બલિનો પરાજય
By-Gujju29-04-2023
બલિનો પરાજય
By Gujju29-04-2023
વખતના વીતવા સાથે ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. એ પછી એમણે જોયું કે ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશાનુસાર મહારાજા બલિ અશ્વમેઘ યજ્ઞો કરે છે એટલે એ યજ્ઞસ્થાનની દિશામાં એમણે ચાલવા માંડ્યું. થોડી વારમાં તો એ યજ્ઞના અનુષ્ઠાનસ્થાનમાં-નર્મદા નદીના ઉત્તર તટ પરના ભૃગુકચ્છ નામક સુંદર સ્થાનમાં આવી પહોંચ્યા. હાથમાં છત્ર, દંડ તથા કમંડલ લઇને એમણે યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણો એ જટાધારી નવાગંતુકને નિહાળીને ખૂબ જ પ્રભાવિત અને સ્તબ્ધ બની ગયા. એ બધા એમના સ્વાગતમાં ઊભા થયા. મહારાજા બલિએ પોતે પણ એમનો શ્રેષ્ઠ આસન આપીને સત્કાર કર્યો, એમનું પાદપ્રક્ષાલન કર્યું અને એમની પૂજા કરી. એ પછી એણે પ્રેમ, પૂજ્યભાવ તથા વિનયયુક્ત વાણીમાં જે કાંઇ માગવું હોય તે માગી લેવાની પ્રાર્થના કરી.
વામન ભગવાનના વાસ્તવિક સ્વરૂપની બલિને માહિતી ન હતી. એને કલ્પના પણ નહોતી કે એ વામન નથી પરંતુ વિરાટ છે. એટલે જ એણે એવી પ્રાર્થના કરી. વિકાસની સર્વ સામાન્ય ક્ષુલ્લક ભૂમિકા પર ઊભેલો જીવ શક્તિમાન શિવને ક્યાંથી ઓળખી શકે ? એની પાસેથી એવી વધારે પડતી આશા પણ કેવી રીતે રાખી શકાય ? વામન ભગવાને એના પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે એની પાસે કેવળ ત્રણ પગલાં જેટલી જમીન માગીને કહ્યું કે વિદ્વાને વિશેષ પરિગ્રહ કરવાને બદલે આવશ્યક પદાર્થનો જ સ્વીકાર કરવો જોઇએ. એ એના જીવનનું ભૂષણ મનાય છે.
બલિએ બીજી કોઇ વિશેષ યાચના કરવાની પ્રાર્થના કરી તો પણ વામન ભગવાને એ પ્રાર્થનાનો સહર્ષ અસ્વીકાર કર્યો ને કહ્યું કે મારે માટે ત્રણ પગલાં જેટલી જમીન પૂરતી છે. માણસ જો સંતોષી હોય તો સંસારના સમસ્ત વિષયો પણ એની કામનાઓને સંતોષી નથી શક્તા.
બલિ એ સાંભળીને હસવા માંડ્યો. એણે ત્રણ પગલાં જેટલી જમીનનો સંકલ્પ કરવા માટે જલપાત્ર લીધું. એ બધું જોઇ રહેલા ગુરુ શુક્રાચાર્ય સઘળું જાણતા હોવાથી બલિને દાનનો સંકલ્પ ના કરવા માટે સમજાવવા લાગ્યા. એમણે બલિને જણાવ્યું કે આ કોઇ સામાન્ય વામન નથી પરંતુ ભગવાન વિષ્ણુ પોતે છે. કશ્યપની પત્ની અદિતિના ઉદરથી એ દેવોના કાર્યની સિદ્ધિ સારું પ્રકટ થયા છે. તું એમના દાનના સંકલ્પને પૂરો નહિ કરી શકે. એના પરિણામે એ તારું સર્વ કાંઇ પડાવી લઇને ઇન્દ્રને આપી દેશે ને તારું અધઃપતન થશે. એ પોતાના એક પગલાથી પૃથ્વીને અને બીજા પગલાથી સ્વર્ગને માપી લેશે. પછી એમના ત્રીજા પગલાને ક્યાં મૂકાવશે ?
પરંતુ બલિએ શુક્રાચાર્યની વાતને ના માની. એ પોતાના વચનપાલનમાં દૃઢ રહ્યો. એકવાર દાન માગવાની પ્રાર્થના કર્યા પછી એને એમાંથી પાછા હઠવાનું ઉચિત ના લાગ્યું. પોતાનું અધઃપતન થાય તો ભલે પરંતુ પોતાની અપકીર્તિ ના થવી જોઇએ એવું એનું મંતવ્ય હતું.
શુક્રાચાર્યે એને શાપ આપ્યો કે તું મારામાં અશ્રદ્ધા રાખીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે માટે તારી સંપત્તિને શીઘ્ર ખોઇ બેસીશ.
શાપથી સહેજપણ દુઃખી અને વિચલિત થયા વિના બલિએ વામન ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને ત્રણ પગલાં જેટલી જમીન આપવાનો સંકલ્પ કર્યો. એની પત્ની વિંધ્યાવલીએ પાદપ્રક્ષાલન માટે સુવર્ણકળશ લાવી આપ્યો.
એ પછી યજ્ઞમંડપમાં એક અદ્દભુત ઘટના બની. વામન ભગવાનનું સ્વરૂપ એકાએક વધવા માંડ્યું. એ સ્વરૂપે ચરાચર સમસ્ત જગતને ઘેરી લીધું અથવા એમ કહો કે એની અંદર સમસ્ત જગત સમાઇ ગયું. બલિએ એ અત્યંત આશ્ચર્યકારક વિશ્વરૂપનું દર્શન કર્યું.
અસુરો એ વિલક્ષણ વિશ્વરૂપને વિલોકીને ભયભીત બની ગયા.
ભગવાનની પાસે ચક્ર, ધનુષ્ય, ગદા, તલવાર, અક્ષય બાણોથી ભરેલાં બે ભાથાં તથા શંખ આપોઆપ આવી પહોંચ્યાં. એમની શોભા અલૌકિક બની ગઇ. એમના એક પગલામાં એમણે આખીયે પૃથ્વીને માપી લીધી અને બીજા પગલામાં સ્વર્ગને માપી લીધું. શુક્રાચાર્યની ભવિષ્યવાણી સંપૂર્ણ સાચી ઠરી. ત્રીજા પગલાને મૂકવા માટે બલિની જરા પણ જમીન બાકી ના રહી. ભગવાનું બીજું પગલું ઉપરથી આગળ વધતું મહર્લોક, જનલોક અને તપલોકથી ઉપર સત્યલોક સુધી પહોંચી ગયું.
બલિ એ અદૃષ્ટપૂર્વ દેખીને શાંત રહ્યો પરંતુ દૈત્યો લેશ પણ શાંત ના રહી શક્યા. એમને થયું કે આ બ્રાહ્મણ નથી પરંતુ દેવોની કાર્યસિધ્ધિ સારુ યજ્ઞમંડપમાં આવેલો મહામાયાવી સ્વાર્થી વિષ્ણુ છે. એનો નાશ કરીને મહારાજા બલિને બનતી બધી રીતે મદદ કરવી જોઇએ. દુર્ભાવથી પ્રેરાયલા દૈત્યો વામન ભગવાનને મારવા માટે તૂટી પડ્યા. ભગવાનના પાર્ષદોએ એમનો સામનો કરવાની તૈયારી કરી. બંને વચ્ચે સંઘર્ષની શક્યતા જોઇને શુક્રાચાર્યના શાપનું સ્મરણ કરીને બલિએ એમને યુદ્ધ કરતાં અટકાવી દીધા. એણે જાણી લીધું કે કાળ અત્યારે અનુકૂળ નથી રહ્યો.
બલિના અભિપ્રાયને સમજી લઇને ભગવાનના પાર્ષદોથી હારેલા દૈત્યો તથા દૈત્યસેનાપતિઓ રસાતલમાં ચાલ્યા ગયા. એ પછી ભગવાનની સુચનાનુસાર ગરુડે બલિને વરૂણના પાશથી બાંધી દીધો. ભગવાને બલિને ત્રીજા પગલા જેટલી બાકી રહેલી જમીન આપવા કહ્યું પરંતુ એની પાસે હવે એનું કહેવાય એવું હતું જ શું ? ભગવાને એની સઘળી સંપત્તિ લઇ લીધેલી. એને માટે અસત્યભાષીને મળનારું નરક જ બાકી રહેલું. તો પણ એ સહેજ પણ અસ્વસ્થ ના બન્યો. આખરે એ ભક્તરાજ પ્રહલાદનો સુસંસ્કારી પૌત્ર હતો ને ? એણે ભગવાનની આગળ પોતાના મસ્તકને ધરીને એમને એની ઉપર પગલું ભરવા કહ્યું. એને બંધનનો, નરકનો, સંપત્તિના નાશનો, મરણનો કે બીજા કશાનો ભય નહોતો લાગતો; કેવળ અપયશનો ભય લાગતો હતો. એણે ભગવાનને જણાવ્યું કે અમે જ્યારે સંપત્તિ, શક્તિ અથવા સત્તાના નશાથી અંધ અથવા ઉન્મત્ત બની જઇએ છીએ ત્યારે અમને દંડ દઇને તમે અમારી બુદ્ધિને ઠેકાણે લાવો છો. તમારા એ દંડને હું આશીર્વાદરૂપ સમજું છું. તમારા એ ઉપકારને હું નથી ભૂલી શકતો ને નહિ ભૂલી શકું. સંપત્તિ તથા સુખોપભોગને લીધે જીવ જડ બની જાય છે. તમે તેને તમારી કૃપાસુધાથી સદા જાગ્રત કે સજીવન કરો છો.
*
ભગવાને બલિને એનાં સ્વજનો સાથે સુતલલોકમાં જવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે ત્યાં હું હંમેશા તારી પાસે રહીને તારી ને તારાં સ્વજનોની રક્ષા કરીશ. એ લોકમાં રહેનારાને મારી અસાધારણ અનુકંપાનો અનુભવ થાય છે અને શારીરિક કે માનસિક રોગનો, થાકનો, જડતાનો, અંદર તથા બહારના શત્રુઓથી પરાજયનો અને કોઇ જાતનાં નાનાં મોટાં વિઘ્નોનો સામનો નથી કરવો પડતો.
ભગવાનની કૃપાથી બલિને વરુણના પાશમાંથી મુક્તિ મળી. એ અન્ય અસુરો સાથે સુતલલોકની દિશામાં ચાલી નીકળ્યો. ભગવાનના આદેશને અનુસરીને ભક્તપ્રવર પ્રહલાદે પણ સુતલલોકમાં જવાની તૈયારી કરી.
એ પછી ભગવાનની આજ્ઞાથી શુક્રાચાર્યે બલિના યજ્ઞની ક્ષતિને દૂર કરીને યજ્ઞની સુખદ શાંતિપૂર્ણ પૂર્ણાહુતિ કરી.
ઇન્દ્રને સ્વર્ગના ને બીજા રાજ્યની પ્રાપ્તિ થઇ. એણે વામન ભગવાનને ઉપેન્દ્રનું પદ પ્રદાન કર્યું. એ રીતે એને બેવડો લાભ થયો – રાજ્ય પણ મળી ગયું ને ભગવાનની સર્વશક્તિશાળી છાયા પણ સાંપડી રહી. જેના પર ભગવાનની કૃપા થાય તેને કયી વસ્તુની કમી રહી શકે ?