Saturday, 27 July, 2024

ભક્તિમાતાની વ્યથા

217 Views
Share :
ભક્તિમાતાની વ્યથા

ભક્તિમાતાની વ્યથા

217 Views

 

પરમ ભાગવત સત્પુરુષશ્રેષ્ઠ સૂતજી શુકદેવજીના અનન્ય શિષ્ય હતા. એ શૌનકને ભાગવતના માહાત્મ્યમાં એક બીજી કથા કહી સંભળાવે છે. એ કથા દેવર્ષિ નારદના જીવન સાથે સંબંધ ધરાવનારી છે. દેવર્ષિ નારદ વિશાલાપુરીમાં પ્રવેશેલા સનકાદિ ચાર ઋષિઓને એ કથાથી પરિચિત કરે છે.

દેવર્ષિ નારદે પૃથ્વીને સર્વોત્તમ લોક સમજીને એની ઉપર વિચરણ કરવા માંડ્યું. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરીતટવર્તી નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગ અને સેતુબંધ જેવા તીર્થસ્થાનોમાં વિચરવા છતાં એમને સંતોષ ના થયો. કલિયુગનો પ્રભાવ સર્વત્ર જોવાં મળ્યો. દૈવી સંપત્તિનું સાર્વત્રિક દર્શન થવાને બદલે ચારે તરફ આસુરી સંપત્તિનું આધિપત્ય જોવા મળ્યું.

પૃથ્વીના પૃથક્ પૃથક્ પ્રદેશોમાંથી પસાર થતા નારદજી છેવટે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલાભૂમિમાં આવી પહોંચ્યા. યમુનાતટવર્તી એ ભૂમિમાં એમણે એક અસાધારણ દૃશ્ય જોયું. એ દૃશ્ય એકદમ અનોખું, અદૃષ્ટપૂર્વ અને આશ્ચર્યકારક હતું. એને દેખીને એમનું અંતર સંવેદનશીલ બની ગયું. યમુના તટપ્રદેશ પર એક યુવતી બેઠેલી. એનું મુખમંડળ મ્લાન હતું. એની પાસે પડેલા બે વૃદ્ધ પુરુષો અચેતાવસ્થામાં જોરજોરથી શ્વાસ લઇ રહેલા. પેલી તરુણી સુકુમારી સ્ત્રી એમને અચેતાવસ્થામાંથી જગાડવાનો પ્રયત્ન કરતી અને એ પ્રયત્નમાં નિષ્ફળતા મળવાથી વચ્ચે વચ્ચે રોવા લાગતી. એ પોતાના સંરક્ષક પ્રિયતમ પરમાત્માને ચારે તરફ જોયા કરતી. બીજી અસંખ્ય સ્ત્રીઓ એની આજુબાજુ બેસીને એને પંખો કરતી તથા સમજાવતી.

એ અદૃષ્ટપૂર્વ દૃશ્યને દેખીને નારદજી એની પાસે પહોંચ્યા. એમને જોઇને પેલી યુવતી આદરપૂર્વક ઊભી થઇ ગઇ ને કહેવા લાગી: તમારું દર્શન સૌને સારું શ્રેયસ્કર છે. સંસારના સઘળાં પાપોનો નાશ કરવાની શક્તિવાળું છે. તમારાં સદ્દવચનોને સાંભળીને મારા દુઃખની નિવૃત્તિ થશે એવો મને વિશ્વાસ છે. તમારું દેવદુર્લભ દર્શન મનુષ્યને એમનેમ નથી મળતું. એને માટે મોટું ભાગ્ય જોઇએ છે.

નારદજીએ એ સ્ત્રીનો પરિચય પૂછ્યો અને એના દુઃખનું અને એની અશાંતિનું કારણ કહેવા જણાવ્યું તો એણે કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ બે પુરુષો બીજા કોઇ નથી પરંતુ જ્ઞાન તથા વૈરાગ્ય નામના મારા બે પુત્રો છે. પહેલાં એ અતિશય શક્તિશાળી હતા પરંતુ વખતના વીતવાની સાથે જડ અને જર્જરિત બની ગયા છે. એમની ચેતનાનો લોપ થયો છે. આ બીજી દેવીઓ મારી સેવા માટે આવેલી ગંગા જેવી સરિતાઓ છે. એ મારી સેવા કરે છે તો પણ મને શાંતિ નથી. મારી આપવીતી સાંભળીને તમે મને માર્ગદર્શન આપો ને શાંતિ પૂરી પાડો.

એ સુકુમારી દેવી શા માટે રડતી હતી ? એને કયું દુઃખ સતાવી રહેલું ? એ સર્વાંગસુંદરી સુકુમારી ભક્તિદેવી દ્રવિડ દેશમાં પ્રાદુર્ભાવ પામીને કર્ણાટકમાં વધેલી: મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સન્માન પામેલી, પરંતુ ગુજરાતમાં વૃદ્ધાવસ્થાથી ઘેરાઇ ગયેલી. ત્યાં કલિયુગના પ્રભાવમાં પડેલા પાખંડીઓએ એને બેહાલ બનાવી દીધી. એ એના જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રોની સાથે નિર્બળ અને નિસ્તેજ બની ગઇ. છેવટે વૃંદાવનની પુણ્યભૂમિમાં પહોંચવાથી એને નવજીવન પ્રાપ્ત થયું અથવા એની કાયાપલટ થઇ ગઇ. પરંતુ એના પુત્રો તો એવા જ દીન તેમજ દુર્બળ રહ્યા. એમને લીધે એ અતિશય દુઃખી હતી.

દેવર્ષિ નારદે એની મનોવ્યથાને જાણીને જણાવ્યું કે ઘોર કલિયુગનું સામ્રાજ્ય ચારે તરફ સર્વત્ર છવાયલું હોવાથી જ્ઞાન, વૈરાગ્ય, તપ, યોગ તથા સદાચારનો લોપ થયો છે. આસુરી સંપત્તિ દૈવી સંપત્તિ પર વિજયી બનીને વિશ્વના વાયુમંડળમાં વ્યાપક બની છે. આવા વિપરીત વખતમાં પુત્રોની સાથે તારું દર્શન પણ દુર્લભ બની ગયું છે. મનુષ્યો સંસારના પદાર્થો ને ઇન્દ્રિયોના વિષયોમાં જ આસક્તિ કરી બેઠાં હોય ને ગળાડૂબ ડૂબી ગયા હોય ત્યાં ભક્તિ, જ્ઞાન કે વૈરાગ્યની વાતો ક્યાંથી કરે ને તેમાં રસ પણ ક્યાંથી લે ? વૃંદાવનના ધન્ય ધામમાં ભક્તિરસની અધિકતા હોવાથી તને નવયૌવનની અનાયાસે પ્રાપ્તિ થઇ છે પરંતુ જ્ઞાનવૈરાગ્યને પોતાનું પર્યાપ્ત પોષણ તો અહીં પણ નથી દેખાતું. એટલે એમની અવસ્થા લેશ પણ નથી બદલાઇ શકી. કલિયુગમાં તપ, યોગ ને સમાધિનું અનુષ્ઠાન અશક્ય જેવું ને અઘરું થઇ ગયું છે. એ બધાં સાધનોથી જે સર્વોત્તમ ભગવત્કૃપાનું ફળ નથી મળતું તે કેશવના કીર્તનથી મળે છે. 

यतफलं नास्ति तपसा न योगेन समाधिना ।

तत्फलं लभते सम्यक् कलौ केशवकीर्तनात् ॥ 

છતાં પણ કેશવકીર્તનમાં પ્રવૃત થઇને જીવનને જ્ઞાન તેમ જ વૈરાગ્યથી વિભૂષિત કરીને ઇશ્વરપરાયણ બનવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી. એ કામ કોઇક ધન્ય વિરલ પુરુષવિશેષ જ કરે છે.

દેવી ! તારે આટલો બધો ખેદ કરવાનું કોઇ જ કારણ નથી. તું આટલી બધી ચિંતા ને વ્યથામાં શા માટે પડી છે ? ભગવાન શ્રીકૃષ્ણના ચારુ ચરણકમળનું ચિંતન, મનન ને ધ્યાન કરવાથી તથા એમના અલૌકિક અનુગ્રહનો અનુભવ કરાવનારી આરાધનાનો આધાર લેવાથી સઘળું દુઃખ દૂર થાય છે. કૌરવોના અત્યાચારથી દ્રૌપદીની રક્ષા કરનાર, ગોપીઓને ધન્યતા ધરનાર અને બીજા અનેક આત્માઓને માટે અમોઘ આશીર્વાદરૂપ બનનાર શ્રીકૃષ્ણની સંનિધિ આજે પણ સુલભ છે. એ ક્યાંય નથી ગયા. તું તો એમને પ્રાણથી પણ પ્યારી હોવાથી તારા બોલાવવાથી તો એ ઉત્તમ અને અનુત્તમ સઘળાં સ્થળોમાં પહોંચી જાય છે. કલિયુગમાં જ્ઞાનવૈરાગ્યની ઉપેક્ષા થયેલી હોવાથી એ રસહીન, દીન ને વૃદ્ધ બન્યા છે. તો પણ તારે કોઇ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. હું એમના નવયૌવનનો ઉપાય વિચારું છું. કલિયુગમાં જે જીવો ભક્તિભાવથી સંપન્ન બનશે તે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરશે. એવા જીવોને સ્વપ્નમાં પણ યમદેવનું દર્શન નહિ થાય. પ્રેત, પિશાચ, દૈત્ય કે રાક્ષસ એમને નહિ સ્પર્શી શકે. કલિયુગમાં ભક્તિ જ સાર છે. ભક્તિથી ભગવાનની ઝાંખી થાય છે. ભક્તિની સાથે સંબંધવિચ્છેદ કરનારા લોકો દુઃખ અને અશાંતિ સિવાય કશું જ નથી મેળવતા.

નારદજીના સુધામય શબ્દો સાંભળીને ભક્તિને સંતોષ થયો. એણે એમને આત્મિક અભિનંદન આપ્યાં.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *