Sunday, 22 December, 2024

ભાગવતની ફળશ્રુતિ

319 Views
Share :
ભાગવતની ફળશ્રુતિ

ભાગવતની ફળશ્રુતિ

319 Views

 

ભાગવતની ફળશ્રુતિ શું ?

ભાગવતની ફળશ્રુતિના સંબંધમાં જુદા જુદા શ્લોકો પ્રચલિત છે. તે શ્લોકોનો ઉલ્લેખ સમગ્રપણે કરવાને બદલે તેમનો સામાન્ય ઉલ્લેખ કરી જઇએ. એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ ભાગવતપુરાણનો પાઠ કરે છે તેને તે પાઠના એકેક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગૌના દાનનું ફળ મળે છે.

 

नित्यं भागवतं यस्तु पुराणं पठते नरः ।

प्रत्यक्षरं भवेत्तस्य कपिलादानजं फलम् ॥

 

બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે નિત્યપ્રતિ ભાગવત મહાપુરાણના અર્ધા અથવા અર્ધાના અર્ધા શ્લોકનો પણ પાઠ અથવા એનું શ્રવણ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે.

ત્રીજો શ્લોક કહે છે કે જે પ્રતિદિન પવિત્ર થઇને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય અઢારે પુરાણોના પાઠના ફળની પ્રાપ્તિ કરી લે છે.

 

यः पठेत् प्रयचो नित्यं श्लोकं भागवतं सुत ।

अष्टादृषपुराणानां फलमाप्नोति मानवः ॥

 

ચોથો શ્લોક કહે છે કે જ્યાં મારી રોજ કથા થાય છે ત્યાં વૈષ્ણવો વાસ કરે છે. જે મનુષ્યો ભાગવતશાસ્ત્રની પૂજા કરે છે તેમના પર કલિયુગનું શાસન નથી ચાલતું.

પાંચમાં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવતશાસ્ત્ર રહે છે ત્યાં દેવતાઓની સાથે હું સદાયે હાજર રહું છું.

છઠ્ઠો શ્લોક કહે છે કે એટલું જ નહિ પરંતુ ત્યાં સરિતા, સાગર ને સરોવરના રૂપમાં સુપ્રસિદ્ધ સઘળાં તીર્થો વાસ કરે છે. એ ઉપરાંત સર્વે યજ્ઞો, સાત પુરીઓ અને પવિત્ર પર્વતો ઉપસ્થિત રહે છે.

ભાગવતની ફળશ્રુતિનું વર્ણન કરનારા કેટલાંક બીજા પરંપરાગત સુંદર શ્લોકાર્થો આ રહ્યા :

યશ, ધર્મ, જય, પાપક્ષય તથા મોક્ષની પ્રાપ્તિને માટે હે લોકેશ ! ધર્માત્માજનોએ સદા મારા ભાગવતશાસ્ત્રનું શ્રવણ કરવું.

ભાગવતરુપી આ પાવન પુરાણ આયુ, આરોગ્ય અને શક્તિને પ્રદાન કરનાર છે. એનું પારાયણ કે શ્રવણ કરવાથી બધા પ્રકારના પાપકર્મોમાંથી મુક્તિ મેળવીને માનવ પુણ્યાત્મા બને છે.

જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં પોતાના વાછરડાની પાછળ પુત્રવત્સલા ગાય જાય છે તેમ હું પણ પહોંચી જઉં છું.

જે સર્વોત્તમ સાધનસામગ્રીથી સંપન્ન થઇને શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે છે તે મને સહેલાઇથી પોતાનો કરી લે છે.

અલબત્ત, એ ફળશ્રુતિને વિશાળ અર્થમાં લેવાની છે. ભાગવતનું પારાયણ કે શ્રવણ અને મનન જીવનમાં મહત્વના શકવર્તી ચમત્કૃતિજન્ય ફેરફારો કરી શકે છે અને એવાં ફેરફારો થતાં સર્વવિધ કલ્યાણની સિદ્ધિ થવામાં સંદેહ નથી રહેતો.

 

ભાગવતની ફળશ્રુતિનું વર્ણન પોતપોતાની મર્યાદામાં રહીને કરનારા આવા કેટલાય શ્લોકો લખાયેલા છે. એ શ્લોકો ભાગવતના પ્રેમીઓને પોતાની રીતે ઓછાવત્તા પ્રમાણમાં પ્રેરણા પાયા કરે છે. એ શ્લોકો અને એમના અર્થો એમની રીતે અગત્યના હોવા છતાં પણ ભાગવતની ફળશ્રુતિનો નિર્દેશ જુદા વધારે સારા શબ્દોમાં કરવામાં આવે એ આવશ્યક છે. એ દૃષ્ટિએ વિચારીએ તો નિસ્સંકોચપણે કહી શકાય કે ભાગવતની મુખ્ય ને મહત્વની ફળશ્રુતિ, પ્રેરણા અથવા શિક્ષાદીક્ષા માનવ સાચા અર્થમાં ભાગવત થાય અથવા ભગવાનનો બની જાય તે જ છે. જે માનવ પરીક્ષિતની પેઠે ભગવાનનો થઇ જાય છે તેનું  સમગ્ર વ્યક્તિત્વ બદલાઇ જાય છે અથવા ઉદાત્ત થાય છે. તેનો વિચાર, ભાવ અને આચાર ઉચ્ચ અને નિર્મળ બને છે. પરીક્ષિતની જેમ એ પણ ભયમુક્ત, નિર્વિકાર, શાંત ને પરમાત્માપરાયણ બની જાય છે. એ પરમાત્માની શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને પરમાત્માની પરિપૂર્ણ કૃપા મેળવી લે છે.

આજે જે જીવન વિષયોનું છે ને વિષયોનું બનતું જાય છે તેને ભગવાનનું બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિષયરસને બદલે ભગવાનનો પવિત્ર પ્રેમરસ કેળવવાનો છે. દુર્બુદ્ધિને બદલે સદબુદ્ધિની અને દુષ્કર્મોને બદલે સત્કર્મોની જીવનમાં પ્રતિષ્ઠા કરવાની છે. ભગવાનની કૃપાથી પોતાના સ્વાત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરીને કાળના ભયમાંથી મુક્તિ મેળવીને સર્વત્ર સ્વાત્મદર્શન કરતાં શીખવાનું છે. જે જગતમાં શ્વાસ લેવામાં આવે છે તે જગતને બનતી બધી જ રીતે ઉપયોગી થતાં ને તેમાં રહીને અનાસક્ત બનતાં શીખવાનું છે. ભાગવતના શ્રવણ-મનન, પઠન-પાઠન અને પારાયણથી એ પ્રયોજનોની પૂર્તિ થાય તો એની પાછળનો પરિશ્રમ સફળ સમજવો.

કેટલેક ઠેકાણે માણસો મૃતાત્માઓની સદગતિને માટે ભાગવતનો પાઠ કે ભાગવત સપ્તાહ કરાવે છે. એ પરંપરાનો આપણે વિરોધ નથી કરતા પરંતુ નમ્રાતિનમ્ર ભાવે એ પણ કહેવા માગીએ છીએ કે ભાગવતનો ઉપયોગ કેવળ મૃતાત્માઓના ઉધ્ધારને માટે કરવાને બદલે જીવંત મનુષ્યોના મંગલને માટે પણ કરાવો જોઇએ. ભાગવત મૃતાત્માઓને માટેનું મહાશાસ્ત્ર છે એવું માની-મનાવીને બેસી રહેવાને બદલે જીવંત મનુષ્યોને નિર્મળ, નીતિમાન, નિર્મમ, સેવાભાવથી ભરપૂર ઇશ્વરપરાયણ કરવાનું અને એમનો સમુધ્ધાર કરી આપવાનું જીવનશાસ્ત્ર છે એ ભૂલવું ના જોઇએ. એ જીવનને આદર્શ રીતે જીવવાની કળા શીખવે છે, અને જે આદર્શજીવન જીવે છે તેનું મરણ તો આદર્શ અથવા મંગલ બની જ જાય છે. આપણી આજુબાજુના જગતમાં કેટલાંય મનુષ્યો અવિદ્યાને લીધે જીવતાં જ દુર્ગતિ પામેલાં ને મરેલાં છે. વાસના, વિકારો, તૃષ્ણાઓ અને અહંતા-મમતાના શિકાર બનીને કેટલાંય ભૂતપ્રેતની પેઠે અમંગલ થઇને ફર્યા કરે છે. એમની અંદર સ્વસ્થતા, સ્થિરતા, પ્રસન્નતા તથા મધુમયતા નથી દેખાતી. ભાગવત એમને નવું જીવન બક્ષે છે અથવા અવનવો અવતાર આપે છે. એવા જીવંત માનવોના પુનરુધ્ધારની આવશ્યકતા કાંઇ ઓછી નથી. ભાગવત એ દિશામાં ખૂબ જ ઉપયોગી ઠરે છે. એટલે જીવનને નવીન ઓપ આપવાને માટે એનો આધાર લેવો જોઇએ. એવી રીતે જો વર્તમાન જીવનનો નવો અસાધારણ ઓપ આપવામાં આવે તો પિતૃઓ પરિતોષ અને પ્રશાંતિ પામે અને જ્યાં હોય ત્યાં ઉધ્ધારની લાગણી અનુભવે એમાં સંદેહ નથી. જીવનની એવી વાસ્તવિકતાનું ધ્યાન આપણે ત્યાં ઓછામાં ઓછું રાખવામાં આવે છે એ બરાબર નથી.

 

ભાગવતની ફળશ્રુતિ અથવા અનોખી શક્તિ વિશે પંડિત શ્રી મદનમોહન માલવીયા સંક્ષેપમાં છતાં સુંદર અને સચોટ રીતે લખે છે :

આ પવિત્ર ગ્રંથ મનુષ્યમાત્રને માટે ઉપકારક છે. મનુષ્ય જ્યાં સુધી ભાગવતને વાંચેવિચારે નહિ અને એમાં શ્રદ્ધા કરતો ના થાય ત્યાં સુધી સમજી ના શકે કે એની અંદર જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર ભરેલો છે ! ભાગવતનો અભ્યાસ કરવાથી કે લાભ લેવાથી સમસ્ત પ્રાણીઓમાં એક જ પરમાત્મા વિરાજમાન છે એવું જ્ઞાન એને થઇ જાય છે પછી એનું મન અધર્મ કરવા તરફ નથી વળતું; કારણ કે બીજાને હાનિ પહોંચાડવાનું કાર્ય પોતાને જ હાનિ પહોંચાડવા બરાબર થઇ રહે છે. એનું સમજપૂર્વકનું જ્ઞાન થવાથી મનુષ્ય સત્ય ધર્મમાં સ્થિર થાય છે, સ્વાભાવિક રીતે જ દયા ધર્મનું પાલન કરવા લાગે છે, અને કોઇયે અહિંસક અથવા નિર્દોષ પ્રાણીમાત્રને માટે દયાનો ભાવ સ્થાપિત કરવા માટે આનાથી અધિક અસરકારક અમોઘ શ્રેષ્ઠ કોઇ સાધન નથી.

માનવની સુષુપ્ત સદ્દભાવનાઓને જગાડનારા તથા ઉત્તરોત્તર પરિપુષ્ટિ કરનારા આવા આશીર્વાદરુપ લોકહિતકારી ઉત્તમ ગ્રંથનો જેટલો પણ લાભ લેવામાં આવે એટલો ઓછો છે. એના મંગલમય જ્ઞાનયજ્ઞોનું આયોજન વધારે ને વધારે પ્રમાણમાં કરવાથી સરવાળો સૌને લાભ જ થશે. મનુષ્યોના મન ને જીવન ઉદાત્ત બનશે ને તેથી સમાજ શક્તિશાળી બનશે. સમાજનું સર્વાંગીણ શ્રેય સધાશે. એની વિશદ વિચારણા થવી જોઇએ અને એ વિચારણાના નિષ્કર્ષને આચારમાં અવતરિત કરવાનો પ્રયત્ન કરાવો જોઇએ. જે પ્રજા પાસે આવું ઉત્તમોત્તમ અધ્યાત્મશાસ્ત્ર છે તે પ્રજાને માટે કશું જ અશક્ય નથી. તે પ્રજા કદી પામર ના બને કે પદદલિત પણ ના રહી શકે. સંસ્કૃતિના સર્વોત્કૃષ્ટ સનાતન માર્ગમાં એની વિજયકૂચ નિશ્ચિત છે. એનું ભાગ્ય સદાને માટે ઉજ્જવળ છે. ભૌતિક અને આધ્યાત્મિક ઉભયવિધ અભ્યુત્થાનના માર્ગે એ સફળતાપૂર્વક આગળ વધીને શકવર્તી ફાળો આપી શકશે.

ભાગવતે મનુષ્યોના મન પર પોતાનો પ્રભાવ જમાવીને રાષ્ટ્રીય ભાવાત્મક એકતાની સિદ્ધિમાં મહત્વનો સહયોગ પ્રદાન કર્યો છે. એની અસર દેશકાલાતીત છે. એણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના ભેદોને ભૂંસી નાખ્યા કે ગૌણ કર્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના સમગ્ર ભૂમિભાગમાં પોતાની આણ વરતાવી છે. ભટ્ટાદ્રિ શંકરદેવ, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, જગન્નાથદાસ, વિદ્યાપતિ, જયદેવ, સુરદાસ, મહાત્મા એકનાથ, તુકારામ, નરસી ને દયારામ સૌના પર એની છાપ દેખાય છે. એવા તો અન્ય અસંખ્ય અજ્ઞાત કે ઓછા જ્ઞાત આત્માઓને એના સંસર્ગમાં આવવાનું સૌભાગ્ય સાંપડયું હશે, આજે પણ સાંપડતું હશે ને ભવિષ્યમાં સાંપડશે. એવી રીતે દેશકાલાતીત થઇને સર્વવ્યાપક પરમાત્મતત્વમાં પ્રતિષ્ઠા પામવાથી ભાગવતની ફળશ્રુતિ સાર્થક બને છે. કારણ કે ભાગવત માનવને સ્વાર્થી નહિ પણ નિઃસ્વાર્થ બનાવે છે, સંકુચિત અને સીમિત નહિ પણ વિશાળ અને અસીમ કરે છે, અને કોઇક પ્રદેશવિશેષના કે પૃથ્વીના નહિ પરંતુ પરમાત્માના થવાની પાવની પ્રેરણા પૂરી પાડે છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *