Friday, 22 November, 2024

ભીમ અને હનુમાનનો મેળાપ

328 Views
Share :
ભીમ અને હનુમાનનો મેળાપ

ભીમ અને હનુમાનનો મેળાપ

328 Views

{slide=Bhima meet Hanuman}

During the years of their exile, Pandavas spend their time roaming in the forest. One day, all of a sudden, weather became very windy. With the gust, an extraordinary thousand petal lotus, uprooted from its place, dropped in front of Draupadi. Draupadi was fascinated by its beauty. She told Bhima to look around for its origin to grab few more lotus. Bhima headed in the direction from where that lotus seemed to have come. He reached Gandhamadan mountain. Exotic flora and fauna adored the mountain. There, Bhima found a lake filled with countless such lotus. He took some and happily set off for his return journey.
There, Bhima saw an old monkey lying carelessly obstructing his path. Bhima politely asked for a way. The monkey was disturbed by the roaring sounds made by Bhima on his approach so monkey showed his reluctance.  After arguments ran high, monkey told Bhima that he could move his tail and proceed ahead. Bhima thought that it would be an easy task but he could not even budge the tail. In a moment, his ego was gone. He asked the monkey for his true identity. Disguised as an old monkey, Hanuman revealed his identity. Bhima became very happy. Hanuman then narrated him Shri Ram’s story as well as blessed Bhima for their future war.
 

મહાભારતના વનપર્વના 146મા અધ્યાયમાં ભીમ તથા હનુમાનના મેળાપની વાત આવે છે.

એ વાત અતિશય આકર્ષક અને રસપ્રદ હોવાની સાથે સાથે આશ્ચર્યકારક પણ લાગે છે.

આશ્ચર્યકારક લાગવાનું એક મોટામાં મોટું મહત્વનું કારણ એ છે કે ભીમ અને હનુમાનનો પ્રાદુર્ભાવ સમય અથવા કર્તવ્યકાળ જુદો હતો. હનુમાને રામાયણ કાળમાં પ્રાદુર્ભાવ પામીને પોતાની પરમ પ્રેરક અલૌકિક લોકકલ્યાણલીલા કરી બતાવી તો ભીમે તે પછીના મહાભારતકાળમાં. એ ઉભય મહાવીરોનો મહામાનવોનો સમાગમ શી રીતે શક્ય બન્યો કે શક્ય બની શકે એવો સંશયાત્મક પ્રશ્ન કોઇના મનમાં પેદા થવાનો સંભવ છે. એમના સમાધાન માટે કહી શકાય કે રામાયણકાળમાં રામે તથા સતીએ આપેલા આશીર્વાદ અથવા વરદાનને લીધે હનુમાન દેશકાલાતીત અને અમર બની ગયેલાં. એને લીધે એ કોઇને પણ અને કોઇપણ કાળમાં દર્શન આપી શકે છે અને એમના અનંત અમોઘ અનુગ્રહ દ્વારા પોતાના વિશેષ કૃપાપાત્ર બનાવી શકે છે. એટલે તો આટલાં બધા વરસો પછી આજે પણ સાચા સાધકોને એમનાં દેવદુર્લભ દર્શન સમાગમનો લાભ મળી શકે છે. એમના અદભુત અનુગ્રહને અનુભવનારા અનેક સાધકોના જીવનપ્રસંગો એની સાક્ષી પૂરે છે કે પ્રતીતિ કરાવે છે. એવા સ્વાનુભવસંપન્ન સ્વનામધન્ય સત્પુરુષોમાં સંતશિરોમણિ તુલસીદાસ મહારાજનો સમાવેશ કરી શકાય છે.

એટલા સ્પષ્ટીકરણ પછી ભીમ અને હનુમાનનો આકસ્મિક છતાં સુખદ સમાગમ ક્યાં કયા સંજોગોમાં થયો તથા એનું શું પરિણામ આવ્યું તેની વિચારણા કરી લઇએ.

યુધિષ્ઠિર અર્જુન સિવાયના પોતાના બંધુઓ સાથે વનમાં વિહરી રહેલા ત્યારે ઇશાન ખૂણામાં એકાએક પ્રબળ પવન શરૂ થયો.

તે પવનના પ્રભાવથી સૂર્ય જેવી કાંતિવાળું એક સહસ્ત્રદળ કમળ આવી પહોંચ્યું.

દ્રૌપદીએ પવનથી આવીને પૃથ્વી પર પડેલા એ અલૌકિક સુગંધવાળા સુંદર કમળને અવલોકીને આનંદ અનુભવીને ભીમને એવાં અનેક અલૌકિક, આકર્ષક, સર્વોત્તમ સુવાસસંપન્ન કમળપુષ્પોને લાવવા પ્રાર્થના કરી.

દ્રૌપદી એવી પ્રાર્થના કરીને એ અદભુત ચિત્તાકર્ષક કમળપુષ્પને લઇને યુધિષ્ઠિરને આપવા ગઇ.

યુધિષ્ઠિરને કમનીય કમળપુષ્પ ખૂબ જ પસંદ પડ્યું.

ભીમે દ્રૌપદીની આકાંક્ષાને અનુસરીને જે દિશામાંથી પેલું ચિત્તાકર્ષક કમનીય કમળ આવેલું તે દિશાપ્રતિ વધારે કમળપુષ્પોને લાવવા માટે પ્રયાણ કર્યું.

તે ધનુષ્ય તથા બાણને લઇને મૃગરાજ સિંહ અથવા મદઝરતા માતંગની માફક ચાલી નીકળ્યો.

દ્રૌપદીનું પ્રિય કરવાની કામનાથી પ્રેરાઇને, બાહુબળ પર આધાર રાખીને, ભય તથા મોહથી મુક્તિ મેળવીને, એણે આકાશને અડવાના મનોરથ કરનારા ઉત્તુંગ પ્રચંડ પર્વતોને પાર કરવા માંડયા.

પવિત્ર ગંધમાદન પર્વતની છટા તથા શોભાથી એનું મન સંમોહિત બની ગયું.

ત્યાં વિભિન્ન ફૂલોની ફોરમવાળો સુશીતળ વાયુ વાતો હતો. સંજીવનસ્પર્શથી એનો થાક ઊતરી ગયો અને એને નવજીવનની પ્રાપ્તિ થઇ.

યક્ષો, ગંધર્વો, દેવો તથા બ્રહ્મર્ષિઓથી સેવાયલા ગંધમાદન પર્વતને એ ચારે તરફથી અવલોકવા લાગ્યો.

પોતાને વળગેલાં વાદળોને લીધે એ આખોય પર્વત જાણે કે પાંખવાળો બનીને નાચી રહેલો.

એની અંદરનાં ઠેકઠેકાણે વહેતાં ઝરણાંનાં જળને લીધે તે પ્રચંડ સુંદર પર્વત મોતીની માળાથી મંડિત બન્યો હોય એવો આભાસ ઊભો કરતો.

ગુફાઓ, કુંજો, ઝરણાંઓ, વહેળાઓ, જળાશયો અને ખીણો વડે એ પર્વત મનોહર લાગતો. ત્યાં અપ્સરાઓના નૂપુરના રણકાઓથી મત્ત મયૂરો થનગન થનગન નાચી રહેલા. શિલાતલો અને પથ્થરો દિગ્ગજોના દંતશૂળની અણીઓથી ઘસાઇ ગયેલા. સરિતાઓનાં ઊંડાં પાણીથી તે પર્વતનું ઉપવસ્ત્ર જાણે કે ખસી ગયેલું. મોંમાં લીલાં તરણાંના કોળિયાવાળાં, ભયને ના જાણનારાં, અને સ્વસ્થતાથી સમીપમાં ફરી રહેલાં હરણાંઓ કુતૂહલથી ભીમને જોઇ રહેલાં. તે પોતાના વેગથી અનેક લતાઓનાં ઝુંડોને કંપાવતો હતો.

ઊંચા દેહવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા, સિંહના જેવા બાંધાવાળા માતેલા હાથીના જેવા પરાક્રમવાળા, મદમસ્ત માતંગના જેવા વેગવાળા, મદમસ્ત હાથીના જેવી લાલ આંખવાળા, અને ઉન્મત્ત ગજેન્દ્રને પણ પાછા પાડનારા, તે યુવાન ભીમસેનને પોતાના પ્રિયતમોની પાસે બેઠેલી યક્ષો અને ગંધર્વોની પત્નીઓ એકાગ્રતાથી બીજો કોઇ ના જુએ એવી રીતે જોઇ રહી. સૌન્દર્યના અભિનવ અવતાર જેવો તે પાંડવ ગંધમાદનનાં રમણીય શિખરો ઉપર ક્રીડા કરતો ફરતો હતો.

ફૂલોથી ખીલી રહેલાં પર્વતશિખરો ઉપર એનું મન અને એની દૃષ્ટિ ચોંટી રહી.

વાયુવેગી વૃકોદર પર્વકાલના ઉત્પાતની જેમ પૃથ્વીને પગથી કંપાવતો અને હાથીનાં ટોળાઓને ત્રાસ પમાડતો આગળ ચાલ્યો. તે મહાબલવાન સિંહો, વાઘો અને મૃગોને મરડી નાખતો જતો હતો. એ બળવાન પાંડુનંદન મોટાં વૃક્ષોને ઉખેડતો અને ભોંય ભેગાં કરતો તથા વેલાઓને વેગપૂર્વક ખેંચતો આગળ વધતો હતો. હાથીની જેમ તે પર્વતનાં શિખરો ઉપર ચડવાનું કરતો હતો; વીજળીવાળા મેઘની જેમ મોટી ગર્જના કરતો હતો. ભીમની એ મહાગર્જનાથી જાગી ઊઠેલા વાઘો ગુફાને છોડી ગયા અને બીજાં વનવાસી પશુઓ સંતાઇ ગયાં. તેથી ગભરાયેલાં પંખીઓ ઊડી ગયાં. મૃગોના ટોળાં દોટ મૂકીને નાસી ગયાં, રીંછો વૃક્ષોને છોડીને ચાલ્યા ગયાં, સિંહો ગુફાઓને છોડી ગયાં. મહાસિંહો બગાસા ખાવા લાગ્યા, અને પાડાઓ આમતેમ જોવા લાગ્યા. તે ગર્જનાથી ત્રાસી ગયેલા હાથીઓથી વીંટળાઇને તે વનને છોડી બીજા મહાવનમાં ગયાં. વરાહ અને મૃગોનાં ટોળાં, વનમાં ફરતા પાડાઓ, વાઘો તથા શિયાળોના સમૂહો રોઝના ટોળાં સાથે બરાડા પાડવા લાગ્યાં. ચક્રવાકો, ચાતકો, હંસો, કારંવડો, જળકૂકડીઓ, પોપટો, નરકોકિલો અને ક્રૌંચો ભાન ખોઇ બેસી દિશદિશે ભાગી ગયાં. હાથણીઓએ ઉશ્કેરેલા કેટલાક ગર્વભર્યા હાથીઓ, સિંહો અને વાઘો ક્રોધમાં આવીને ભીમસેન સામે દોડયા.

ગંધમાદનનાં શિખરો ઉપર તે મહાબલવાને અનેક જોજન વિસ્તારવાળું અને અતિ રમણીય કેળનું વન જોયું. મદઝરતા મહાગજની જેમ મહાબળવાન અનેક વૃક્ષોને ભાંગતો તે વનને ડહોળી મૂકવાની ઇચ્છાથી ત્યાં વેગપૂર્વક ધસ્યો. બળવાનોમાં શ્રેષ્ઠ ભીમે તાડ જેવા ઊંચા કેળના સ્થંભોને ઉખેડી નાખ્યા અને ચારેકોર ફેકવા માંડયા. ગર્વભર્યા નરસિંહની જેમ તે મહાતેજસ્વીએ હુંકાર કર્યો.

ત્યાં તેણેએક રમણીય મહાસરોવર જોયું. તે સરોવરને તીરે તીરે સોનેરી કેળોની હારો ઊગી હતી અને તે મંદ મંદ પવનથી હાલીને જાણે એ શાંત અને ગંભીર સરોવરને પંખો નાખતી હતી. એ અનેક કમળોથી ભરેલા સરોવરમાં ઊતરીને તેમાં બંધનરહિત થયેલા ગજરાજની જેમ ક્રીડા કરવા લાગ્યો. અમાપ તેજસ્વી ભીમે તેમાં મનગમતી ક્રીડા કરી. પછી તે બહાર નીકળ્યો અને પર્વત ઉપરનાં અનેક વૃક્ષોવાળા વનમાં વેગથી ચાલવા લાગ્યો. તેણે સર્વશક્તિથી શંખનાદ કર્યો. તેની પ્રતિક્રિયારૂપે પર્વતની ગુફાઓમાં સૂતેલા સિંહોએ ભયંકર ગર્જના કરવા માંડી. એ સિંહનાદને સાંભળીને મદમસ્ત થયેલા ગજરાજોએ પણ મહાગર્જના કરી અને એથી આખો પર્વત ગર્જનાઓથી ગાજી ઊઠયો. તે ગર્જનાને સાંભળીને હનુમાને જાણ્યું કે ભીમસેન આવ્યો છે.

 પોતાના ભાઇ ભીમની રક્ષા માટે તે કદલીવનથી શોભતા માર્ગમાં બેઠા અને તે સાંકડા માર્ગને રોકી રહ્યા. ભીમને શાપ કે અપમાન ના લાગે એવું વિચારીને હનુમાન એવી રીતે કદલીવનની વચમાં બેઠા.

એક ભારેખમ શિલાતલ ઉપર ભીમે વાનરોના અધિપતિને બેઠેલા જોયા. તે વીજળીના ઝબકારા જેવા, સામે જોવાય નહિ તેવા, અને વીજળીના ચમકારા જેવા પીળા વર્ણના હતાં. સાથિયાના આકારે વાળેલા હાથ પર તેમણે પોતાની પુષ્ટ અને ટૂંકી ગરદનને ટેકવી રાખેલી.

એમનું મુખમંડળ કિરણવાળા કમનીય ચંદ્ર જેવું જણાયું.

ભીમે એમની પાસે પહોંચીને ભયંકર સિંહનાદ કર્યો તેથી પશુપક્ષીઓ ભયભીત બન્યાં પરંતુ હનુમાન સંપૂર્ણ શાત રહ્યા. એમણે સ્મિતપૂર્વક ભીમને જણાવ્યું કે હું રુગ્ણાવસ્થામાં સુખથી સૂતેલો ત્યારે તેં મને શા માટે જાગ્રત કર્યો ? તારા જેવા બુદ્ધિમાનની પ્રવૃત્તિ તનમનવચનને દૂષિત કરનારાં ક્રૂર તથા ધર્મવિરોધી કાર્યોમાં કેમ થાય છે ? મને લાગે છે કે તું ધર્મને જાણતો નથી. સજ્જનોની સેવાના મર્મને સમજતો નથી; તેથી જ અલ્પબુદ્ધિ તથા મૂર્ખતાને લીધે પશુઓનો નાશ કરી રહ્યો છે. તું કોણ છે ? મનુષ્યોથી અને મનુષ્યોપયોગી પદાર્થોથી રહિત આવા એકાંત ઘોર અરણ્યમાં તું કેવી રીતે અને શા માટે આવ્યો છે ? તારે ક્યાં જવું છે ? અહીંથી આગળનો માર્ગ અતિશય દુર્ગમ છે. એના પર આગળ વધી શકાય તેમ નથી. આ દેવલોકનો માર્ગ છે અને માનવો માટે અગમ્ય છે. અહીંથી આગળ સિદ્ધગતિ સિવાય બીજી કોઇ ગતિથી જવાય તેમ નથી. તેથી તને અટકાવું છું. તને જો મારાં વચનો કલ્યાણકારક અને આદર્શ લાગતાં હોય તો આ અમૃતતુલ્ય ફળ અને મૂળનો આસ્વાદ લઇને અહીંથી આગળ વધવાના વિચારને માંડી વાળીને પાછો ફર.

ભીમે એ શબ્દોને સાંભળીને પૂછયું કે તું કોણ છે ? તારા આવા રૂપનું રહસ્ય શું છે ? હું કુરુકુળનો, ક્ષત્રિય વર્ણનો, ચંદ્રવંશી છું. પાંડુપુત્ર છું. માતા કુંતીના ઉદરમાં જન્મેલો છું. વાયુથી ઉત્પન્ન થયો છું મારું નામ ભીમસેન છે.

હનુમાને સ્મિત કરીને એને માર્ગ આપવાની ના પાડી.

ભીમે આગળ વધવાનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે હનુમાને જણાવ્યું કે મારામાં ઊઠવાની સહેજ પણ શક્તિ નથી તારે જવું હોય તો મને ઓળંગીને જઇ શકે છે.

ભીમે કહ્યું કે દેહમાં નિર્ગુણ પરમાત્મા વ્યાપી રહ્યા છે. આત્મજ્ઞાનથી પામી શકાય એવા એ પરમાત્માનું હું અપમાન અથવા ઉલ્લંઘન નહિ કરું. એ લોકકર્તા પરમાત્માને હું જો શાસ્ત્રો દ્વારા ના જાણતો હોત તો હનુમાન જેવી રીતે સાગરને ઓળંગી ગયેલા તેવી રીતે તને અને આ પર્વતને ઓળંગી જાત.

હનુમાનની જિજ્ઞાસાના જવાબમાં ભીમસેને સ્પષ્ટીકરણ કર્યું કે સદગુણોને લીધે પ્રશંસાપાત્ર અને બળબુદ્ધિ તેમજ ધૈર્યની મૂર્તિ સરખા મારા ભાઇ વાનરેશ્વર હનુમાન રામાયણમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એ વાનરેન્દ્ર સો યોજન જેટલા સાગરને સહજ રીતે જ ઓળંગી ગયેલા. હું તેજ, બળ, યુદ્ધ તથા પરાક્રમમાં તેમના જેવો જ છું; એથી તને જીતી શકું તેમ છું. મને માર્ગ આપ અથવા મારી શક્તિનો સ્વાદ ચાખ. મારા આદેશાનુસાર નહિ કરે તો તને યમલોકમાં પહોંચાડી દઇશ.

ભીમનું અભિમાન અસાધારણ હતું. અભિમાન અમંગલ અને અનર્થકારક હોય છે. એનો અંત અકલ્યાણકારક થઇ પડે છે. એને નિર્મૂળ કરવા માટે હનુમાને હસીને જણાવ્યું કે મારામાં બેઠા થવાની શક્તિ નથી માટે મારા પર દયા લાવીને મારા પૂછડાને ખસેડીને જઇ શકે છે.

ભીમે હનુમાનના પૂછડાને ખસેડવાનો પ્રયાસ કર્યો, પોતાની સમગ્ર શક્તિને કામે લગાડીને આવશ્યકતાનુસાર કેન્દ્રિત કરી, તો પણ પોતાના પ્રયાસમાં સફળતા ના મેળવી. એનું શરીર પ્રસ્વેદથી લથપથ થઇ ગયું. એણે અતિશય લજ્જાવશ બનીને ક્ષમાયાચના કરીને હનુમાનને એમનો પરિચય પૂછ્યો.

હનુમાને એમની ઓળખાણ આપીને રામની કલ્યાણકારિણી કથા કહી. ભીમે સાગરને ઓળંગતી વખતે એમણે ધારેલા દિવ્ય સુવિશાળ સ્વરૂપને નિહાળવાની ઇચ્છા બતાવવાથી આરંભની ઔપચારિક આનાકાની પછી, એ મહામાનવે પોતાના એ વખતના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. એના દર્શનથી ભીમ ભયભીત બન્યો એટલે એમણે એને સંકેલી લઇને ભીમને આલિંગન આપ્યું એથી ભીમનો થાક ઊતરી ગયો. એને નવજીવન મળ્યું.

હનુમાને એને આશીર્વાદ આપતાં કહ્યું કે તું જ્યારે શત્રુસેનામાં સિંહનાદ કરશે ત્યારે હું મારા નાદથી એ સિંહનાદ વધારી દઇશ. અર્જુનના ધ્વજ પર બેસીને હું પ્રતિસ્પર્ધીઓના પ્રાણને હણનારા દારુણ નાદને છોડીશ તેથી તેમનો સહેલાઇથી સંહાર કરી શકાશે.

ભીમને સ્વર્ણકમળનો માર્ગ બતાવીને હનુમાન ત્યાં જ અદૃશ્ય થઇ ગયા.

ભીમને માટે એમનો મેળાપ મંગલમય થઇ પડયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *