Tuesday, 10 September, 2024

ભીષ્મપ્રતિજ્ઞા

261 Views
Share :
ભીષ્મપ્રતિજ્ઞા

ભીષ્મપ્રતિજ્ઞા

261 Views

Once, Shantanu went on the banks of river Yamuna. There, he saw a fisherman’s daughter named Satyavati. She was an extraordinary beauty. Shantanu desired of her but her father put a condition. He said, I’m willing to marry my daughter with you only if you promise to crown her son as the next King. Shantanu was in two minds. He returned to his kingdom. However, he could not stop thinking about her.

Here, Bhishma saw his father worried. He found out that his father saw a girl but could not get married to her due to a condition put forth by her father. Bhishma at once decided to visit the fisherman. The father of the girl repeated his demand. Bhishma assured that instead of him, her son will be crowned as King. Fisherman asked what about your son ? Then Bhishma at once decided not to get married at all and remain celibate for his whole life ! Fisherman happily gave Satyavati’s hand. When Shantanu came to know about Bhishma’s pledge, he blessed that Bhishma would be able to choose time of his death.

રાજા શાંતનુ એકવાર યમુના નદીના તટપ્રદેશ પરના એકાંત સુંદર ચિત્તાકર્ષક વિશાળ વનમાં વિહરવા લાગ્યો.

ત્યાં વિહરતાં એને એકાએક ઉત્તમ અદભુત અવર્ણીનીય સુગંધનો અનુભવ થયો.

એનું ઉદભવસ્થાન શોધવા માટે તેણે આજુબાજુ બધે જ ફરવા માંડ્યું તો છેવટે એક દેવાંગના સમાન અતિશય સુંદર સ્વરૂપવાળી એક માછીમાર કન્યાને નિહાળી.

શાંતનુની જિજ્ઞાસાવૃત્તિના જવાબમાં એણે એની ઓળખાણ આપતાં જણાવ્યું કે હું દાશકન્યા છું. ને મારા પિતા મહાત્મા દાશરાજના આદેશને અનુસરીને નાવ ફેરવું છું.

સૌન્દર્ય, માધુર્ય, સુગંધથી છલેલી એ કુમારિકાને અવલોકીને શાંતનુ મોહમગ્ન બનીને કામના કરવા લાગ્યો.

સૌન્દર્ય અને અસામાન્ય સૌન્દર્યની માનવસહજ અસર કોને ના થાય ? એ અસર નીચે આવીને એણે એ સૌન્દર્યમયી કલ્યાણસ્વરૂપા કુમારિકાના પિતા પાસે પહોંચીને એની માગણી કરી.

એ કમનીય કુમારિકાના પિતા દાશરાજે રાજા શાંતનુ સાથેના પુત્રીના પાણિગ્રહણ માટે તૈયારી બતાવી પરંતુ એની સાથેસાથે એક શરત મૂકી. અતિશય કઠોર કહી શકાય અથવા સહેલાઇથી સ્વીકારવાનું મન ના થાય એવી આકરી શરત. એણે જણાવ્યું કે તમારી દ્વારા આ કન્યાને જે પુત્ર થાય તેનો જ તમારા પછી રાજા તરીકે રાજ્યાભિષેક થાય એના સિવાય બીજા કોઇનો રાજ્યાભિષેક ના કરવામાં આવે.

શરત અતિશય આકરી હોવાથી, કામપ્રભાવથી પ્રભાવિત થયો હોવા છતાં પણ શાંતનુએ સહસા કશું કહેવાને કે કબૂલવાને બદલે મૌન રાખીને હસ્તિનાપુર પ્રયાણ કર્યું.

હસ્તિનાપુરમાં પહોંચ્યા પછી શાંતનુનું મન ખૂબ જ વિચારમગ્ન, દુઃખી તથા શોકિત રહેવા માંડ્યું. એની અવસ્થા લાગણીની પ્રધાનતાને લીધે અતિશય કરુણ બની ગઇ. એની રસવૃત્તિ મંદ પડવા તથા ચિંતા વધવા લાગી. કોઇક અસાધ્ય વ્યાધિગ્રસ્ત માનવની જેમ એનું શરીર દિનપ્રતિદિન સુકાવા અને મુખમંડળ નિસ્તેજ પડવા માંડયું. દેવવ્રતે એનું કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે આપણા ઉજ્જવળ મહાન લોકોત્તર વંશમાં સંતાન તરીકે તું એક જ છે અને સદાય પુરુષાર્થપ્રિય તથા શસ્ત્રપરાયણ રહે છે. માનવશરીરની ક્ષણભંગુરતા અને અનિત્યતાનો વિચાર કરવાથી મને શોક થાય છે. કોઇ વાર તને આપત્તિ આવે તો ? કદાચ તારી કાયાનો નાશ પણ થઇ જાય તો પછી આપણું કુળ પણ ક્યાંથી રહી શકે ? મને પુનર્લગ્નની ઇચ્છા નથી પરંતુ સંતતિના સાતત્યની ઇચ્છા અવશ્ય છે. એ ઇચ્છા ભવિષ્યના વિચાર સાથે મળીને મને કોરી ખાય છે.

બુદ્ધિશાળી દેવવ્રત પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પોતાની રીતે વિચારવા લાગ્યો. તે પિતા શાંતનુના હિતેચ્છુ વૃદ્ધ પ્રધાન પાસે પહોંચ્યો.

એ વૃદ્ધ પ્રધાનને પૂછવાથી દેવવ્રતને પેલી કન્યાની વાત કરી.

દેવવ્રતે એ વાતને સાંભળીને કેટલાક મોટી ઉંમરના ક્ષત્રિયો સાથે દાશરાજની મુલાકાત લીધી અને પેલી કન્યાની પિતાને માટે માંગણી કરી.

દાશરાજે રાજસભામાં બેઠેલા દેવવ્રતને જણાવ્યું કે તમે શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ અને શાંતનુના વિશ્રામરૂપ એકમાત્ર પુત્ર છો તો પણ તમને કાંઇક કહું છું. આવા પ્રશસ્ય લગ્નસંબંધને જતો કરવાથી સ્વયં ઇન્દ્રને પણ પસ્તાવું પડે. આ સુવર્ણા સત્યવતીનું પ્રાગટ્ય તમારા જેવા સદગુણી આર્યના વીર્યથી થયેલું છે. ધર્મજ્ઞ પુરુષશ્રેષ્ઠ રાજા શાંતનુ એની સાથે લગ્ન કરવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. પૂર્વે દેવર્ષિ ઋષિશ્રેષ્ઠ અસિતે પણ સત્યવતીની કામના કરેલી પરંતુ મેં ના પાડેલી. મુખ્ય મુદ્દો સત્યવતીના ભાવિ સંતાનનો છે. તમારી ઉપસ્થિતિમાં તેમને કોઇ રાજ્યાધિકાર આપે એવું નથી લાગતું. તમારો વિરોધ તથા કોપ વિનાશક થઇ પડે. હું એ જ વિચારથી એને લગ્નમાં બાધક માનીને પાછો પડું છું.

એ શબ્દોને સાંભળીને દેવવ્રતે ત્યાં સમુપસ્થિત સૌની સમક્ષ પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે આ સત્યવતીને જે પુત્ર થશે તે પુત્ર જ મહારાજા શાંતનુ પછી અમારા સૌનો રાજા થશે.

પરંતુ દાશરાજને એટલાથી સંતોષ ના થયો. એણે એ અસંતોષના મૂળમાં રહેલી આશંકાની અભિવ્યક્તિ કરતાં કહ્યું કે તમે કરેલી પ્રતિજ્ઞા તમને છાજે તેવી છે. એ પ્રતિજ્ઞા અન્યથા નહિ જ થાય તેની મને ખાતરી છે. પરંતુ મને તમારો નહિ પણ તમારા ભાવિ પુત્રનો ભય લાગે છે. એના વિશે શંકા રહે છે.

એ વિચારને સમજીને, પોતાના પિતાના જીવનને સરળ તથા નિષ્કંટક બનાવવા અને એમના સંકલ્પને સાકાર કરવા, દેવવ્રતે પિતા પ્રત્યેના પ્રેમ અને પૂજ્યભાવથી પ્રેરાઇને, સૌની સમક્ષ ઊભા થઇને પુનઃ પ્રતિજ્ઞા કરી કે રાજ્યને તો મેં આ પહેલાં જ છોડી દીધું છે, પણ હવે સંતાન સંબંધમાં નિશ્ચય કરું છું કે હું મારા સમસ્ત જીવન દરમિયાન અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ એટલે સ્વાભાવિક રીતે જ અપુત્ર રહીશ.

એ પ્રતિજ્ઞા કાંઇ જેવી તેવી ન હતી. ભીષ્મ પ્રતિજ્ઞા હતી. એને સાંભળીને હર્ષથી રોમાંચિત થયેલા દાશરાજે શાંતનુને સત્યવતી આપવાની તૈયારી દર્શાવી.

ઋષિવરો, દેવો અને અપ્સરાઓએ એ પ્રતિજ્ઞાને સાભળીને અંતરીક્ષમાંથી પુષ્પોની વૃષ્ટિ કરતાં દેવવ્રતને ભીષ્મ નામ પ્રદાન કર્યું. ભીષ્મે સત્યવતીને રથમાં બેસાડી, હસ્તિનાપુરમાં લાવીને, રાજા શાંતનુને અર્પણ કરી.

સૌએ ભીષ્મની મુક્તકંઠે પ્રશંસા કરી.

શાંતનુએ ભીષ્મને ભાવવિભોર તથા પ્રસન્ન બનીને ઇચ્છામૃત્યુનું વરદાન આપતાં કહ્યું કે તું જ્યાં સુધી જીવવા ઇચ્છશે ત્યાં સુધી જીવી શકીશ. મૃત્યુનો પ્રભાવ તારા પર નહિ રહે. તારા આદેશાનુસાર જ મૃત્યુ આવી શકશે.

ઉપર્યુક્ત કથામાં શાંતનુના મનની નિર્બળતાનું પ્રતિબિંબ પડેલું છે. એણે પેલી સુકુમારીના પ્રેમપ્રભાવમાં પડીને પોતાના જ સુખનો વિચાર કર્યો. કામનો પ્રભાવ પ્રબળ હોય છે તેવી પ્રતીતિ એ પ્રસંગ કરાવી આપે છે અને જો દેવવ્રતને માટે સાચી લાગણી હોત તો એ દાશરાજના પ્રસ્તાવને ના સ્વીકારત. પરંતુ ભાવિ બળવાન. કર્મસંસ્કારો અતિશય પ્રબળ અથવા અસાધારણ. એટલે એને અન્યથા ના સૂઝયું. દેવવ્રતનું દિલ અધિક ઉદાર, વિશેષ વિશાળ દેખાય છે. એણે પિતાના જીવનપથને સરળ કરવા માટે આજીવન અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા કરી. કેવી ભયંકર ભારે ભીષ્મ પ્રતિજ્ઞા ! એવા સુપુત્રો કેટલા મળે જે પોતાના વ્યક્તિગત સુખવિચારને તિલાંજલિ આપીને, પિતાના જીવનપંથને પ્રશસ્ત કરે ને પિતાને મદદરૂપ બને ? સત્યવતીને શાંતનુ સાથેના વિવાહ માટે દેવવ્રત પોતે જ લઇ આવ્યો એ શું સૂચવે છે ? ભીષ્મ, એનું અસાધારણ ઔદાર્ય, એના અદભુત ચારિત્ર્યબળને લીધે એ આજે પણ અમર છે. પ્રતિજ્ઞા શબ્દપ્રયોગ આજે પણ સુવિખ્યાત છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *