Sunday, 22 December, 2024

ભગવાન કૃષ્ણની દિનચર્યા

345 Views
Share :
ભગવાન કૃષ્ણની દિનચર્યા

ભગવાન કૃષ્ણની દિનચર્યા

345 Views

સામાન્ય માનવને ભગવાન કૃષ્ણની નિત્યચર્યાને જાણવાનું મન જરૂર થાય. એવા લોકોત્તર અવતારી મહાપુરુષ કેવી જાતનું દૈનિક જીવન જીવતા હશે, એમની પ્રવૃત્તિ કે સાધના કેવી હશે, અને એ દિનચર્યા, પ્રવૃત્તિ કે સાધના નિયમિત તેમ જ વ્યવસ્થિત હશે કે અનિયમિત અને અવ્યવસ્થિત એવી જિજ્ઞાસા સાધારણ રીતે જાગે એ સ્વાભાવિક છે. એ જિજ્ઞાસાનો જવાબ દસમા સ્કંધના સિત્તેરમા અધ્યાયમાં આપવામાં આવ્યો છે. એમાંથી ઘણું ઘણું જાણવાનું મળી શકે તેમ છે.

ભગવાન કૃષ્ણને કોઇ દિનચર્યાની આવશ્યકતા ખરી ? એ પોતે પૂર્ણ, મુક્ત ને પ્રશાંત હતા. એટલે એમની પૂર્ણતા, પ્રશાંતિ કે મુક્તિ માટે એમને કશું યે કરવાની આવશ્યકતા ન હતી. કોઇયે સાધનાનો અભ્યાસક્રમ એમને માટે અનિવાર્ય ન હતો. છતાં પણ એમણે મનુષ્યશરીર ધારણ કરેલું અથવા એમનું આ પાર્થિવ પૃથ્વી પર અવતરણ થયેલું એટલે એમણે દિનચર્યાનો આશ્રય લીધા સિવાય છૂટકો ન હતો. એ દિનચર્યા, પ્રવૃત્તિ કે સાધના બીજાને જીવનોપયોગી પ્રેરણા પાવા ને બીજાનું કલ્યાણ કરવા માટે હતી. મહાપુરુષોની જીવનચર્યા એવી આદર્શ ને સહજ હોય છે કે બીજા એમાંથી પ્રેરણા મેળવે છે. વર્ણન રસિક છે. એ વર્ણન અથવા વિવરણ પ્રમાણે ભગવાન કૃષ્ણ પ્રતિદિન બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જતા. ઊઠીને તરત જ પોતાના માયાતીત આત્મસ્વરૂપનું ધ્યાન કરતા. એ તો આપ્તકામ ને પૂર્ણ હતા. એમને બીજા કોનું ધ્યાન ધરવાનું હોય ? ધ્યાનમાંથી નિવૃત્ત થયા પછી સ્નાનાદિ કરતા. એ પછી સંધ્યા-વંદનાદિ નિત્યકર્મ કરીને હવન તેમજ ગાયત્રીજપનો આશ્રય લેતા. પછી સૂર્યોપાસના તથા દેવતા, ઋષિ અને પિતૃનું તર્પણ કરતા. એ પછી વૃદ્ધો, વડીલો ને બ્રાહ્મણોને પગે લાગતા એ વખતે સુંદર વસ્ત્રો, મોતીની માળા, સોને મઢેલાં શીંગડા ને ચાંદીથી જડેલી ખરીવાળી દૂઝણી ગાયોનું દાન દેતા. ભાગવત તો કહે છે કે એ રોજ ૧30૮૪ ગાયોનું દાન દેતા. એ પછી સરસ વસ્ત્રાભૂષણો પહેરીને દેવીની પ્રતિમાઓનો દર્શન લાભ લેતા.

દ્વારકાની રાજસભાનું નામ સુધર્માસભા હતું. એ નામ કેટલું બધું સુયોગ્ય, સાર્થક તથા વ્યંજનાથી ભરપુર છે. આપણે ત્યાં ધારાસભા, રાજ્યસભા, પાર્લામેન્ટ જેવાં નામો છે ખરાં પરંતુ એમાંથી સુધર્માસભામાંથી નીકળે છે તેવો ધ્વનિ  નથી નીકળતો. સુધર્માસભા નામ ખૂબ જ સુંદર છે. એ સૂચવે છે કે એ સભા ધર્મની મર્યાદામાં રહીને ચાલનારી, ધર્મના મર્મને જાણનારી, સુયોગ્ય વ્યક્તિઓની સભા છે. એમાં સંમિલિત થનારા કે સાથ આપનારા સદસ્યો ધર્મપરાયણ તથા નીતિમાન છે અને અધર્મયુક્ત વ્યવહાર નથી કરી શકે તેમ. ભગવાન કૃષ્ણ સુધર્માસભામાં પ્રવેશતા ત્યારે એની શોભામાં અનેકગણી અભિવૃદ્ધિ થતી. એમને લીધે એનો મહિમા વધી જતો.

એક દિવસ એ સભામાં એક પરિચિત પુરુષ આવી પહોંચ્યો. એણે ભગવાન કૃષ્ણને પ્રેમપૂર્વક પ્રણામ કરીને મગધરાજ જરાસંઘે કેદ કરેલા દુઃખી અને અસહાય રાજાઓનો સંદેશો સંભળાવ્યો. એ રાજાઓની સંખ્યા વીસ હજારની હતી. એના પરથી સમજાય છે કે જરાસંઘ કેટલો બધો અહંકારી, અધર્મી, અત્યાચારી અને ઉદ્દંડ હતો. એનું બળ બીજાને મદદરૂપ થવાને બદલે બીજાને દબાવવા, હેરાન કરવા કે ગુલામ બનાવવા માટે વપરાતું અને આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપરૂપ થઇ પડતું. એ કોઇને શાંતિ ના આપી શકતું પરંતુ સર્વત્ર અશાંતિ પેદા કરતું.

એ આસુરી બળથી દુઃખી થયેલા ને જરાસંઘના કારાવાસમાં કેદ બનેલા રાજાઓએ પોતાની મુક્તિ માટે ભગવાન કૃષ્ણની મદદ માગેલી. એ મદદની માગણી સાથે કૃષ્ણને ભગવાન જાણીને પૂજ્યભાવે પ્રાર્થના પણ કરેલી.

દૂતનો સંદેશો સાંભળીને ભગવાન કૃષ્ણને એ રાજાઓને માટે ઊંડી સહાનુભૂતિ થઇ. એમણે એ દુઃખી શરણાગત રાજાઓને દુઃખમુક્ત કરવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પ એમના જીવનના આદર્શને અનુરૂપ હતો. એ પ્રયોજનની પૂર્તિ માટે જ એ એમના જીવનનાં નાનાં મોટાં સઘળાં કાર્યો કરી રહેલા.

એ જ વખતે દેવર્ષિ નારદ પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરીને યુધિષ્ઠિર દ્વારા થનારા રાજસૂય યજ્ઞના સમાચાર પૂરા પાડ્યા. એ યજ્ઞમાં પધારીને યુધિષ્ઠિરને, પાંડવોને તથા ત્યાં એકઠા થનારા બીજા પુરુષોને કૃતાર્થ કરવાની પ્રાર્થના કરી. એ પ્રાર્થનાનો એમણે સઘળા સભાસદોની ને હિતૈષીઓની સંમતિથી સ્વીકાર કર્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *