Sunday, 8 September, 2024

ભાગવતનું માહાત્મ્ય

227 Views
Share :
ભાગવતનું માહાત્મ્ય

ભાગવતનું માહાત્મ્ય

227 Views

 

श्री भागवतरूप नत् पूज्येदभक्ति पूर्वकम् ।

अर्चकाया खिलान् कामान् प्रयच्छंति न संसय़ः ॥

 

ભારતમાં ગ્રંથો-વિશેષ કરીને અધ્યાત્મગ્રંથોના માહાત્મ્યની પરિપાટી પ્રાચીન કાળથી પ્રવર્તમાન છે. માહાત્મ્યમાં તે તે ગ્રંથરત્ની વિશેષતા અથવા વિલક્ષણતાનું વર્ણન કરવામાં આવે છે અને એના મહિમાનું જયગાન કરવાની સાથે સાથે એના આશ્રયથી મળતા નાના ને મોટા, ભૌતિક અને આધ્યાત્મિક લાભોનું રેખાચિત્ર રજુ કરવામાં આવે છે. એમનું પ્રધાન પ્રયોજન માનવના અંતરને એની તરફ અનુપ્રાણિત કરવાનું, એને માટે ભાવ જગવવાનું અને એ ગ્રંથવિશેષના શ્રવણ મનન અથવા નિદિધ્યાસનનો લાભ આપીને એનું સર્વવિધ અને મુખ્યત્વે આધ્યાત્મિક શ્રેય સાધવાનું હોય છે. માહાત્મ્યથી માનવની ગ્રંથવિષયક જિજ્ઞાસાવૃત્તિનું શમન તો ઓછેવત્તે અંશે થાય જ છે પરંતુ સાથે સાથે આ ગ્રંથના પઠનપાઠન કે પારાયણથી લાભ શો, એથી કોઇ વિશિષ્ટ લૌકિક કે પારલૌકિક હેતુ સધાય છે કે કેમ, એવા કોઇક હેતુની સિદ્ધિની સામાન્ય જેટલીય શક્યતા હોય તો એ ગ્રંથનો આશ્રય લઉં, એવી માનવમનની ભાવનાને જવાબ જડે છે. એ રીતે પણ માનવ એ સદ્દગ્રંથ તરફ વળે છે, એનો રસાસ્વાદ લેતો થાય છે, ને છેવટે એક અથવા બીજા પ્રકારે એનું શ્રેય સધાય છે. ગ્રંથોના માહાત્મ્ય પાછળની દૃષ્ટિ એવી રીતે સર્વોપયોગી, શ્રેયસ્કરી તથા મનોવૈજ્ઞાનિક છે. એને તટસ્થ રીતે વિચારીએ તો એને માટે સહાનુભૂતિ થયા વિના નથી રહેતી. એ એના સ્થાનમાં યોગ્ય જ નહિ, સુયોગ્ય લાગે છે.

ભાગવત પણ એ જ પરંપરાગત પ્રણાલીને અનુસરે છે ને એનાથી વંચિત રહેવાનું પસંદ કરતું નથી. એના આરંભમાં જ માહાત્મ્યના છ અધ્યાયો મૂકવામાં આવ્યા છે એમના ઉપરથી પ્રતીતિ થાય છે કે ભાગવતકાળના મનુષ્યની રુચિ પ્રકારાંતરે આજના મનુષ્યની રુચિ જેવી જ હતી. આજના મનુષ્યની જેમ એ પણ માહાત્મ્યના વાચન અને શ્રવણમાં રસ લેતો. અને શા માટે ના લે ? પ્રત્યેક ક્રિયાના લાભાલાભ કે ફળાફળનો વિચાર કરવો અથવા એના રેખાચિત્રને નજર આગળ રાખવું એ કાંઇ અસંસ્કૃત માનવની નિશાની નથીઃ સુસંસ્કૃત માનવની શોભા છે.

શ્રીમદ્ ભાગવતના માહાત્મ્યના પ્રથમ અધ્યાયના આરંભમાં જ આપણને નૈમિષારણ્ય પુણ્યક્ષેત્રનો પરિચય થાય છે. એ પુરાણપ્રસિદ્ધ પુણ્યક્ષેત્રમાં વિરાજતા પરમબુદ્ધિમાન સૂતજીને ભગવત્કથામૃતના રસાસ્વાદનમાં રત રહેનારા શૌનકે એમની સહજ પ્રશસ્તિ કરતાં કહ્યું કે તમારું જ્ઞાન અજ્ઞાનાંધકારનો અંત આણનાર કરોડો સૂર્યના સરખું પ્રખર છે. એ જ્ઞાનના અનંત અક્ષય ભંડારમાંથી કોઇ સુધાસભર સારગર્ભિત કથા કહો એવી અમારી ઇચ્છા છે. મારી જિજ્ઞાસા એ છે કે, ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્ય દ્વારા જાગનારા વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે તથા ભગવાનના ભક્તો માયામોહમાંથી કેવી રીતે મુક્તિ મેળવે છે ? આ ભયંકર કલિકાળમાં જીવો મોટે ભાગે આસુરીવૃત્તિવાળા બન્યા છે અને અનેકવિધ ક્લેશોથી આવૃત્ત થયા છે; એમને વિશુદ્ધ કરવા માટેનો સુંદર ઉપાય કયો છે ? તમે કોઇક એવી સાધના બતાવો જે સૌથી વધારે પવિત્ર, કલ્યાણકારી અને શાશ્વત અથવા સર્વે મનુષ્યો તથા સ્થળોને માટે ઉપયોગી હોય. અને જેનાથી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકાતી હોય. ચિંતામણિ તો માત્ર લૌકિક સુખ આપે છે ને કલ્પવૃક્ષ સ્વર્ગીય સુખસંપત્તિનું દાન કરે છે પરંતુ તમારા જેવા સદ્દગુરુ જો પ્રસન્ન થાય તો યોગીજનોને પણ દુર્લભ ભગવાનનું વૈકુંઠ ધામ આપી શકે છે.

શૌનકની જિજ્ઞાસાવૃત્તિ સનાતન છે. એમણે પૂછેલા પ્રશ્નો ને વ્યક્ત કરેલા વિચારો આજે પણ એટલા જ ઉપયોગી છે. આજે પણ કેટલાય મનુષ્યોને એ પ્રશ્નો સતાવી રહ્યા છે. સૂતજીએ આપેલો એમનો ઉત્તર પણ એવો જ સનાતન છે. એ ઉત્તર આજે પણ એવો જ પ્રેરક અને પથપ્રદર્શક છે. એ ઉત્તરનો સંક્ષિપ્ત સાર આ રહ્યો :

મનુષ્ય આસુરીવૃત્તિ તરફ ઢળતો જાય છે, મોહરત છે, વિવિધ ક્લેશોથી ઘેરાયલો છે. એમાંથી છૂટીને શાશ્વત સુખ, શાંતિ, મુક્તિ, પૂર્ણતા ને પરમાત્માની પ્રાપ્તિ કરવાની એની અભિલાષા છે. પરંતુ એ અભિલાષાની પૂર્તિ કેવી રીતે થાય ? જ્યાં સુધી મનુષ્યના અંતરમાં દુન્યવી પદાર્થો, વિષયો અને રસોનું આકર્ષણ છે ત્યાં સુધી એ અભિલાષા માત્ર અભિલાષા જ રહી જાય. એને કૃતાર્થ કરવા માટે ભગવાનના ભક્તિરસને જગાવવો ને વધારવો જોઇએ.

પરંતુ એ ભક્તિરસ જાગે ને વધે કેવી રીતે ? વિવેક તથા વૈરાગ્ય એમાં મદદરૂપ બની શકે, પરંતુ એને જગાવવાનો ને વધારવાનો અને વિવેક તથા વૈરાગ્યનેય જગાવવાનો કે વધારવાનો એકમાત્ર અમોઘ અકસીર ઉપાય ભક્તિરસ ભરપુર શાસ્ત્રગ્રંથના શ્રવણ અથવા સ્વાધ્યાયમાં અને પરમાત્માના ગુણાનુવાદમાં રહેલો છે. એથી સઘળા હેતુ સધાઇ રહે છે. ભાગવતશાસ્ત્રની રચના એટલા માટે જ થયેલી છે. કલિયુગના જીવોને કલિયુગના જુદા જુદા દોષોમાંથી મુક્ત કરીને, ભગવાનની ભક્તિથી ભરપુર બનાવીને ભગવાનની પરમકૃપા દ્વારા જીવનની ધન્યતાનો ઉપદેશ આપ્યો છે. એ ઉપદેશામૃતની આગળ સ્વર્ગલોકના અમૃતની કશી વિસાત નથી. પથ્થરનું મૂલ્ય પારસમણિની પાસે કેટલું હોઇ શકે ? જેને ભાગવતનો રસાનુભવ મળે છે તેને સારુ જીવનના આત્મિક અભ્યુત્થાનની સાધના સહજ બને છે. એને પછી બીજા કોઇ જ ધર્મગ્રંથનો આશ્રય લેવાની આવશ્યકતા નથી રહેતી. ભાગવત એક જ ગ્રંથ એના જીવનની સંસિદ્ધિ માટે પૂરતો થાય છે. એ જીવનવિકાસના સાધકના સઘળા લાડકોડ પૂરા કરે છે. એનો મહિમા કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં પણ વધારે છે, કારણ કે કલ્પવૃક્ષ ને કામધેનુ તો લૌકિક કામનાઓની પૂર્તિ કરે છે પરંતુ એ તો લૌકિક ને પારલૌકિક, ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારના વિકાસમાં સહાયતા પહોંચાડે છે અથવા કલ્યાણકારક ઠરે છે.

ભાગવતની એ પરમપ્રેરક અમોઘ સંજીવની શક્તિની પાછળ એના રચયિતા અને ઉદ્દગાતા મહર્ષિ વ્યાસ અને સ્વનામધન્ય શુકદેવજીની સ્વાનુભવસંપન્ન ઉચ્ચોચ્ચ પરમાત્મપ્રીતિનું બળ રહેલું છે. એ ગ્રંથ કોઇક જ્ઞાનનું પ્રદર્શન કરવા માગનારા શુષ્ક વિદ્વાનનો વાણીવિલાસ નથી: કોઇક દાર્શનિક કે પંડિતની પ્રખર બૌદ્ધિક પ્રતિભાનો ચમકારો નથી: કેવળ જડ કાવ્યવિનોદ પણ નથી: એ તો જીવનની આરાધના કે સાધના છે. પરમાત્માની પ્રસન્નતાના પ્રયોજનથી પ્રેરાઇને કરાયેલું ભાવોનું તર્પણ છે. પરમાત્માના ચારુ ચરણે અર્પણ કરવામાં આવેલો અનુરાગનો અર્ઘ્ય છે. અંતરના અંતરતમના ગોમુખમાંથી નીકળેલી ભક્તિની ભાગીરથીનું અસાધારણ અભિસરણ છે. એટલે તો એ આટલો બધો અસરકારક ઠરે છે ને પ્રેરક બને છે. એનો આશ્રય લેનાર સર્વપ્રકારે કૃતાર્થ થયા વિના નથી રહી શકતો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *