Sunday, 22 December, 2024

Basti (બસ્તિ)

280 Views
Share :
Basti (બસ્તિ)

Basti (બસ્તિ)

280 Views

अथ बस्तिः ।

नाभिदघ्नजले पायौ न्यस्तनालोत्कटासनः ।
आधाराकुञ्चनं कुर्यात्क्षालनं बस्तिकर्म तत् ॥२६॥
गुल्मप्लीहोदरं चापि वातपित्तकफोद्भवाः ।
बस्तिकर्म प्रभावेण क्षीयन्ते सकलामयाः ॥२७॥
धान्त्वद्रियान्तः करणप्रसादं दधाच्च कान्तिं दहनप्रदीप्तम् ।
अशेषदोषोपचयं निहन्याद् अभ्यस्यमानं जलबस्तिकर्म ॥२८॥

હઠયોગ પ્રદીપિકામાં બસ્તિ વિશે આ પ્રમાણેનો ઉલ્લેખ જોવા મળે છે. બસ્તિ મોટા આંતરડાને શુદ્ધ કરવા માટેની ક્રિયા છે. નેતિ અને ધોતિક્રિયા સિદ્ધ થયા પછી બસ્તિક્રિયા કરવી.  બસ્તિ બે પ્રકારની છે – જળ બસ્તિ અને શુષ્ક બસ્તિ. જળ બસ્તિમાં આંતરડાને શુદ્ધ કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે શુષ્ક બસ્તિમાં વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.

જળ બસ્તિ

આ ક્રિયાને એનિમા સાથે સરખાવી શકાય પરંતુ એનિમા લેવા માટે ટયૂબ અને એનિમા પાત્ર વાપરવામાં આવે છે જ્યારે બસ્તિ ક્રિયા કરવામાં કોઈ બાહ્ય સાધનની જરૂર નથી પડતી. યોગની ક્રિયાઓ – ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા (જેના વિશે અન્ય લેખમાં ઉલ્લેખ કરવામાં આવશે) વડે શૂન્યવકાશનું નિર્માણ કરીને પાણીને ગુદાદ્વાર વાટે શરીરની અંદર ખેંચવામાં આવે છે. આથી બસ્તિ ક્રિયા કરનારે સૌપ્રથમ તે ક્રિયાઓમાં નિપુણતા મેળવવી જરૂરી છે.

નાભિ ડૂબે ત્યાં સુધીના જળમાં પ્રવેશ કરી ઉભા રહો અથવા તો પાણી ભરેલા ટબમાં કમર સુધી ડુબે તે રીતે ઉભડક બેસી જાઓ. હવે ઉડ્ડિયાન બંધ કરો, બંને નળોને ઉપર ઉઠાવી આધારચક્રને સંકોચો. આમ કરવાથી શૂન્યવકાશનું નિર્માણ થશે અને પાણી ગુદાદ્વાર વાટે આપોઆપ શરીરમાં પ્રવેશી મોટા આંતરડામાં દાખલ થશે. જ્યારે પાણી પૂરતા પ્રમાણમાં દાખલ થાય ત્યારે નૌલિક્રિયા કરવાનો આરંભ કરો. આમ કરવાથી અંદર ગયેલું પાણી અંદર રોકાઈને ફરતું થશે. ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા વારાફરતી કરતા રહો જ્યાં સુધી આંતરડાને સાફ કરવા માટે જરૂરી પાણી પૂરતા પ્રમાણમાં અંદર ન આવી જાય.

નૌલિક્રિયા કરવાથી પાણી આંતરડામાં ફરશે. મૂલ બંધ દ્વારા ગુદાદ્વારને રોકી રાખો. લગભગ દસ-પંદર મિનિટ સુધી આ રીતે પાણીને આંતરડામાં ફરવા દો. પછી ગુદાદ્વારથી (મળદ્વારથી) તેનો ત્યાગ કરો. આમ કરવાથી મોટું આંતરડું સાફ થશે. બંધકોશને કારણે આંતરડામાં જામી રહેલી પાચનમાર્ગની અશુદ્ધિઓ પાણી સાથે બહાર નીકળી જશે.

જ્યારે આ ક્રિયા બે-ત્રણ વાર કરવામાં આવશે ત્યારે બધી જ અશુદ્ધિઓ નીકળી જશે અને ત્યારપછી અશુદ્ધિઓ વગરનું લગભગ નીતર્યું પાણી મળદ્વાર મારફત બહાર નીકળશે. ત્યારે બસ્તિ ક્રિયા પૂર્ણ થઈ ગણાશે.

શરૂઆતમાં બસ્તિ ક્રિયા કરનારને કોઈ બાહ્ય સાધનની મદદ વિના માત્ર યોગની પ્રક્રિયાઓથી પાણીને અંદર ખેંચવામાં સફળતા ન પણ મળે. તો એ કિસ્સામાં તેઓ ગુદાદ્વારમાં પાતળી અને સુંવાળી નળી દાખલ કરી શકે અને ઉડ્ડિયાન બંધ દ્વારા પાણીને અંદર ખેચવાનો પ્રયત્ન કરે. ત્યારબાદ તેઓ નૌલિક્રિયા દ્વારા પાણીને અંદર ફેરવે અને પછી ગુદામાર્ગ દ્વારા બહાર કાઢી નાખે.

એનિમા

જે વ્યક્તિઓને આમ કરવું પણ અનુકૂળ ન આવે તેઓ એનિમા લઈ પણ આંતરડાની અશુદ્ધિઓ દૂર કરી શકે છે. જો કે યોગના પુસ્તકોમાં એનિમાનો ઉલ્લેખ નથી, પરંતુ એ ક્રિયાથી પણ સરળતાથી શુદ્ધિનું કાર્ય કરી શકાતું હોવાથી અને એનિમા માટેના સાધનો બધી જગ્યાએ ઉપલબ્ધ હોવાથી એનો આધાર લેવામાં કાંઈ ખોટું નથી. કારણ આપણું ધ્યેય આંતરડાની આંતરિક સફાઈનું જ છે.

એનિમા લેવાની પદ્ધતિનો સૌને ખ્યાલ હશે જ પરંતુ અહીં તેનો આછોપાતળો ઉલ્લેખ કરી લઈએ. એનિમા પાત્રને હુંફાળા પાણીથી ભરો. પાણીનું તાપમાન આશરે 100 ફેરનહિટ હોય તો યોગ્ય રહેશે. તેમાં જરૂરત લાગે તો થોડું લીંબુ નીચવી શકાય અથવા થોડું મીઠું પણ ઉમેરી શકાય. એનિમા પાત્રમાંથી નળી વાટે થોડું પાણી વહી જવા દો જેથી નળીમાં પરપોટા કે હવા ન રહે. ત્યાર બાદ જમીન પર ઉંધા કે પડખાભેર સૂઈ જાવ. ટ્યૂબના છેડાને ગુદાદ્વારની (મળદ્વારની) અંદર નાખો (આશરે ચાર-પાંચ ઈંચ અંદર) અને વાલ્વ ખોલો. પાણી આંતરડામાં જશે અને જ્યારે પાણી ખલાસ થવા આવે ત્યારે વાલ્વ બંધ કરી દો અને નળીને ધીરેથી ગુદાદ્વારમાંથી બહાર કાઢો. ત્યારબાદ ઉપર દર્શાવ્યા પ્રમાણે નૌલિક્રિયા કરો.

શુષ્ક બસ્તિ

શુષ્ક બસ્તિમાં ઉત્કટાસન કરી સૂર્ય નાડિ ચલાવી આધાર ચક્રને ખુલ્લું કરો. પછી ગુદાના સંકોચન અને વિસ્તરણની ક્રિયા દ્વારા વાયુને આંતરડા અને ઉદરમાં ભરો. ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા વારાફરતી કરવાથી શૂન્યવકાશ ઉદભવ થશે અને વાયુ શરીરની અંદર આપોઆપ ખેચાશે. જ્યારે પૂરતી હવા શરીરની અંદર ખેંચાય ત્યારે પેટના સ્નાયુઓને ઢીલા મૂકી દો અને અંદર શોષાયેલી હવાને અધો વાટે બહાર કાઢો.

સાવધાની

શુષ્ક બસ્તિ કરવી વધુ કઠિન છે અને યોગમાર્ગમાં આગળ વધેલા સાધકોએ યોગ્ય અનુભવી કે ગુરુના માર્ગદર્શન હેઠળ જ એને કરવી. કારણ કે યોગ્ય રીતે તેને ન કરવામાં આવે તો આંતરડા અને પાચનમાર્ગના પથમાં વાયુના ભરાવાથી અને દબાણથી નુકસાન થવાનો સંભવ રહે છે તથા છાતી અને હૃદયના પ્રદેશમાં ગભરામણ થવાની પણ શક્યતા રહેલી છે.

આંતરડાની નિર્બળતા, ક્ષતિયુક્ત સંગ્રહણી, હૃદયની નિર્બળતાવાળા વ્યક્તિઓએ આ ક્રિયા ન કરવી. ભગંદર, મલાશય અને ગુદામાં સોજો હોય તથા શ્વાસની તકલીફવાળા, જ્વરપિડીત લોકોએ બસ્તિક્રિયા ન કરવી.

બસ્તિક્રિયા ખાલી પેટે જ કરવી. બસ્તિક્રિયા શુદ્ધિ જરૂરી હોય ત્યારે જ કરવી. અવારનવાર કરવાથી તે વ્યસનરૂપ બની જવાનો અને બસ્તિક્રિયા કર્યા વગર મળશુદ્ધિ ન થવાનો સંભવ રહે છે.

ફાયદા

જલબસ્તિ કરવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત બને છે અને બંધકોશ નાબૂદ થાય છે. બસ્તિકર્મથી સપ્તધાતુની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. બસ્તિ ક્રિયાથી શરીરની અંદર નવી કાંતિ આવે છે અને તન-મન વધુ યુવાન બને છે. પેટ સાફ રહેવાથી મનની પ્રસન્નતા સહજ રહે છે. વાત, પિત્ત અને કફની સમતા થાય છે જેથી વાતજન્ય, પિત્તજન્ય અને કફજન્ય વિકારો મટે છે. દેહની કાંતિ વધે છે. ગુલ્મ, પ્લીહા, પ્રમેહ, જલોદર તથા અજીર્ણ જેવા રોગો મટે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *