Thursday, 30 May, 2024

પૌંડ્રક તથા કાશિરાજ

189 Views
Share :
પૌંડ્રક તથા કાશિરાજ

પૌંડ્રક તથા કાશિરાજ

189 Views

સંસારમાં એકલો સત્વગુણ નથી હોતો, રજોગુણ તથા તમોગુણ પણ જોવા મળે છે. દૈવી સંપત્તિની સાથે આસુરી સંપત્તિનું પણ આધિપત્ય છે. શુભ તેમજ અશુભ પ્રવાહોનું સંમિશ્રણ દેખાય છે. એક પ્રવાહ સમાજને માટે અમૂલખ આશીર્વાદરૂપ ઠરે છે તો બીજો અભિશાપરૂપ. સત્પુરુષો સમાજનું શ્રેય સાધવાના પ્રયત્નો કરે છે તો દુષ્ટો એમાં અંતરાયો ઊભા કરવાના, વિક્ષેપો નાખવાના, એમને નીંદવાના ને પજવવાના કે પીડા પહોંચાડવાના પુરુષાર્થો આદરે છે. સંસારમાં સુખ, શાંતિ, સ્થિરતા, સમુન્નતિ ને સંવાદિતાની સૃષ્ટિ એટલી જલદી નથી થતી એનું એક કારણ એ પણ છે.

ભગવાન કૃષ્ણના સમયમાં પણ એવા વિપરિત વૃત્તિવાળા પુરુષો કેટલાય હતા. એ એમનો અકારણ વિરોધ કરતા. પૌંડ્રક એમાંનો એક હતો. બળરામ વ્રજની યાત્રાએ ગયેલા ત્યારે એણે ભગવાન કૃષ્ણની પાસે દૂત મોકલ્યો. એ કરૂષ દેશનો રાજા હોવા છતાં કેટલો બધો દુર્બુદ્ધિવાન હતો એનું અનુમાન એણે દૂત દ્વારા મોકલેલા સંદેશ પરથી સહેલાઇથી કરી શકાય છે. દૂતે એના તરફથી કહ્યું કે રાજા પૌંડ્રકે જણાવ્યું છે કે એક માત્ર હું જ વાસુદેવ છું. મારા સિવાય બીજું કોઇ જ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ધારણ કર્યો છે. તમે ખોટી રીતે જે વાસુદેવના નામને ધારણ કર્યું છે તેનો ત્યાગ કરી દો. યદુવંશી ! તમે મારા ચિહ્નોને મૂર્ખતાને લીધે ધારણ કર્યા છે એમને છોડી દઇને મારા શરણમાં આવી જાવ અને મારી વાતને સ્વીકારવાની ના હોય તો મારી સાથે યુદ્ધ કરવાની તૈયારી કરો.

પૌંડ્રકે દૂત દ્વારા મોકલેલો એ સંદેશ સાંભળીને સભાસદો હસવા લાગ્યા. ભગવાન કૃષ્ણે દૂતને જણાવ્યું કે પૌંડ્રકને કહેજે કે મૂઢ ! હું મારાં ચક્રાદિ ચિહ્નોને એમનેમ નહિ છોડું. એમને તો તારા પર અને તારા સાથીઓ પર છોડીશ. તું મારો શરણદાતા બનવાને બદલે મૃત્યુને શરણે પહોંચી જઇશ. તારો કાળ હવે પાસે આવ્યો છે.

દૂતે એ સંદેશ પૌંડ્રકને સંભળાવ્યો. એ સંદેશને સાંભળ્યા છતાં પૌંડ્રકની બુદ્ધિમાં કશો ફેર ના પડ્યો. એનો દ્વેષ જરા પણ ના મટ્યો.

ભગવાન કૃષ્ણે રથ પર વિરાજીને કાશી પર ચઢાઇ કરી. એ દિવસોમાં પૌંડ્રક એના મિત્ર કાશીરાજને ત્યાં રહેતો હતો. ભગવાન કૃષ્ણનો સફળતાપૂર્વક સામનો કરવા માટે એ કાશીરાજની સાથે સેના લઇને બહાર નીકળ્યો. કૃષ્ણની સાથે વિદ્વેષપૂર્ણ વ્યવહાર કરવામાં એને કાશીરાજનો પૂરેપૂરો ટેકો હતો.

પૌંડ્રકે ભગવાન કૃષ્ણ જેવું જ સ્વરૂપ ધારણ કરેલું. એની પાસે પણ શંખ, ચક્ર, ગદા, તલવાર, ધનુષ્ય તથા શસ્ત્રો હતા. એણે શ્રીવત્સચિહ્ન ધારણ કરેલું, રેશમી પીળાં વસ્ત્રો પહેરેલાં ને માથા પર મુગટ રાખેલો. એના કંઠમાં કૌસ્તુભમણિ તથા વનમાળા ને કાનમાં મકરાકૃત કુંડળ હતાં. એણે એ કુત્રિમ વેશ ભગવાનની બરાબરી કરવા માટે ધારણ કરેલો. પરંતુ કાગડો કાળો હોવાથી કોયલની ને બગલો સફેદ હોવાથી હંસની બરાબરી કરી શકે છે ? દુર્જન સજ્જનના સરખો પોશાક પહેરે એટલે કાંઇ સજ્જન નથી બની જતો. એની વૃત્તિ, પ્રવૃત્તિ તથા પ્રકૃત્તિ જ્યાં સુધી સજ્જનના જેવી ના બને ત્યાં સુધી એને સજ્જન કેવી રીતે કહી શકાય અને બહારના દેખાવને જોઇને જ અચંબામાં કે ભ્રાંતિમાં શી રીતે પડાય ?

પૌંડ્રક તથા કાશીરાજની ને ભગવાન કૃષ્ણની સેના વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું. કૃષ્ણે કોઇ પણ પ્રકારના વિશેષ પરિશ્રમ વગર રમતાં રમતાં પૌંડ્રકનું મસ્તક ચક્રની મદદથી કાપી લીધું ને બાણના પ્રહારથી કાશીનરેશના મસ્તકને પણ છેદી નાખ્યું.

અધર્મ અને અધર્મ કરનાર કદી અમર રહી શકે છે ? ના. એમની દશા પૌંડ્રક તથા કાશીરાજ જેવી જ દયનીય બની જાય છે. એમાંય જે ભગવાનની સાથે વિરોધ કરે છે એનું જીવન દુઃખી અને બેચેન બને છે. એની અશાંતિનો પાર નથી રહેતો. પૌંડ્રકનો પ્રસંગ એ મહામૂલ્યવાન પ્રેરણા પૂરી પાડે છે.

*

દ્વારકામાં પોતાની સ્ત્રીઓ સાથે રહીને ભગવાન કૃષ્ણ સમાજની આગળ ગૃહસ્થાશ્રમના મહિમાને રજૂ કરવા આદર્શ ગૃહસ્થાશ્રમી તરીકેનું જીવન વીતાવી રહેલા. દેવર્ષિ નારદે એમને એક જ સમયે એમની પ્રત્યેક પત્નીની પાસે લીલા કરતાં જોઇને એમના અનંત યૌગેશ્વર્યની કલ્પના કરીને એમની સ્તુતિ કરી. જીવનના ત્રણ મહત્વના પુરુષાર્થોમાં-ધર્મ, અર્થ અને કામમાં એમની શ્રદ્ધા હોવાથી એમણે પોતે એમને પૂરેપૂરો ન્યાય આપ્યો અને બીજાને માટે ઉત્તમ ને સફળ જીવનનો પદાર્થપાઠ રજૂ કર્યો એ હકીકત કાંઇ નાનીસૂની ન હતી. દેવર્ષિ નારદ એ દેખીને આનંદ પામ્યા. એમનો એમને માટેનો આદરભાવ વધી ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *