Thursday, 30 May, 2024

શુકદેવજીને વંદન

151 Views
Share :
શુકદેવજીને વંદન

શુકદેવજીને વંદન

151 Views

 

પરીક્ષિતને એજ ભાગવતના શ્રવણનો દેવદુર્લભ અમોઘ લાભ આપીને કાયમને માટે ક્લેશમુક્ત અને કૃતાર્થ કરી દેનાર પરમભાગવત સંતશ્રેષ્ઠ શુકદેવજીનું વિસ્મરણ તો કરી શકાય જ કેવી રીતે ? એ જ્ઞાનીઓના જ્ઞાની, યોગીઓના યોગી, ભક્તોના ભક્ત અને ગુરુઓના ગુરુ છે. એમના પવિત્ર પાદપદ્મમાં પ્રેમપૂર્વક પ્રણામ કરીએ.

એ આત્માની અખંડ અનુભૂતિમાં નિમગ્ન હતા, સર્વત્ર પરમાત્માના પરમ પ્રકાશનું દર્શન કરતા. એમનો યજ્ઞોપવીત સંસ્કાર પણ સંપન્ન નહોતો થયો ત્યારે સંસારની અસારતાના અનુભવજ્ઞાનથી પ્રેરાઇને એ ગૃહત્યાગ કરીને વનમાં ચાલી નીકળ્યા તે વખતે એમના પિતા મહર્ષિ વ્યાસે વિરહથી વ્યાકુળ થઇને પુત્ર ! તું ક્યાં જાય છે ?’ એવા પીડાજનક પોકારો પાડવા માંડ્યા. એ પોકારોના પ્રત્યુત્તરમાં શુકદેવ તો કશું ના બોલ્યા પરંતુ એમના તરફથી વૃક્ષોએ-સમસ્ત સૃષ્ટિએ જવાબ આપ્યો. એ જડચેતનાત્મક સમસ્ત સૃષ્ટિની અંદર આત્મતત્વનો અખંડ અનુભવ કરતા એની સાથે એવા એકરૂપ બની ગયેલા. सर्वं कृष्णमयं जगत् અથવા हरिरेव जगत्, जगदेव हरिः ના સ્વાનુભવભાવમાં સતત સ્નાન કરીને તરબોળ બનેલા. એ ભાવ એમને સારુ શ્વાસોશ્વાસ લેવા જેટલો સ્વાભાવિક બની ગયેલો. શ્રીમદ્ ભાગવતના માહાત્મ્યના પ્રથમ અધ્યાયના દ્વિતીય શ્લોકમાં મહર્ષિ વ્યાસની વ્યાકુળતા અને શુકદેવની આત્મનિષ્ઠાનો પરિચય પ્રદાન કરતાં અત્યંત સુંદર રીતે કહેવામાં આવ્યું છે :

 

यं प्रव्रजन्तनमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरहकातर आजुंहाव ।

पुत्रेति तन्मयतया तरवोङभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोङस्मि ।।

 

એ શ્લોકમાં સંતશિરોમણિ શુકદેવને માટે સર્વભૂતહૃદયંમુનિમ્ એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. એ શબ્દપ્રયોગ સંપૂર્ણપણે સુયોગ્ય છે. એ મહામુનિ સર્વે ભૂતોના અથવા સમસ્ત સંસારના હૃદય અથવા આત્મા બની ગયેલા.

એ પ્રાતઃસ્મરણીય મહાપુરુષની લોકોત્તર મહાનતાની ઝાંખી કરાવતી એક સરસ કથા પણ જાણવા જેવી છે. મહર્ષિ વ્યાસ શુકદેવની વિરહવેદનાથી વ્યથિત થતા એક સુંદર સ્વચ્છ સરોવર પાસે પહોંચ્યા ત્યારે તેમને દૂરથી દેખીને એમાં સ્નાન કરતી સ્ત્રીઓ સંકોચમાં પડી. એ જોઇને એમની પાસે પહોંચેલા મહર્ષિને નવાઇ લાગી. તેમણે સ્ત્રીઓને પૂછ્યું કે હું તો સંસારનો સમ્યક અનુભવ કરીને પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો છું. પરંતુ અહીંથી હમણાં જ પસાર થનારો મારો પ્રિય પુત્ર શુકદેવ હજુ ઉછરતી ઉંમરનો હોવા છતાં એને અવલોકીને તમને સહેજ પણ સંકોચ ના થયો તે શું આશ્ચર્યકારક નથી લાગતું ?

પેલી સુકુમારી સૌંદર્યવતી સ્ત્રીઓએ એ સાંભળીને ઉત્તર આપ્યો કે એમાં આશ્ચર્યકારક કહેવાય એવું કશું જ નથી. તમે પરમ વિદ્વાન છો, વયમાં મોટા છો; અને સંસારનો અનેકવિધ અનુભવ કરી ચૂક્યા છો એ સાચું છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે તમારી અંદર હજુ સ્ત્રી અને પુરુષની ભેદદૃષ્ટિ વિદ્યમાન છે. તમે સ્ત્રીને સ્ત્રી તરીકે અને પુરુષને પુરુષરૂપે જુઓ છો. એવું દ્વૈતભાવની અનુભૂતિ કરનારું મન કદીક બગડે કે વિકારવશ થાય પણ ખરું. પરંતુ તમારા સુપુત્ર શુકદેવની અવસ્થા અતિશય અલૌકિક અને અનોખી છે. એ તો કેવલાદ્વૈતભાવની પરમાનુભૂતિમાં પ્રતિષ્ઠિત હોઇ પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું જોતાં નથી. સ્ત્રી અને પુરુષના પાર્થિવ ભૌતિક ભેદમાંથી એમનું મન મુક્તિ મેળવીને અખંડ બ્રહ્માકારવૃત્તિમાં સ્થિર રહે છે. એ ચાલે છે ત્યારે ચાલતા હોય એવું પણ નથી લાગતું. એમને અવલોકીને અમને સહેજ પણ સંકોચ ના થાય એ સમજી શકાય તેવું છે.

મહર્ષિ વ્યાસ એમનો પ્રત્યુત્તર સાંભળીને સંતોષ પામ્યા. એ પ્રત્યુત્તર સંપૂર્ણ સાચો હતો એની પ્રતીતિ થઇ.

એવા આત્મદર્શી, આત્મરત, આત્મનિષ્ઠ ઋષિશ્રેષ્ઠ શુકદેવને પ્રેમપૂર્વક પ્રણામ છે ! એમનું મન નિત્યનિરંતર પરમાત્મામાં જ રમતું રહેતું. તો પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના પરમ પ્રેમથી પ્રેરાઇને, સમાધિની અતીન્દ્રિય અવસ્થાને કામચલાઉ તિલાંજલિ આપીને, ભાવસમાધિમાં લીન બનીને, શ્રીમદ્ ભાગવતનું અસાધારણ રસાસ્વાદન કરાવ્યું છે; એવી રીતે એમણે એકલા પરીક્ષિત પર નહિ પરંતુ સમસ્ત સંસાર પર ઉપકાર કર્યો છે.

જીવનની ઉત્તરાવસ્થામાં શાપ સાંપડતાં મૃત્યુની સમીપતા સમજીને પોતાના  જીવનના આત્યંતિક કલ્યાણને માટે શુકદેવજીના જેવા લોકોત્તર સિદ્ધ સદગુરુની શરણાગતિને સ્વીકારીને જીવનની ધન્યતાની પ્રાપ્તિ કરનારા પરીક્ષિતને પણ પ્રણામ કરીએ. એમણે ભાગવતનું રસપાન કરવાની સાથે સાથે અન્ય અનેકને અનંતકાળ સુધી એના રસપાનનો લહાવો પુરો પાડ્યો છે. આદર્શ જિજ્ઞાસુ મુમુક્ષ કે શરણાગત શિષ્ય કેવો હોય તે જો જાણવું હોય તો એમના જીવન દ્વારા સહેલાઇથી જાણી શકાય છે. મુક્તિ અથવા પૂર્ણતાની પ્રાપ્તિમાં અને પરમાત્માના સાક્ષાત્કારમાં વિશેષ વિલંબ નથી લાગતો પરંતુ તેને માટે પૂર્વ તૈયારીરુપે, પરીક્ષિત જેવી પિપાસા જોઇએ. પરીક્ષિતના જીવન દ્વારા એ પદાર્થપાઠની પ્રાપ્તિ થાય છે. લૌકિક તથા પારલૌકિક પદાર્થો પરથી ઉપરામ બનેલું મન સદગુરુના ચારુ ચરણમાં ચોંટી એમની નિર્દિષ્ટ સાધનાનુસાર ભાવભક્તિથી આગળ વધવા માંડે છે ત્યારે પ્રમાણમાં ઘણા ઓછા વખતમાં ક્લેશોમાંથી મુક્તિ મેળવે છે. પરીક્ષિતનું જીવન એની પરિપૂર્ણ પ્રતીતિ કરાવે છે.

પુરાણોના અધિકૃત વક્તા, પરમાત્માપરાયણ શ્રી સૂતજીને અને પરમજિજ્ઞાસુ શૌનકને પણ વંદન કરીએ. સૂતજી શુકદેવજીના સુયોગ્ય શિષ્ય છે. એ ભાતભાતની ભગવદવિષયક કથાઓના ભંડાર છે. શૌનક જેવા અસંખ્ય સત્પુરુષો એમના સુખદ સમાગમથી તેમજ પવિત્ર જ્ઞાનવર્ષણથી ધન્ય બન્યા છે. એ ભગવાનના ને ભગવદભક્તોના ગુણગાન કરતા થાકતા કે કંટાળતા ને પરિતૃપ્તિ પામતા નથી.

એ બંનેનો સુખદ સમાગમ જ્યાં બીજા કેટલાય ઋષિઓ સાથે થાય છે તે નૈમિષારણ્યની ભૂમિને પ્રણામ છે ! ગંગાતટવર્તી જે પરમપ્રદેશમાં પરીક્ષિત તથા શુકદેવનો સુખદ સમાગમ થયો ને ભાગીરથીના કલ્યાણકારક પીયૂષપ્રવાહનું પ્રાક્ટય થયું તે પુણ્યપ્રદેશને અને સંતશિરોમણિ શુકદેવની પવિત્ર પદરજથી પાવન બનનારી પૃથ્વીને પણ પ્રણામ હો !

ભારતભૂમિને વંદન હો ! સમસ્ત બ્રહ્માંડને વંદન હો ! સંતોને, તપસ્વીઓને, આપ્તકામ જ્ઞાનીજનોને, ભક્તોને તથા મુમુક્ષુઓને વંદન હો ! ભારતીય સંસ્કૃતિને અને એના પ્રાણનું પ્રતિનિધિત્વ કરતા ગ્રંથરત્ન ભાગવતને પણ પ્રણામ હો ! એ મહાગ્રંથ સાધકોની શંકા-કુશંકાઓનું નિરસન કરે છે ને ભેદભાવ, અશાંતિ અને અવિદ્યાથી આવૃત્ત આત્માઓને નવો પ્રેરક પ્રકાશ ધરે છે. એણે જીવનની નવી દૃષ્ટિ બક્ષી છે ને જીવનસાધનાને સરળ તથા સ્પષ્ટ કરી છે. આજે પણ એની અગત્ય એટલી જ, બલકે એથી પણ અધિક છે. સાંપ્રત સમયમાં માનવનું મન જ્યારે ભાતભાતની અશાંતિ, અસ્વસ્થતા, ભેદભાવના ને ભયવૃત્તિથી ઘેરાઇ ગયું છે ને ઘેરાઇ રહ્યું છે ત્યારે ભાગવત ઘણો મહત્વનો ફાળો આપી શકે તેમ છે. એનું શરણ લેનાર પ્રકાશની પ્રાપ્તિ કરશે ને જીવનની અનેકવિધ અટપટી સમસ્યાઓનો સુખદ સર્વાંગીણ ઉકેલ મેળવશે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *