Friday, 20 September, 2024

ભાગવત વેદવિરોધી નથી

270 Views
Share :
ભાગવત વેદવિરોધી નથી

ભાગવત વેદવિરોધી નથી

270 Views

 

ભાગીરથીના પવિત્ર પ્રવાહનું પ્રાકટય હિમાચ્છાદિત પર્વતપ્રદેશના ગોમુખ ધામમાં થતું દેખાય છે. ગોમુખથી આગળ વધીને એ પ્રવાહ ગંગોત્રીની પાસે આવે છે. અને એ પછી તો કેટલાય ભૂમિભાગોમાં ફરી વળે છે. ગંગોત્રીથી આગળ પ્રવાહિત થઇને ઉત્તરકાશીમાં, ટિહરીમાં ભીલંગના નદીનો સુભગ સંગમ થાય છે ત્યાં, અને એ પછી દેવપ્રયાગના પવિત્ર પુણ્યપ્રદેશમાં બદરીનાથથી વહી આવતી આકર્ષક અલકનંદા સાથેના સુમધુર નયનમનોહર સંગમમાં એનું જ અવલોકન કરી શકાય છે. એ પછી પણ એનો અંત આવે છે ખરો ? ના. અનુભવીઓ સારી પેઠે જાણે છે કે એ પછી ગંગા નામ ધારીને એજ ભાગીરથી ઊંચાઊંચા પર્વતપ્રદેશનો પરિત્યાગ કરીને સ્વૈરવિહાર કરવાની અભિલાષાથી પ્રેરાઇને સપાટ પ્રદેશમાં હૃષીકેશ અને હરિદ્વાર આગળ આવે છે અને વળી પાછી કાનપુર, પ્રયાગરાજ તથા કાશીની ધરતીને મહિમામયી કરવા માટે પહોંચી જાય છે. એ ભૂમિને પોતાના પરમ રસથી પરિપ્લાવિત કરીને કલકત્તામાં એ ખૂબ જ વિશાળ બને છે, સાગરમાં સમાવા સારુ અવનવું રૂપ ધરે છે, ને છેવટે ગંગાસાગરની આગળ સાગરમાં મળે છે. ગોમુખમાંથી પ્રકટીને પ્રવાહિત થનારી ભાગીરથી ગંગાનો દેહ ઉત્તરોત્તર વિસ્તરે છે. ગોમુખમાં અને ગંગાસાગર સુધીનાં અને એ પછીનાં બીજાં બધા સ્થળોમાં એ ભાગીરથી અથવા ગંગા જ કહેવાય છે. છતાં પણ જો કોઇ એમ કહે કે હું તો ગોમુખની કે ગંગોત્રીની જ ગંગાને માનું છું ને તે પછીની ઉત્તરકાશીની, ટિહરીની, હૃષીકેશની, હરિદ્વારની, કાનપુરની, પ્રયાગરાજની, કાશીની, કલકત્તાની તથા ગંગાસાગરની ગંગાને નથી માનતો તો તેના કથનને આપણે કેવું માનીશું ? આદર્શ અથવા વાસ્તવિક નહિ જ માનીએ પરંતુ અજ્ઞાનમૂલક, ભૂલભરેલું કે ભ્રાંત સમજીશું.

ભારતવર્ષના શુદ્ધતમ સનાતન સાંસ્કૃતિક પ્રવાહનું પણ એવું જ છે. એ પ્રવાહનું પ્રાકટય વેદોમાં થાય છે ખરું, પરંતુ એ પછીથી એ પ્રવાહ આગળ વહેતો જ નથી ને ત્યાં જ પરિસમાપ્તિએ પહોંચે છે એવું નથી સમજવાનું. વેદોમાં પ્રાદુર્ભાવ પામેલો ભારતની પવિત્રતમ સાંસ્કૃતિક ગંગાનો એ પુણ્યપ્રદાયક પ્રવાહ ઉપનિષદોમાં આવિર્ભાવ પામે છે, અને ષટદર્શન, રામાયણ, મહાભારત તથા ભાગવત જેવા પુરાણગ્રંથો અને ગીતામાં પણ એ જ પુણ્યપ્રવાહનું દર્શન થાય છે. ત્યાં પણ એ પ્રવાહની પરિસમાપ્તિ નથી થતી. એ પુણ્યપ્રવાહ છેવટે બુદ્ધ અને શંકરના યુગમાં આવે છે, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય ને વલ્લભાચાર્ય, તિરુવલ્લુર, ગુરુ નાનકદેવ, ચૈતન્ય મહાપ્રભુ, કબીર, સમર્થ રામદાસ, તુકારામ, સંતશિરોમણી જ્ઞાનેશ્વર, સુરદાસ તથા તુલસીદાસના જમાનામાં આવે છે અને આખરે રામકૃષ્ણ પરમહંસદેવ, વિવેકાનંદ, દયાનંદ, રામતીર્થ, ટાગોર, શ્રી અરવિંદ અને રમણ મહર્ષિ જેવા મહાત્મા પુરુષોના તેમજ ગાંધીજી સરખા યુગપુરુષ અથવા યુગપ્રવર્તકના આધુનિક રૂપમાં પુનરાવતાર પામે છે. ભારતની સાધના અને સંસ્કૃતિનો ગંગાપ્રવાહ એવો વિશદ અને વિરાટ છે તથા ભવિષ્યમાં વધારે ને વધારે વ્યાપક ને વિશાળ બનશે. એ પ્રવાહને માટે આપણને-પ્રત્યેક ભારતવાસીને માન છે અને હોવું જોઇએ. ભારતીય સંસ્કૃતિનું હૃદય એ જુદા જુદા જણાતા પ્રવાહોમાં પ્રકટ થયું છે. છતાં પણ કેટલાક લોકો, સામાન્ય લોકો જ નહિ પરંતુ મોટા મોટા વિદ્વાનો પણ, એવું કહે છે કે અમે તો એક વેદને જ માનીએ છીએ ને તે સિવાયના ગીતા, રામાયણ, મહાભારત કે ભાગવત જેવા બીજા કોઇયે ધર્મગ્રંથને નથી માનતા, તેને વાંચવા, વિચારવા, સાંભળવા કે સ્પર્શ કરવા પણ નથી માગતા, ત્યારે તેમની વાત કેવી વિચિત્ર લાગે છે ? જેમ કોઇ માણસ ગોમુખની કે ગંગોત્રીની જ ગંગાને માને ને એ સિવાયના બીજા બધા જ ગંગાપ્રવાહોને માનવાનો ઇન્કાર કરે તેવી. એવી વાતને યથાર્થ ના કહી શકાય.

કેટલાકની માન્યતા એવી છે કે ભાગવત વેદવિરોધી છે, પરંતુ એ માન્યતા નિરાધાર છે. ભાગવત વેદવિરોધી નથી પણ વેદાનુકૂળ છે. વેદની પરંપરામાં જ ચાલે છે ને આગળ વધે છે. વેદોની ગૂઢતમ આત્મજ્ઞાનની વાતો સામાન્ય કે અસામાન્ય માનવોને માટે સમજવાનું ધાર્યા જેટલું સહેલું નથી. ભાગવતમાં ઠેકઠેકાણે તેમનું લોકભાગ્ય, કથાત્મક ભાષ્ય કરવામાં આવ્યું છે. મોટા ભાગના મનુષ્યોને કથાઓ પ્રત્યે રુચિ હોય છે. કથાઓ દ્વારા પીરસાયલા તત્વજ્ઞાનનો આસ્વાદ મેળવવાનું એમને સારું સરળ બને છે. એ દૃષ્ટિએ જોતાં ભાગવતનું મૂલ્ય ઓછું નથી આંકવા જેવું. મહર્ષિ વ્યાસે કુશળ મનોવૈજ્ઞાનિકની પ્રગલ્ભ પ્રતિભાનો પરિચય કરાવતાં ભાગવત જેવા મહાગ્રંથની રચના કરીને માનવજાતિનું મંગલ કર્યું છે. એમનો એ ઉપકાર અજોડ છે. એ વેદોના પ્રકાંડ પંડિત અને અનન્ય આરાધક છે. એમણે લોકહિતની પરમકલ્યાણકારી ભાવનાથી પ્રેરાઇને વેદોના વ્યવસ્થિત વિભાગો કર્યા છે. એવા વિશાળ હૃદયના વેદાનુરાગી મહાપુરુષ વેદવિરોધી વાત કેવી રીતે કરે ને વેદવિરોધી ભાગવતગ્રંથનું નવનિર્માણ પણ કેવી રીતે કરી શકે ? એમને માટે એવી અનુચિત આશંકા કે કલ્પના કરવી એ એમને ના સમજવા બરાબર, એમની ઉપર અયોગ્ય આક્ષેપ કરવા બરાબર અને એમનું જાણ્યે કે અજાણ્યે અપમાન કરવા બરાબર છે.

જે લોકો ભાગવતને વાંચવા-વિચારવાની તસ્દી નથી લેતા તે જ વધારે ભાગે એવી અનુચિત વાતોને કર્યા કરે છે. ભાગવતને વાંચવા-વિચારવાથી એવી નિરાધાર ભ્રામક વાતોનો અંત આવે છે ને સમજાય છે કે ભાગવતમાં વેદના જ સિદ્ધાંતોનું અને આદર્શોનું વિશદ વિવરણ છે, અને વેદનું સ્થળે સ્થળે સ્મરણ તથા સન્માનસૂચક વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતના પ્રથમ સ્કંધના પ્રથમ અધ્યાયમાં મંગલાચરણના ત્રીજા સુંદર શ્લોક પરથી એની પરિપૂર્ણ પ્રતીતિ થાય છે.

આ રહ્યો એ સરસ સારવાહી શ્લોકઃ

निगमकल्पतरोगर्लितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ।

पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॥ 

અર્થાત્ ભાગવત એ વેદરૂપી સુંદર સુવિશાળ કલ્પવૃક્ષનું પકિપક્વ સુમધુર ફળ છે. શુકના મુખથી ફળ જેવી રીતે ચખાતા વધારે સ્વાદિષ્ટ બને છે તેમ શુકદેવ સરખા મહાજ્ઞાની સંતશિરોમણિના શ્રીમુખના સંસર્ગથી એ અધિક અમૃતમય અને આસ્વાદ્ય બની ગયું છે. એ અમૃતરસથી ભરપુર છે. એ રસના ભંડાર જેવા ભાગવતના રસનું પાન પૃથ્વી પરના ભાવભક્તિવાળા જીવો વારંવાર કરો, રસિકો એના રસાસ્વાદનો લાભ લો, ને કૃતાર્થ બનો.

એ શ્લોકમાં ભાગવતને વેદરૂપી વિશાળ કલ્પવૃક્ષનું સ્વાદિષ્ટ સુધામય ફળ કહ્યું છે એ શું બતાવે છે ? સૌથી પહેલાં તો એ વર્ણનમાં વેદ પ્રત્યેનો આદરભાવ ને વેદના મંગલમય મહિમાનો સ્વીકાર જોવા મળે છે. વેદને સૌથી પહેલાં મનોમન પરમપુજ્યભાવે પ્રણામ કરવામાં આવે છે ને બીજી મહત્વની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ. એ મહત્વની હકીકત કયી છે ? વૃક્ષમાં રસ તો હોય છે જ પરંતુ એ રસ ફળમાં પૂરેપૂરો પ્રકટ થાય છેઃ વૃક્ષની શાખાઓમાં ને વૃક્ષનાં પાંદડાંમાં પ્રકટ નથી થતો. ફળમાં વૃક્ષના હૃદયનો, રસનો, જીવનનો અને આત્માનો આવિર્ભાવ થાય છે. એવી રીતે ભાગવતમાં વેદના અપ્રકટ રસનો પ્રકટ રીતે અવતાર થયો છે. વેદમાં જે રસ સહેલાઇથી નથી દેખાતો તે રસનો આસ્વાદ ભાગવતમાં અનાયાસે કરી શકાય છે. ભાગવત તે રસનું મૂર્તિમંત સ્વરૂપ છે. એમાં રસ જ રસ છે. એનો આસ્વાદ લેનાર રસરુપ બની જાય છે. એ શ્લોક પરથી સહેલાઇથી સમજાશે કે ભાગવત વેદવિરોધી નથી ને વેદના જ સનાતન જીવનોપયોગી સંદેશને રસમય રીતે રજૂ કરનારો એક અદભુત મંગલ મહામૂલ્યવાન મહાગ્રંથ છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *