ભગવાન મહાવીર
By-Gujju07-11-2023
ભગવાન મહાવીર
By Gujju07-11-2023
જેમ ભગવાન બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે તેમ ભગવાન મહાવીર પણ એક ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. જ્યારે માતા ત્રિશલાદેવી ગણસત્તાક રાજ્યના અધિપતિ ચેટકની બહેન હતાં.
મહાવીર તત્કાલીન સત્તાધારી ક્ષત્રિય રાજવંશો સાથે સંકળાયેલા હતાં. માતા પિતાએ પાડેલું મહાવીરનું મૂળ નામ વર્ધમાન છે. કારણ કે તેમના જન્મ સમયે તેમનાં ધન-ધાન્યથી વૃદ્ધિ થઇ હતી. જેઓ ઇતિહાસને જાણતા નથી તેમને મન બુદ્ધ અને મહાવીરની ઓળખમાં ભેળસેળ થઇ જાય છે. તથા એ બંને એક જ વ્યક્તિ છે.
અર્થાત જુદી જુદી વ્યક્તિઓ છે એવો ગુંચવાડો પણ ઉભો થાય છે. વળી બુદ્ધના ઉપદેશમાં અને મહાવીરના ઉપદેશમાં કેટલાક શબ્દો તદ્દન સરખા છે. અને એક સમાન અર્થમાં વપરાયેલા છે.
ભગવાન મહાવીરે યુવાન વયે જ ત્યાગ અને તપશ્ચર્યામય જીવનનો કઠિન માર્ગ સ્વીકાર્યો. તેમની ઘોર, અતિ ઉત્કટ સાધનાને કારણે તેઓ મહાવીરપદને પામ્યા અને તે જ નામે પ્રસિદ્ધ થયા.
પ્રાચીન સાહિત્યમાં તેમને – ‘જ્ઞાત ક્ષત્રિય’, જ્ઞાનપુત્ર, વિદેહત્તાના પુત્ર, વિદેહ નિવાસી, વિદેહના રાજકુમાર તથા વૈશાલિક, નામે પણ ઓળખવામાં આવ્યા છે. આજથી આશરે પચ્ચીશ સૈકાઓ પહેલાં પ્રાચીન નામ વિશાલા કે વૈશાલી નગરી (હાલ નામ વસાડ – જિલ્લા- મુજપ્ફરપુર, બિહાર)માં મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરશને દિવસે થયો હતો.
મહાવીર સ્વામિના જન્મને કારણે વૈશાલી નગરી વિશેષ પ્રકારનું યાત્રાળું સ્થળ છે. જૈન યાત્રીઓ રાજગૃહ પાવાપુરી વગેરે સ્થાનોમાં યાત્રા માટે પરિભ્રમણ કરે છે. જૈન પુરાણો અનુસાર મહાવીરનો જીવ પ્રથમ તો ૠષભદત્ત નામે બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરેલ અને પછી સૌધર્મેન્દ્રે તેનું હરણ કરી ત્રિશલાની કૂખમાં મૂક્યો.
ત્રિશલાએ પછી જન્મ આપ્યો. જૈન પરંપરામાં તેમનાં બીજાં નામો પણ પ્રચલિત છે. તેમનું એક નામ શ્રમણ– પોતાની ચિત્ત શુદ્ધિ માટે અને તે દ્વારા સમસ્ત લોકના કલ્યાણને સારૂ સતત શ્રમ કરનાર.
બીજુ નામ મહાવીર જેનો અર્થ- ચિત્ત શુદ્ધિની સાધના કરતાં આવી પડેલાં ગમે તેવાં ભયંકર વિઘ્નો, દુસ્સહ આપત્તિઓ ને ધીરતાપૂર્વક સહન કરનાર વીર.
તેમના માટે એવું કહેવાય છે કે જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેમણે એવો સંકલ્પ કરેલો કે માતાપિતા હયાત હોય ત્યાં સુધી માતા-પિતાને આઘાત થાય તેવી કોઇ પ્રવૃત્તિ ન કરવી, એટલું જ નહીં, તેઓ મા-બાપના અવસાન બાદ પણ મોટાભાઇના કહેવાથી એક બે વર્ષ નિસ્પૃહભાવે તેમની સાથે રહેલા.
મહાવીર જન્મથી ચતુર અને કુશાગ્રમતિ તો હતા જ, શસ્ત્ર અસ્ત્રનો અભ્યાસ, ઘોડે સવારી, યુદ્ધ વિધા વગેરે વીર ક્ષત્રિયોચિત વિધાઓ ઉપરાંત તેઓ વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વ્યુત્પતિ શાસ્ત્ર, તત્કાલીન વેદવિધા પણ શીખેલા અને તે સમયમાં મુક્તિના ઉદ્દેશથી જે જે સાધનાઓ પ્રવર્તતી, જે અનેક પ્રકારનાં કર્મકાંડો પ્રસરેલાં તેમનો પણ તેમણે ઝીણવટથી કાર્યકારીણી દ્રષ્ટિથી અભ્યાસ કરેલો. તદોપરંત પોતાની કુલ પરંપરામાં ચાલતી શ્રી પાર્શ્વાનાથની ઉપાસના શ્રી પાર્શ્વનાથનો તત્તવવિચાર, આચારયોજના એ પણ એમના ધ્યાનમાં જ હતાં.
ભગવાનમાં કોઇનેય પણ ઉદ્વેગી ન કરવાની અને સ્વયં સહન કરવાની વૃત્તિ પહેલેથી જ હતી એ વાત આગળ જણાવાઇ ગઇ. માતા-પિતાના સ્વર્ગવાસ પછી ત્રીસ વર્ષની યુવાવસ્થામાં જ તેઓ સંસારના સુખ વૈભવ ઇતિયાદિનો ત્યાગ કરી ત્યાગી બની ગયા.
ત્રીસ વર્ષ સુધી તમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો તેનું મૂખ્ય કારણ પણ પોતાનાં માતા-પિતા તેમજ મોટાભાઇની ઇચ્છાને માન આપવા પૂરતું જ હતું. સંસાર રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું. અંતિમ વર્ષમાં તેમણે પોતાની પાસે જે કંઇ હતું તે તમામ દીન-દુઃખીયાઓને આપી દીધું અને પોતે અકિંચન બની ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા અને કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો.
આ બાર વર્ષના તપસ્યામય જીવન દરમિયાન તેમને અનેક કઠિનાઇઓનો સામનો કરવો પડયો- કાનમાં ખીલા જેવા કાષ્ઠશૂળ ઠોકવાથી માંડી ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા પડયા. અનેક દિવસોના લાંબા લાંબા ઉપવાસ કરવા, રાઢ જેવા જંગલી પ્રદેશના ક્રૂર લોકોની વચ્ચે સમતાભાવથી વિહરવું જેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ બાર વર્ષના અંતે વર્ધમાને કેવળ સર્વ જીવ જગતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ મહાવીર તીર્થંકર બન્યા.
મહાવીર ચોવીસમા તીર્થંકર ગણાય છે. તીર્થંકર બન્યા બાદ સર્વપ્રથમ ભગવાન મહાવીરના ઉપદેશથી અભિભૂત થઇને ગૌતમ ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર બ્રાહ્મણ પંડિતો તેમના શિષ્યો બન્યા. આ પંડિતો વેદના લૌકિક અર્થે તથા તેના સ્વાધ્યાયમાં નિપૂણ હતા.
પરંતુ તત્વસંબંધમાં તેમને દરેકને ભિન્ન- ભિન્ન શંકાઓ હતી. ભગવાન મહાવીરે જ્યારે આ શંકાઓ વિશે નૂતન આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શંકાઓનું સમાધાન કર્યું ત્યારે અગિયાર પંડિતોએ ઘરબાર છોડી ભગવાન પાસે જૈન માર્ગની દીક્ષા લીધી.
તેમના શિષ્યોએ પણ જૈન માર્ગનું જ અવલંબન સ્વીકાર્યું. આમ તેમણે બ્રાહ્મણ વર્ણમાં જ સૌથી પ્રથમ પોતાના ધર્મચક્રની શરૂઆત કરેલી.
વાસ્તવિક યજ્ઞ, વાસ્તવિક સ્નાન વગેરેની સ્પષ્ટ વ્યાખ્યાઓ તમામ જનતાને સમજાવી, વાસ્તવિક બ્રાહ્મણ કોને કહેવાય? ખરો વેદવિદ કોને સમજવો? એ વિશે મહાવીરે સ્પષ્ટ પ્રવચનો કર્યા હતા.
ભગવાન મહાવીરના જમાનામાં ઘણા લોકો એમ કહેનારા હતા કે રણસંગ્રામમાં મરનારા લોકો સ્વર્ગમાં જાય છે અને એ રીતે ઘોર હિંસામય ક્રૂરતાભર્યા સંગ્રામ માટે લોકોને લલચાવાતા. આ વિચાર સામે મહાવીરે સાફ સાફ શબ્દોમાં નિડરતાપૂર્વક ઘોષણા કરી કે – ‘‘સંગ્રામમાં મૃત્યુને ભેટનારો સ્વર્ગે જાય છે, રણસંગ્રામમાં મૃત્યુને ભેટનારો અપ્સરાઓ વરમાળા આરોપે છે અને તે, સ્વર્ગનાં અનુપમ સુખોને ભોગવે છે.’’ એમ જે ઘણા લોકો વાત કરે છે તે મિથ્યા છે. ખોટી છે. કેવળ કષાયવૃત્તિનું જ્યાં પ્રધાનપણું હોય ત્યાં સ્વર્ગ પ્રાપ્તિનો સંભવ જ નથી.
સ્વર્ગ પ્રાપ્તિના સાધનો તો દયા, પરોપકાર, સંયમ, ત્યાગ અને સદાચાર છે. અને ક્રૂરતા, અન્યના પ્રાણોનો નાશ, અસંયમ, અસદાચાર, તીવ્ર કષાયભાવ અને નર્યો અત્યાગભાવ એ બધાં તો નરકમાં જવાના કારણો છે. માટે જે કોઇ લોકો યુદ્ધ પછી સ્વર્ગનું પ્રલોભન સમજી યુદ્ધમાં જશે તો તેમને સ્વર્ગ મળવાની જરા પણ સંભાવના નથી.
ભગવાન મહાવીરના પ્રવચનોમાં સંયમ, સદાચાર, ઇન્દ્રિયજય, તપ, અપરિગ્રહ, ત્યાગ, બ્રહ્મચર્ય વગેરે જીવનશોધક પ્રવૃત્તિઓ ઉપર વધારેમાં વધારે ભાર અપાયો છે.
ભગવાન મહાવીરના મતે જે કર્મયોગી છે તે જન્મ-મરણનો નહીં, શાશ્વત આત્મતત્વનો વિચાર કરે છે. જેનો જન્મ છે, તેનું મૃત્યુ અટળ છે અને જે મૃત્યુ પામે છે તેનો નવજન્મ પણ અવશ્ય છે. આ અવિરત ચક્ર છે. મહાવીરના વિચારે જો આપણે જીવનને જાણવું હોય તો વસ્તુના કોઈ એક ભાગને પકડી કે અટકાવી ના રાખીએ. ફક્ત જન્મ-મરણ જ સત્ય નથી, સત્ય એ પણ છે જે જન્મ-મરણથી ભીન્ન છે. જે મરણથી ભયભીત થાય છે, માનો તેનું જીવન થંભી જાય છે. પરંતુ જે મરણ પ્રતિ નિશ્ચીંત છે, મરણના સત્યને જે સ્વીકારે છે તેનું મૃત્યુ પણ પ્રકાશમય બની જાય છે. તેનું જીવન અવિસ્મરણીય બની રહે છે. તે પોતાની સાધના ના બળે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે. જીવનના આદિ અને અંતની એકસાથે અનુભૂતિ થવાથી આપણો પથ પ્રકાશમય થઈ શકે છે. અનેકાંતયુક્ત દ્રષ્ટી આપણને ચિંતામુક્ત કરવામાં સહાયક, મદદરૂપ થાય છે. સમતા અનેકાંતનું હૃદય છે. સામોપક્ષ આપણને જે કહે છે, તેનો સહર્ષ સ્વીકાર કરો. જગતમાં કોઈ એવો મત નથી જે ભગવાન મહાવીરના દિવ્ય દેશનાથી હંમેશા અસંબંધીત રહ્યો હોય.
ભગવાન મહાવીરે અનેકાંત દ્રષ્ટીના દર્શન કરાવી વસ્તુના વાસ્તવીક સ્વરૂપનું જ્ઞાન આપેલ છે. આપણામાં વૈચારિક સહિષ્ણુતા અને પ્રાણીમાત્ર પ્રતિ દયાભાવ, સદ્ભાવના બીજ રોપેલ છે.
આત્મગુણ જે આપણી અંદર છે, તેને ઊંડે ઉતારી સ્વયંને જોવું, જાણવું અને સ્વયંમાં મગ્ન થઇ જવું એ જ આત્મોન્નતીનો માર્ગ છે. હું કોણ છું ? આવો ભાવ અંદરોઅંદર ઊંડે ઉતરતો જાય અને પરાવર્તિત થતો જાય જે સ્વયંને પણ ન સંભળાય, ફક્ત આત્મસ્વરૂપ પાત્ર જ આપણી સમક્ષ રહે તો તેમાં જ મહાવીર પ્રતિબિંબિત થઇ શકે છે.
આ જ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. પ્રત્યેક આત્મામાં ભગવાન મહાવીર વિધમાન છે. આત્મા અનંત છે. ચેતનાની ધારા અક્ષુણ્ણ છે. જરૂર છે તેમાં ડૂબકી લગાવવાની. ભગવાન મહાવીરમાં આપણે સ્વયંને જોઈ શકીએ, એ જ આપણી મોટી સાર્થકતા કહેવાશે. દુઃખની વાત તો એ છે કે આત્માને અનંતકાળથી ભીન્ન ભીન્ન શરીર ધારણ કરવું પડે છે.
શરીરથી હંમેશ માટે મુક્ત થઇ જવું એ જ સાચું સુખ છે. ભગવાન મહાવીરે આત્મબળે મુક્તી મેળવી અને મનુષ્યને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. તેમના બતાવ્યા માર્ગે આગળ વધી માનવ પણ મુક્તી પામવા ડગ માંડી શકે છે.