કેટલીકવાર કહેવામાં આવે છે કે એ ઇશ્વરમાં નથી માનતા એવી સુસ્પષ્ટ સુનિશ્ચયાત્મક જાહેરાત એમણે સાંખ્યદર્શનમાં કરેલી છે. સાંખ્યદર્શનના इश्वरासिध्धेः નામના સૂત્રમાં એ સૂત્રનો શબ્દાર્થ સ્પષ્ટ છે કે ઇશ્વરની સિદ્ધિ નથી થઇ શક્તી અથવા એમના અસ્તિત્વને પુરવાર નથી કરી શકાતું. એમના નિરાશ્વરવાદનો એથી વિશેષ પ્રબળ પુરાવો કયો હોય ?

પરંતુ સાંખ્યદર્શનના એ સૂત્રને આપણે જરાક જુદી રીતે સમજવાની જરૂર છે. તો જ એ મહાપુરુષને આપણે સમુચિત ન્યાય કરી શકીશું.

મહર્ષિ કપિલ સૃષ્ટિને ચલાવનારા એક વ્યક્તિગત ઇશ્વરમાં માનનારા માનવોનું મંતવ્ય તર્ક અને અનુભૂતિના આધાર પર સિધ્ધ ના થઇ શક્તું હોય એવું માને તે સમજી શકાય તેવું છે. પરંતુ એ કરતાં પણ એ સૂત્રને શાંતિથી, તટસ્થ રીતે, પૂર્વગ્રહથી મુક્ત થઇને વિચારીએ તો એનો સુચિતાર્થ જુદો જ જોવા મળે છે ને વેદાનુકૂળ જણાય છે. એ કહેવા માગે છે કે ઇશ્વરને માનવીય મન, બુદ્ધિ કે વાણીની મદદથી મૂલવવાનો, સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો પણ તે પ્રયત્ન સંપૂર્ણપણે સફળ થઇ શકે નહીં. માનવની પ્રાકૃત પ્રજ્ઞા ઇશ્વરના અનંત મહિમાને પૂરેપૂરો સિધ્ધ ના કરી શકે. ઇશ્વર મન, બુદ્ધિ, તથા વાણીથી સિધ્ધ કરવાનો વિષય જ નથી. એ તો ‘અવાગ્મનસગોચર’ અથવા અનુભૂતિનો વિષય છે. વેદ પણ એટલા માટે જ ઇશ્વરનું સંપૂર્ણ ચિત્ર અંકિત ના કરી શકવાથી અને એમના અચિંત્ય અનિર્વચનીય અલૌકિક મહિમાને બૌધ્ધિક પ્રતિભા દ્વારા પરિપૂર્ણપણે પુરવાર કરવાના પ્રયત્નો અધુરા લાગવાથી ‘નેતિ-નેતિ’ જેવા નિષેધાત્મક ઉદ્દગારનો આશ્રય લે છે. મહર્ષિ કપિલ પણ એ જ વિશાળ ને  સાચા સંદર્ભમાં इश्वरासिध्धेः સૂત્ર દ્વારા જણાવે છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોવાં છતાં એ તર્કદ્વારા અ-સિધ્ધ છે અને અ-સિધ્ધ રહેશે. તર્કની મદદથી એમને મૂલવવાના બધા જ પ્રયત્નો પાંગળા રહેવાના.

મહર્ષિ કપિલ માતા દેવહુતિને કહે છે કે પરમાત્મતત્વનો સાક્ષાત્કાર કરનારા જીવનમુક્ત યોગીને અહંતા તથા દેહગેહાદિ પદાર્થોની મમતા નથી થતી. એવા યોગી પુરુષને જડચેતનાત્મક સમસ્ત સંસારમાં પરમાત્માના પરમ પવિત્ર પ્રકાશનું દર્શન થાય છે. એવો યોગી પ્રકૃતિને જીતીને તથા પ્રકૃતિથી પર થઇને આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *