Thursday, 29 February, 2024

દીકરી (બેટી) બચાવો નિબંધ

76 Views
Share :
દીકરી (બેટી) બચાવો નિબંધ

દીકરી (બેટી) બચાવો નિબંધ

76 Views

“દીકરી અભિશાપ નહીં વરદાન છે,
દીકરી સૃષ્ટિનો આધાર છે,
દીકરી આંખનો તારો નથી,
દીકરી તો તુલસીનો ક્યારો છે.”

દીકરી કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. સમગ્ર સૃષ્ટિનો આધાર છે. જીવન એનો અધિકાર છે, તો શિક્ષા તેનું હથિયાર છે. આ એ જ ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં દીકરીને નારી શક્તિ, માં જગદંબા, અંબા, દુર્ગા, શક્તિનો અવતાર કહી તેની પૂજા કરવામાં આવતી હતી. આ એ જ દેશ છે કે જ્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના પોતાના રાજ્યની રક્ષા માટે તલવાર ઉપાડી અંગ્રેજો સામે જંગે ચડી હતી.

આ એ જ દેશ છે, જેમાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઇ આવી હતી. આ એ જ દેશ છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવી દીકરી અંતરિક્ષમાં પણ ઉડાન ભરી ચૂકી છે. આ એ જ દેશ છે, જેમાં શિલા દીક્ષીત, વસુંધરા રાજે, મમતા બેનરજી, જય લલિતા, આનંદીબેન પટેલ વગેરે મુખ્યમંત્રી તથા ઇન્દિરા ગાંધી જેવા વડા પ્રધાન તથા પ્રતિભાદેવી પાટીલ જેવા રાષ્ટ્રપતિ બનનાર મહિલાઓ છે.

પી.ટી. ઉષા અને એમ. સી. મેરીકોમ, સાનિયા મિર્ઝા તથા મિતાલી રાજ જેવી મહિલા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં પોતાનું તથા ભારતનું નામ ઉજાગર કરી રહી છે. આવા ભવ્ય ભૂતકાળનો વારસો અને સંસ્કારિતતા ધરાવતા દેશને કયું ગ્રહણ લાગી ગયું છે કે આજે તે આ નારી શક્તિનો ભોગ લેવા મંડી પડ્યો છે; તેને ભાર સમજવા લાગ્યો છે; તેને ધરતી પર અવતરવામાં અવરોધ ઊભો કરી રહ્યો છે; તેની સાથે પક્ષપાત કરતો કરી રહ્યો છે.

ઇ.સ.2011 ની ભારતની રાષ્ટ્રીય વસ્તી ગણતરીના જાતિ પ્રમાણનો આંકડો જોઈએ તો ખ્યાલ આવે છે કે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તેમની સ્તિથિ કેવી છે? આ આંકડા બતાવે છે કે નારી વગરની આવતી કાલ કેવી ભયાનક હશે? ભારતના હરિયાણા રાજ્યમાં દર હજાર પુરુષે સ્ત્રીનું પ્રમાણ માત્ર 879 છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણમાં આ પ્રમાણ 618 છે. જે ખૂબ ચિંતાજનક છે.

ગુજરાતમાં આ પ્રમાણ 919 છે. જે અન્ય રાજ્યો કરતા થોડું સારું છે. સૌથી વધુ જાતિ પ્રમાણ 1084 કેરલ રાજ્યમાં છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સમગ્ર ભારત દેશનું જાતિ પ્રમાણ 943 હતું. 2001ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણ 933 હતું. 36 સંઘના બનેલા આ દેશમાં અડધા જેટલા એટલે 17 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતના પ્રદેશોમાં જાતિપ્રમાણ દેશના જાતિપ્રમાણ 943 કરતાં પણ ઓછું છે, એટલે અડધા દેશનું જાતિપ્રમાણ દેશના સરેરાશ જાતિપ્રમાણ કરતાં ઓછું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.

આમ, સ્ત્રીઓનુ નીચું પ્રમાણ જોતાં આપણાં વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓને બચાવવા માટે તથા તેને શિક્ષિત બનાવવા માટે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત તેમણે હરિયાણાના પાનીપતમાં 22, જાન્યુઆરી, 2015 થી આખા દેશમાં કરી છે. હરિયાણા રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે

તેથી આ આંદોલનની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી હતી. હરિયાણા સરકાર પણ દીકરીઓની દશા સુધારવા માટે તથા એમને સામાજિક તથા આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે, લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ‘બેટી કી લોહરી’ નામનો કાર્યક્રમ કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો દીકરીઓનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. જે વિજ્ઞાન આપણાં માટે વરદાનરૂપ સાબિત થવું જોઈએ તે દીકરીઓના જન્મની બાબતમાં અભિશાપ બન્યું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં આધુનિક સોનોગ્રાફી મશીનોને કારણે માતાના ગર્ભમાં જ ભ્રુણનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો તે સ્ત્રી હોય તો તેની ભ્રુણહત્યા કરી દેવામાં આવે છે. આવું પાપ છેલ્લા કેટલાય દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે.

જોકે સરકારે આને ગેરકાયદેસર જાહેર કર્યું છે અને લિંગ પરીક્ષણ કરવું એ ગુનો છે છતાં કેટલાક તબીબો તથા માતપિતા આ દુરાચાર કરવા પ્રેરાય છે. જેને કારણે આજે સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. સમાજમાં રહેલા લૈંગિક ભેદભાવને કારણે આ પ્રથા અસ્તિત્વમાં આવી છે. જો આવુને આવું જ ચાલતું રહ્યું તો સંસારનું ચક્ર કેવી રીતે ચાલશે? વહુ ક્યાથી આવશે? જો વહુ જોઈએ છે તો દીકરીને જન્મ આપવો જ પડશે.

જો વહુ નોકરી કરતી, ભણેલી ગણેલી જોઈતી હશે તો તેને શિક્ષણ આપવું જ પડશે. જો નારી શક્તિ નહીં રહે તો આ સૃષ્ટિ પર જન્મદાતા કોણ બનશે? આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *