Sunday, 22 December, 2024

ભીમનો શોક

344 Views
Share :
ભીમનો શોક

ભીમનો શોક

344 Views

After their escape from Lakshagruh at Varnavat, Pandavas looked for a safe place. They walked and made thier way into a dense forest. Without food or water, Pandavas along with their mother Kunti continued their journey. At last, they were exhausted. Hunger and thirst made them weak. Bhima, most powerful of all Pandavas, began looking for water. Kunti, desparate for water, sighed that in spite of having five great sons, she was thirsty, helpless and longing for a gulp of water.

When Bhima heard his mother’s words, he felt ashamed. He began lamenting on their fortunes. Kunti, mother of five great sons had to sleep on floor. Yudhisthir, capable of ruling the kingdom of Hastinapur was having hard time saving his face. Arjuna, unparalled archer of that time was in utter dismay. Sahdev and Nakul, most beautiful of Pandavas, were lying on floor full of dust. Thinking about his brother and mother made Bhima very angry at Kauravas, especially Duryodhana. In his mind, he resolved to annihilate Kauravas but he knew that Yudhisthir would never allow such thing to happen. Indeed, it was a tragic situation for all Pandavas. Bhim’s lametation was not without reason.

ધૃતરાષ્ટ્ર, દુર્યોધન તથા પુરોચન તરફથી પાંડવોને હેરાન કરવાના, પીડા પહોંચાડવાના અને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા તોપણ પાંડવો હેરાન થયા, પીડિત બન્યા કે મરી શક્યા નહીં.

પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા છે એવું જાણીને કૌરવોને અસાધારણ આનંદ થયો.

એમને ખબર નહોતી કે પાંડવો તો જીવતા છે ને લાક્ષાગૃહમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળીને, નાવમાં નદીને પાર કરીને, એકાંત અરણ્યમાં આગળ વધતા પોતાનો રસ્તો કાપી રહ્યા છે.

કુંતી અને અન્ય ભાઇઓની સંભાળ રાખતો ને રક્ષા કરતો ભીમ અરણ્યમાં આગળ વધી રહેલો. ભયંકર અરણ્યમાં એવી રીતે આગળ વધતાં સંધ્યાકાળ થઇ ગયો. જોતજોતામાં આજુબાજુ બધે જ ઘોર અંધકાર વ્યાપી ગયો.

વનનો એ વિભાગ કંદમૂળ, ફળફૂલ તથા પાણી વગરનો તથા જંગલી જનાવરો અને મૃગોથી ભરેલો હતો. પાંડવો ક્ષુધા, તૃષા, થાકથી પીડાઇ રહેલા.

અરણ્યમાં આગળ વધવાનું અશક્ય લાગવાથી એ માર્ગમાં એક બાજુએ બેસી ગયા. કુંતી પણ એમની સાથે આર્ત બનીને બેસી ગઇ. એને ખૂબ જ તરસ લાગેલી. એણે અવારનવાર જણાવ્યું કે પાંચ પાંચ પુત્રોની માતા હોવા છતાં આજે મને પીવાનું પાણી પણ નથી મળતું એ કેવું કહેવાય ?

એની કરુણ વાણીને સાંભળીને ભીમનું હૈયું હાલી ઊઠ્યું. એનું અંતર અતિશય કરુણ બની ગયું. કેટલી બધી વિચિત્ર પ્રતિકૂળ પરિસ્થિતિ ?

ભીમ એ અતિઘોર અરણ્યમાં આગળ ચાલ્યો તો એને સુંદર સઘન છાયાવાળો રમણીય વડ દેખાયો. એ વિશાળ વટવૃક્ષની શીતળ છાયામાં માતા કુંતી તથા બંધુઓને બેસાડીને એ સમીપમાં સારસ પક્ષીઓના શબ્દો સંભળાતા હતા ત્યાં કોઇક જળાશયનું અનુમાન કરીને પાણી લેવા માટે પહોંચી ગયો.

બે ગાઉ દૂર આવેલા જળાશયમાં સ્નાન કરી તથા પાણી પીને સૌને માટે તે પાણી લઇને બનતી વહેલી તકે પાછો ફર્યો ત્યારે તરસ અને થાકને લીધે સૌ જમીન પર સૂઇ ગયેલાં.

એ અદભુત દૃશ્યને દેખીને એ વિષાદગ્રસ્ત બનીને વિલાપ કરવા લાગ્યો.

“મારી માતા અને મારા ભાઇઓ દીનહીન અભાવગ્રસ્ત બનીને આજે આવી અસહાય અવસ્થામાં પૃથ્વી પર પથારી સિવાય સૂતાં છે એનાથી અધિક કષ્ટકારક અશાંતિદાયક દૃશ્ય બીજું કયું હોઇ શકે ? વારણાવતમાં એમનાં મહામૂલ્યવાન પરમસુખદ શય્યાઓમાં સૂવાનું સદભાગ્ય સાંપડેલું. એ શય્યાઓમાં કેટલીક વાર જેમને ઊંઘ નહોતી આવતી એમને આજે પૃથ્વીના ખુલ્લા પટ પર સૂવું પડ્યું છે. શત્રુસમૂહનો સંહાર કરનારા વીર વસુદેવની બેન, કુંતિરાજની પુત્રી, સુલક્ષણા, વિચિત્રવીર્યની પુત્રવધૂ, પાંડુની પત્ની, સુકોમળ શયનને યોગ્ય, અમારી માતા કુંતી જમીન પર સૂતી છે ! રાજપ્રાસાદમાં સૂનારા આ નૃસિંહોને આજે જમીન પર સૂતેલા જોઇ રહ્યો છું. પરમ પરાક્રમી અર્જુન, ત્રિભુવનના રાજા બનવાને યોગ્ય ધર્મરાજ ધર્મપ્રાણ યુધિષ્ઠિર, અને સૌન્દર્યસંપત્તિમાં અશ્વિનીકુમારો સરખા નકુલ અને સહદેવ, પ્રાકૃત પુરુષોની પેઠે ધરતીની ધૂળ પર સૂતા છે.”

“ધૃતરાષ્ટ્રે એમને બહાર કાઢીને બધી રીતે બરબાદ કરીને મારી નાખવાની યોજના ઘડી હોવા છતાં અમે અમારા ભાગ્યને લીધે બળી ગયા નથી. અગ્નિની ભીષણ જ્વાળામાંથી ઊગરીને અને આ એકાંત અરણ્યમાં વિશાળ વૃક્ષનો આશ્રય લઇને બેઠા છીએ. અમે હવે ક્યાં જઇએ ? હે દુર્મતિ, અલ્પદર્શી દુર્યોધન, તારી ઇચ્છા ભલે સફળ થાય. દેવો તારા પર પ્રસન્ન છે. મને તારો વધ કરવા માટે યુધિષ્ઠિર તરફથી આદેશ નથી મળતો, માટે જ તું જીવી રહ્યો છે. હું આજે જ પરમ ક્રોધાતુર બનીને તને, તારા પુત્રોને, પ્રધાનોને, નાના ભાઇઓને, કર્ણને અને શકુનિને યમસદનમાં મોકલી આપું, પરંતુ પાંડવશ્રેષ્ઠ ધર્માત્મા યુધિષ્ઠિર તારા સદભાગ્યને લીધે તારા પર કોપાયમાન થતા નથી. તેથી તું જીવી રહ્યો છે.”

ભીમ એવું કહીને શોક કરવા લાગ્યો. દીનદુઃખી મનનો બનીને ધરતી પર જાગતો બેસી રહ્યો.

મહાભારતનો એ કથાપ્રસંગ એટલા માટે સૂચક છે કે સુખદુઃખ, સંપત્તિ-વિપત્તિ, માનવજીવનમાં આવ્યા કરે છે એથી હતોત્સાહ બનીને, નિરાશ થઇને, વિષાદગ્રસ્ત બનીને, માનવે ભંગાઇ નથી જવાનું. દૈવના કે અન્ય કોઇના પર નિર્થક દોષારોપણ નથી કરવાનું. જે મનસ્વી અને કાર્યાર્થી હોય છે તે સુખદુઃખને લક્ષમાં લીધા વિના, ગૌણ ગણીને, છેવટ સુધી આગળ વધે છે. કોઇવાર પર્યંક પર પથારી થાય કે કોઇવાર પૃથ્વી પર તો પણ એ શોકાતુર બન્યા સિવાય પુરુષાર્થના પાવન પંથે પ્રગતિ કરે છે. એ સંજોગોનો શિકાર બનવાને બદલે સ્વામી બને છે, શાસન કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *