Sunday, 22 December, 2024

અતિવૃષ્ટિ નિબંધ 

339 Views
Share :
અતિવૃષ્ટિ નિબંધ 

અતિવૃષ્ટિ નિબંધ 

339 Views

વર્ષાઋતુ એટલે વરસાદની ઋતુ. વરસાદ વરસે તેનાથી ખેતરોમાં અનાજ પાકે. વરસાદને લીધે જ ઘાસચારો થાય અને જળાશયોમાં પાણી ભરાય. પાણી, અનાજ અને ઘાસચારો સમગ્ર પ્રાણીસૃષ્ટિના જીવનનો આધાર હોવાથી વર્ષાઋતુને જીવનપોષક ઋતુ કહે છે.  

વર્ષાઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય છે. અતિવૃષ્ટિ એટલે વર્ષાનું તાંડવ. આકાશ લાગલગાટ કાળાં વાદળાંથી છવાયેલું રહે છે. દિવસો સુધી મુશળધાર વરસાદ પડ્યા જ કરે છે, અટકવાનું નામ નથી લેતો. સૂર્યનારાયણનાં દર્શન પણ થતાં નથી. રાતે ચંદ્ર કે તારા પણ દેખાતા નથી. વર્ષાનું તાંડવ અતિશય વિનાશ સર્જે છે. 

અતિવૃષ્ટિથી નદીઓમાં ભારે પૂર આવે છે. પૂરનાં પાણી કાંઠે આવેલાં ગામોમાં અને ખેતરોમાં ફરી વળે છે . મકાનોમાં પાણી ભરાઈ જાય છે. કાચાં મકાનો પડી જાય છે. ઘરવખરી તણાઈ જાય છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. ઠેકઠેકાણે ઘણાં વૃક્ષો પડી જાય છે. લોકો જીવ બચાવવા માટે ધાબા ઉપર કે ઝાડ ઉપર ચડી જાય છે . કેટલાંક ઢોર પાણીમાં તણાઈ જાય છે. શહેરોમાં પણ આવી જ દશા થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે. ઝૂંપડાં નાશ પામે છે. વાહનો ખોટકાઈ જાય છે. ગટરો ઊભરાય છે. ઠેરઠેર રસ્તા અને રેલમાર્ગો ધોવાઈ જાય છે. આથી વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. વીજળીના થાંભલા તૂટી પડતાં વીજળી ખોરવાઈ જાય છે. 

સરકાર અને સામાજિક સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી આવે છે. હેલિકૉપ્ટર અને હોડીઓની મદદથી રાહતકાર્ય અને બચાવકાર્ય શરૂ થાય છે. પૂરમાં ફસાઈ ગયેલા લોકોને ફૂડપેકેટ્સ પહોંચાડવામાં આવે છે. પૂરપીડિતોને અનાજ, કપડાં અને ઘરવખરીની વસ્તુઓની મદદ પહોંચાડવામાં આવે છે. મૃતદેહો અને કાદવકીચડને દૂર કરવા માટે સરકારી તંત્રને કામે લગાડવામાં આવે છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આમ છતાં, રોગચાળો ફાટી નીકળે છે. સેવાભાવી ડૉક્ટરો મદદ માટે દોડી આવે છે.

વર્ષાનું તાંડવ કુદરતી પ્રકોપ સામે માનવીની લાચારીનું ભાન કરાવે છે અને માનવતાની કસોટી પણ કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *