Saturday, 27 July, 2024

ભગવાન શંકરની સ્તુતિ

252 Views
Share :
ભગવાન શંકરની સ્તુતિ

ભગવાન શંકરની સ્તુતિ

252 Views

{slide=Lord Shiva’s Stuti}

After Drona breathed his last, Sage Vyas paid a visit to the battlefield. Arjun asked Sage Vyas what was the reason behind his victory. Arjuna was curious as he saw an extraordinary illumined figure in front of him while he was fighting the army of Kauravas and he believed that the real credit should go to that illumined figure. Sage Vyas, with is exceptional powers, revealed that the illumined figure was none other than Lord Shiva himself.

Thereafter, Sage Vyas offered worship to Lord Shiva. It became known as shatarudri stotra. Inside the hymns of this beautiful stotra, Lord Shiva’s various names are elaborated.

પરમપ્રતાપી દ્રોણાચાર્યના મૃત્યુ પછી સંગ્રામભૂમિમાં સ્વેચ્છાએ આવી પહોંચેલા મહર્ષિ વ્યાસને અર્જુને પોતાના લોકોત્તર અને ઉત્તરોત્તર વિજયનું કારણ પૂછયું અને એક અતિશય આશ્ચર્યકારક વાતનું રહસ્યોદઘાટન કરતાં જણાવ્યું કે સંગ્રામમાં શત્રુયોદ્ધાઓ પર શરની વૃષ્ટિ કરતી વખતે હું મારી આગળ એક અગ્નિ જેવા પરમ તેજસ્વી પુરુષને ચાલતો જોતો. પરમ તેજોમય ત્રિશૂળને લઇને તે પુરુષ જે દિશામાં આગળ વધતા તે દિશામાં મારા દ્વારા પ્રતિસ્પર્ધી યોદ્ધાઓનો સંહાર થતો. યુદ્ધમાં સઘળા શત્રુઓને એમણે જ મારી નાખ્યા હોવા છતાં માનવો અજ્ઞાનને લીધે માને છે કે એમનો નાશ મેં કર્યો છે. તે ત્રિશૂળધારી, સૂર્યસમાન પ્રકાશવાળા મહાપુરુષ કોણ હતા ?

મહર્ષિ વ્યાસે જણાવ્યું કે તે મહાપુરુષ ભગવાન શંકર હતા.

મહર્ષિ વ્યાસે એ વખતે કરેલી ભગવાન શંકરની સ્તુતિ અથવા પ્રશસ્તિ મનનીય હોવાથી એનો સારાંશ અહીં રજૂ કરીએ તો એ અસ્થાને નહિ ગણાય. એ સારાંશ આ રહ્યોઃ

તે પ્રજાપતિઓના આદિ, સર્વના અંતર્યામી, સ્વર્ગ, પૃથ્વી અને આકાશસ્વરૂપ, સર્વલોકના ઇશ્વર અને પ્રભુ છે. તે વરદાતા અને સર્વના નિયંતા છે. તું તેમને શરણે જા.

તે મહાન દેવ છે, મહાન આત્મા છે, સર્વના નિયંતા છે, જટાધારી છે, સર્વવ્યાપક છે, ત્રિનેત્રધારી છે, મોટી ભુજાવાળા છે, રુદ્ર સ્વરૂપ છે, શિખાધારી છે, અને વલ્ક્લ વસ્ત્રને પહેરનારા છે. મહાદિવ્ય છે. સૃષ્ટિના સંહર્તા છે, અચળ સ્વભાવના, ઇષ્ટ વરોને આપનારા, ભુવનવ્યાપક, જગતમાં મુખ્ય, અજિત, જગતને આનંદ આપનારા, ઇશ્વરથી પણ અધિક છે.

તે નિરુપાધિક ચિન્માત્રસ્વરૂપ છે, જગતના બીજરૂપ છે, જગતના માતાપિતા સ્વરૂપ છે, જયકર્તા છે, જગતના શરણરૂપ છે, વિશ્વના આત્મારૂપ છે, વિશ્વના સ્ત્રષ્ટા છે, વિશ્વમૂર્તિ છે, અને યશસ્વી છે.

તે વિશ્વના ઇશ્વર, વિશ્વના નેતા, કર્મોના નિયંતા, સર્વના પ્રભુ, કલ્યાણકારક, સ્વયંભૂ, ભૂતોના ઇશ્વર અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનના ઉત્પાદક છે.

તે યોગસ્વરૂપ, યોગેશ્વર, સર્વસ્વરૂપ, સર્વ લોકોના ઇશ્વરના પણ ઇશ્વર, સર્વના કરતાં શ્રેષ્ઠ, જગતમાં વરિષ્ઠ, અને પરમ સ્થાનમાં રહેનારા છે.

તે સનાતન, પૃથ્વીને ધારણ કરનારા, દિવ્ય, સર્વ વાણીઓના ઇશ્વરના પણ ઇશ્વર, અધિકાર રહિત પુરુષોથી અત્યંત દુષ્પ્રાપ્ય, જગતના નાથ અને જન્મ, મૃત્યુ તથા જરાને ઉલ્લંઘી ગયા છે.

તે પોતાના પરમ ભક્તોને કૃપા કરીને ઇચ્છિત વરદાનને આપનારા છે.

જે ભક્તપુરુષો વરદ, રુદ્ર, ઉમાપતિ અને સર્વના ઇશ ભગવાન શંકરને અનન્ય ભાવથી ઉપાસે છે તે આ લોકમાં પરમસુખને પામીને અંતે પરમગતિને પામી લે છે.

નમન હો તે રુદ્રને, નીલકંઠને, સૂક્ષ્મ સ્વરૂપને, અતિશય તેજસ્વીને, જટાજુટધારીને, કરાલ સ્વરૂપને, અને કુબેરને વર આપનારાને. નમન હો તે કાલમૂર્તિને, માયા વડે વિચિત્ર પ્રકારોના અવતારો ધરનારને, સદાચારી ભક્તને સુખ પ્રદાન કરનારાને, કામના કરવા યોગ્યને, નીલનેત્રવાળાને, અચલ સ્વભાવવાળાને અને પરમપુરુષ સ્વરૂપને.

નમસ્કાર હો તે શ્યામ કેશવાળાને, તપશ્ચર્યામાં જ એકનિષ્ઠાવાળા હોવાથી કૃશ થયેલાને, સંસારથી તારનારાને, પ્રદીપ્ત સ્વરૂપને, ઉત્તમ તીર્થસ્વરૂપને, દેવોના પણ દેવ અને વેગવાળાને.

નમસ્કાર હો તે અનેક સ્વરૂપવાળાને, ચંદ્રને પ્રિય કરનારને, મસ્તકે મુકુટ ધરનારને, સુંદર મુખવાળાને, હજારો નેત્રોવાળાને, અને વૃષ્ટિ કરનારને. કૈલાસ પર્વતમાં નિવાસ કરનારાને, શાંતસ્વરૂપને, સર્વપાલકને, વલ્ક્લ વસ્ત્રને પહેરનારાને, સુવર્ણના અલંકારોથી શોભાયમાન બાહુઓવાળાને, ઉગ્ર સ્વરૂપને અને દિશાઓના પતિને નમન હો.

મેઘરાજાના પતિને અને સર્વભૂતોના પતિને, વૃક્ષોના પતિઓને અને સર્વ વાણીઓના પતિને નમસ્કાર.

તે ભગવાન જ રુદ્ર સ્વરૂપ, શિવ સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ, સર્વ સ્વરૂપ અને સર્વવેત્તા છે. એ જ ઇન્દ્ર સ્વરૂપ, વાયુ સ્વરૂપ, અશ્વિનીકુમાર સ્વરૂપ, અને વીજળી સ્વરૂપ છે. એ જ ભવ સ્વરૂપ અને મેઘ સ્વરૂપ છે, એ જ સનાતન મહાદેવ ચંદ્ર સ્વરૂપ છે. સર્વના નિયંતા છે, સૂર્ય સ્વરૂપ અને વરૂણ સ્વરૂપ છે.

તે જ કાલ છે. તે જ અંતક છે. તે જ મૃત્યુ છે, યમ છે, રાત્રિ છે, દિવસ છે, માસ છે, અર્ધમાસ છે, ઋતુઓ છે. બન્ને સંધ્યાઓ છે, અને સંવત્સર છે.

તે જ ભગવાન પોતે શરીરધર્મથી રહિત છે. છતાં માયા દ્વારા સર્વ દેવોનાં અને સર્વ ભૂતોનાં શરીરને ધારણ કરે છે.

ભગવાન મહાદેવ અજન્મા છે, એટલું જ નહીં પણ મેં વર્ણવેલા ગુણો કરતાં પણ અધિક ગુણવાન છે. તે ભગવાનના સર્વ ગુણોનું મારાથી વર્ણન થઇ શકે તેમ નથી. એક હજાર વરસ સુધી હું તેમના ગુણોને નિરંતર ગાયા કરું તો પણ તેનો પાર ના આવે.

શરણે આવેલા ભક્તજનો ઉપર કૃપા કરનારા તે પરમેશ્વર પ્રસન્ન થાય તો ક્રૂર ગ્રહોના પંજામાં સપડાયેલા અને સર્વ જાતનાં પાપોથી યુક્ત પોતાના શરણાગત ભક્તોને મુક્ત કરે છે, તે જ પ્રભુ મનુષ્યોને આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, ધન અને બીજા સર્વ મનોરથોથી તૃપ્ત કરે છે, અને જો ક્રોધાયમાન થાય તો પાછા પણ લઇ લે છે.

તે મહાદેવનું આ શતરુદ્રિય નામનું સ્તોત્ર મેં કહ્યું છે. તે સ્તોત્ર ધન, યશ અને આયુષ્યને આપનારું તથા વેદ જેવું પવિત્ર છે. વળી અર્થોને સિદ્ધ કરનારું, સર્વ પાપોની શાંતિ કરનારું, તથા સર્વ દુઃખો અને ભયનો વિનાશ કરનારું છે.

જે પુરુષ નિત્ય પ્રાતઃકાળે ઊઠીને આ સ્તોત્રનું પઠન તથા શ્રવણ કરે છે, તેમજ એ વિશ્વેશ્વર દેવની ભક્તિ કરે છે, તે શંકર ભગવાનને પ્રસન્ન કરીને સઘળા મનોરથોને મેળવી લે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *