Sunday, 22 December, 2024

ભક્તિની મહત્તા

333 Views
Share :
ભક્તિની મહત્તા

ભક્તિની મહત્તા

333 Views

આત્મજ્ઞાનનું અને અષ્ટાંગયોગનું સાધન શાસ્ત્રસંમત હોવા છતાં અઘરું છે પરંતુ ભક્તિનું સાધન એમની સરખામણીમાં સહેલું છે, અને એ સાધનવિશેષથી જ્ઞાન તથા યોગના ફળની પ્રાપ્તિ આપોઆપ થઇ રહે છે, એટલે એનો આધાર લેવો આવશ્યક છે.

ભક્તિ શરૂઆતમાં ભાવ વગર થાય તો હરકત નહિ. સમજ કે ભાવ વગરની ભક્તિ પણ નકામી નહિ જાય. આરંભમાં મન એકાગ્ર નહિ થાય તો પણ હરકત નહિ. ભાવ, સમજ ને સ્થિરતા તો ધીમે ધીમે આવશે. ક્રમે ક્રમે ઇશ્વરની કૃપાનો મીઠો અનુભવ પણ થતો રહેશે. મહત્વની વાત એનો આધાર લેવાની છે. એકવાર એનો આધાર લેવામાં આવે એટલે આગળનું બીજું કામ આપોઆપ થતું રહેશે. એક જ દિવસમાં ધ્રુવ, પ્રહલાદ, મીરાં જેવા આદર્શ ભક્ત નહિ બનાય. તો પણ ભાવના હશે અને એ ભાવનાની પૂર્તિના પ્રયત્નો થશે તો ભગવાનના થઇને, ભગવાનની પરમકૃપાની પ્રાપ્તિ કરીને વહેલા કે મોડા પણ ધન્ય બની શકાશે. માટે ભગવાનનું વહેલી તકે શરણ લઇને જીવનને એમની પ્રેમભક્તિના પવિત્ર રંગે રંગવાનો પ્રયત્ન કરીએ એજ બરાબર છે.

પરમાત્માની પ્રાપ્તિ કરવાની ઇચ્છાવાળા સાધકે એક બીજી મહત્વની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌ પ્રાણીઓમાં આત્મારૂપે હું જ રહેલો છું, એવું સમજીને કોઇના દિલને દુભાવવું ના જોઇએ, કોઇનો તિરસ્કાર ના કરવો જોઇએ, કોઇને હાનિ ના પહોંચાડવી જોઇએ, ને સૌની સાથે પ્રેમમય, મધુમય, પવિત્ર, સદ્દભાવનાયુક્ત વ્યવહાર કરવો જોઇએ. કેટલાક લોકો મંદિરોમાં જઇને પ્રતિમાપૂજન કરે છે પરંતુ મંદિરની બહારની જીવતી પ્રતિમાઓની અંદર ચેતનાની ઝાંખી કરીને એમની સાથે સારો વ્યવહાર નથી કરતા. પ્રતિમાઓની પ્રશસ્તિ કરે છે પરંતુ જીવંત મનુષ્યોનો ને પ્રાણીઓનો દ્વેષ કરે, એવા મનુષ્યોને પરમાત્માની પરમકૃપાનો લાભ નથી મળી શકતો. આદર્શ ઇશ્વરભક્ત કે સાધક સૌનું સારું તાકે છે, ને સૌની સાથે સારામાં સારો ઉમદા વ્યવહાર રાખે છે.

મહર્ષિ કપિલ માતા દેવહુતિને અને એમને નિમિત્ત બનાવીને સમસ્ત માનવજાતિને એક સુંદર વિચાર પૂરો પાડે છે. એ વિચાર અત્યંત આધુનિક છે અને આજના પ્રગતિશીલ જમાનાના કોઇક સ્વાનુભવસંપન્ન સત્પુરુષે વ્યક્ત કર્યો હોય એવું લાગે છે. ભાગવતના સમયમાં એવો વિચાર વ્યક્ત થઇ શક્યો એ ભાગવતકારની સ્વતંત્ર તટસ્થ વિલક્ષણ વિચારશક્તિનો ખ્યાલ આપે છે. એ વિચાર કહી બતાવે છે કે બીજાનો તિરસ્કાર અને બીજાનું અહિત કરનારો મનુષ્ય જુદી જુદી સામગ્રીથી અને જુદી જુદી વિધિથી પ્રતિમાની પૂજા કરતો હોય તો પણ તેની પૂજાથી પરમાત્મા પ્રસન્ન નથી થતા.

અને ભક્તિયોગના એ સર્વોત્તમ સદુપદેશના ઉપસંહારમાં જણાવે છે કે:

“પ્રત્યેક પ્રાણીની અંદર ઇશ્વર પોતે જ જીવરૂપે રહેલા છે એવું સમજીને સૌ પ્રાણીઓને આદર આપવો, મનોમન પ્રેમપૂર્વક પ્રણામ કરવા, અને એમની સાથે નમ્ર તથા નિષ્કપટ બનીને વ્યવહાર કરવો.”

માનવદેહ દેવોને પણ દુર્લભ છે. એનો મહિમા અને એની શક્યતા અનંત છે. એને મેળવીને જીવનને જેટલું પણ બની શકે તેટલું વિશુદ્ધ કે ઉજ્જવળ બનાવવું જોઇએ, સત્કર્મોનો આધાર લેવો જોઇએ, અને  પરમાત્માની પ્રેમભક્તિને વધારવી જોઇએ. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે. સંસારના વિવિધ વિષયોની કે વાયુમંડળની વચ્ચે વસીને માણસે એમનાથી પ્રભાવિત થઇને ને વિવેકાંધ બનીને એ અગત્યની વાતને ભૂલવી ના જોઇએ. જીવનની પ્રત્યેક પળનો ને સમસ્ત સામગ્રીનો સદુપયોગ બને તેટલા વધારે ને વધારે આત્મવિકાસ માટે જ કરવો જોઇએ.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *