Tuesday, 28 January, 2025

સંત શ્રી ભોજાભગતની જગ્યા – ફતેપુર

187 Views
Share :
સંત શ્રી ભોજાભગતની જગ્યા – ફતેપુર

સંત શ્રી ભોજાભગતની જગ્યા – ફતેપુર

187 Views

ત્રિકમજી ! ત્રણ લોકમાં મારે, તારો છે ઈતબાર,
અટક પડી હરિ આવજો, મારી આતમના ઉદ્ધાર,
છોગાળા! વાત છે છેલ્લી, થાજો બુડતલના બેલી.

કાચબા-કાચબીના ભજનના નામે વિખ્યાત બનેલી આ રચનામાં સંસારનો સાર અને હરિ પરની શ્રદ્ધા અપરંપાર ભર્યા છે. સૌરાષ્ટ્રના નિરક્ષર ભક્ત કવિ ભોજા ભગતનું આ પદછે. ગુજરાતની સંત પરંપરામાં અજ્ઞાન, વહેમ તથા પાખંડ સામે અવાજ ઉઠાવનાર બે કવિઓ આપણને મળે છે, અખો અને ભોજા ભગત. અખાના છપ્પા અને ભોજાભગતના ચાબખા બે સદી કરતાં પણ વધારે સમયથી ભક્તિ-સાહિત્યનું વિશિષ્ટ અંગ બન્યા છે.

ગિરનારના પડછાયામાં આવેલા જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે ઈ.સ. ૧૭૮૫માં ભોજા ભગતનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કરશનદાસ ઈશ્વરભકિતને ધન ગણતા અને માતા ગંગાબાઈ ઉદારતાની મૂર્તિ હતા. જીવનના પ્રથમ ૧૨ વર્ષ ભોજા ભગતે માત્ર દૂધ પર જ વીતાવ્યા હતા. મધ્યકાળના સૌરાષ્ટ્રમાં સામાજિક ચૈતન્યનો પ્રકાશ અસંભવ હતો. ભોજાભગત આથી નિરક્ષર રહ્યા, પણ સમય જતા અંતરતેજથી વિભૂષિત થઈને તેમણે ઉત્તમ ચાબખા, પદ, ધોળ સમાજને આપ્યા. આ અર્થમાં જોઈએ તો તેઓ ‘નિરક્ષર સાક્ષર’ હતા.

પચીસેક વર્ષની ઉંમર સુધી ભોજાભગત દેવકીગાલોળમાં રહ્યા. લગભગ ૧૮૧૦ની સાલમાં સૌરાષ્ટ્રમાં દુકાળ પડયો. રાજકીય અંધાધૂંધી અને ‘મારે તેની તલવાર તથા લાકડી તેની ભેંસ ‘ ના એ જમાનામાં જેતપુર રાજ્યમાં રહેવું દુષ્કળ બનતા સમગ્ર પરિવારે સ્થળાંતર કરવાનું વિચાર્યું. તે વખતનું સૌરાષ્ટ્ર નાનામોટા ૨૦૨ રજવાડાંમાં વહેંચાયેલું હતું. અમરેલી પ્રાંત ગાયકવાડની હકૂમત નીચે આવતો હતો. ગાયકવાડના પ્રગતિશીલ અને કડક વહીવટમાં પ્રજાને પ્રમાણમાં શાંતિ હતી. અમરેલીના સૂબા તરીકે તે વખતે વિઠ્ઠલરાવ દેવાજી હતા. દેવકીગાલોળથી નીકળેલું ભોજાભગતનું કુટુંબ અમરેલીથી પાંચેક કિલોમીટર દૂર ચક્કરગઢ ગામે આવી વસ્યું. થોડો સમય અહી રહ્યા બાદ ભોજાભગતને કોઈ શાંત સ્થળે આશ્રમ બાંધી પ્રભુભકિત કરવાની ઝંખના થઈ. ચક્કરગઢથી બે કિલોમીટર અને અમરેલીથી પાંચેક કિલોમીટર દૂર ઠેબી નદીના કાંઠે એક ઉજડ ટીંબો હતો. આ સ્થળ ભોજાભગતને પસંદ પડયું. પોતાનો આશ્રમ બાંધ્યો અને નાનકડું ગામ વસાવ્યું. આ ગામ તે આજનું ફતેપુર.

ભોજા ભગતની કીર્તિ ફેલાવા લાગતા કેટલાક હિતદ્વેષીઓએ સૂબા વિઠ્ઠલરાવના કાંન ભંભેર્યા. તેમને જેલમાં પૂર્યા. જેલમાં ભોજાભગતે ૧૫૦ ચાબખા દીવાનને સંબોધીને રચ્યા. વિશ્વની કેટલીક અનુપમ કૃતિઓ જેમ જેલમાં રચાઈ છે, તેમ ગુજરાતના સંતસાહિત્યને આભુષણ જેવા ચાબખાની ભેટ જેલમાંથી પ્રાપ્ત થઈ છે. નરસિંહના પ્રભાતિયાં, અખાના છપ્પા, દાસીજીવણના પદ અને દયારામની ગરબીની જેમ મર્મવેધક ભાષા ધરાવતા ભોજાભગતના ચાબખા સમયની સરાણે ચડીને લોકપ્રિય બન્યા છે.

ભોજાભગતના ચાબખાનું તેજ શાંત અને નરવું છે. આથી તે વાગતા નથી, પણ સમજનારને આનંદ આપે છે. તેમનો એક ચાબખો જોઈએ

મુરખો મોહને ઘોડે ચડે, માથે કાળનગારા ગડે,
હરિજન હોય તેની હાંસી કરે, જીવ અવળું બોલી લડે,
એકલો હોય તો ય અભાગિયો, નવ ગ્રહની ઘોડ૨ નડે.

કોઈને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અવળું બોલીને નવ ગ્રહની જેમ કોઈને નડીએ નહીં તે
આ ચાબખાનો ભાવાર્થ છે.

જગતની નથરતાને પણ તેમણે કેવી ઉપમા આપી છે!

મન જે કરતા મોટાયુ, તેની ઉપડી ગઈ પાયુ,
જે દિ ‘ બાળકનો જનમ થયો, તે દિ’વાગી વધાયું,
અંતે જમડા લઈ ગયા, પછી વાંસે રૂવે બળ્યું.

૦ ૦ ૦

પ્રાણિયા! ભજી લેને કિરતાર, જીવને શ્વાસ તણી સગાઈ,
મૂરખો મોહી રહ્યો મારું, મૂરખને કઈ પેરે સમજાવું,
મૂરખાની દાઢી થઈ ધોળી.

ચાબખાની ચોટ કેવી તાકાતવાન છે તે ભોજાભગતે પોતે કહ્યું છે –

ચાબખડો સદ્દગુરુ તણો, જેને વ્રેહે ઘણો વાગ્યો રે,
શુધ વિચારી સંસારિયાની, ભ્રમણાને ભાંગો રે.

ચાબખા ઉપરાંત ભોજાભગતે પ્રભાતિયાં, કીર્તન, હોરી, સરવડા, ધૂન, ધોળ, કવિત, તીથિ, બારમાસા, આખ્યાન, ભક્તમાળ વગેરે કાવ્યપ્રકારોની રચના કરી છે. તેમના બધાં મળીને ૨૦૪ પદો પ્રાપ્ય છે. ભોજાભગત તો નિરક્ષર હતા. તેમના એક શિષ્ય જીવણભગત. અમરેલીની કોર્ટમાં કલાર્ક હતા. જીવણભગત કુશળ લહિયા હતા. ભોજાભગત અંતઃસ્કુરણાથી જે બોલતા તે જીવણભગત લખી લેતા. આ રીતે લખાયેલા ભજનોની જીર્ણ પ્રત અત્યારે ફતેપુરના સ્થાનકમાં મોજૂદ છે.

ભોજભગતના પદોમાં ભક્તિ, વૈરાગ્ય તથા યોગનું આલેખન છે. લગભગ તમામ પદો સમાજના વહેમ, કુરૂઢિઓ, પાખંડ, દંભ ઉપર ઉગ્ર પ્રહારો કરે છે. ધણાં સમીક્ષકોએ ભોજભગતને ગુજરાતના કબીર ગણ્યા છે. તેમનું એક મોટું કામ ભક્તમાળનું. નાભાજીએ રચેલી ભક્તમાળને પગલે ચાલીને ભોજાભગતે પુરાણકાળથી માંડી તેમના સમય સુધીના સંતોનું શબ્દચિત્ર ભક્તમાળમાં દોર્યું છે. નામાવલિ કે કાળક્રમનો તેમાં ખ્યાલ નથી રહ્યો, પણ માત્ર બે લીટીમાં જે લાધવથી ભોજાભગતે સંતોના ચિત્રો ઉપસાવ્યા છે તે પ્રશંસનીય છે. ભોજભગતને પોતાના કાર્યનું અભિમાન નથી. તેઓ નિખાલસપણે ક્યે છે –

નાભાએ ભક્તમાળ ગાઈ છે મોટી,
ભોજાએ ભક્તમાળ ગાઈ છે છોટી.

ભોજભગતનું કાચબા-કાચબીનું ભજન પ્રખ્યાત છે, તે પ્રમાણે કીડીબાઈની જાનનો તેમનો ચાબખો પણ
એટલો જ જાણીતો છે.

હાલો કીડીબાઈની જાનમાં,
મોરલે બાંધ્યો રૂડો માંડવો,
ખજૂરો પીરસે ખારેક, ધૂડે રે ગાયા રૂડાં ગીતડાં,
પોપટ પીરસે પકવાન.

જીવ-જંતુ અને પશુ-પ્રાણીના પ્રતીકો લઈને ચાબખાની રચના ભોજાભગતે કરી છે.

ચાબખા સાંભળ્યા પછી અમરેલીના સૂબા વિઠોબાનું અહં મીણની જેમ પીગળી ગયું. ભોજાભગતના વાણીપ્રવાહમાં તણાયા અને ભગતને જેલમુક્ત કરી ગુરૂપદે સ્થાપ્યા. આ બનાવ પછી ભોજાભગત ફતેપરના આશ્રમમાં પ્રેમભક્તિના રંગે પૂર્ણરૂપે રંગાયા. ઈશ્વર ભક્તિ અને કાવ્યસર્જન તેમની પ્રવૃત્તિ બની.

ભોજાભગતે શિષ્યો તો અનેક કરેલા, પણ બે શિષ્યોની કીર્તિ આજે ચોમેર રેલાઈ રહી છે. એક વીરપુરના જલારામબાપા અને બીજા ગારિયાધારના વાલમરામજી. જલારામબાપા જલા સો અલ્લા તરીકે પૂજાય છે. વાલમરામજીનો આશ્રમ ગારિયાધાર, પાલિતાણા, મહુવા અને સાવરકુંડલા પંથકની જનતા માટે વિસામારૂપ બન્યો છે. બન્ને જગ્યામાં માનવકલ્યાણની જ્યોત અહોનિશ સળગી રહી છે.

પોતાના અંતિમ દિવસોમાં ભોજાભગત શિષ્ય જલારામ પાસે વીરપુર આવી રહ્યા હતા. ઈસુની ૧૮૫૦ની સાલમાં વીરપુરમાં તેમણે દેહત્યાગ કર્યો. વીરપુરના પાદરમાં જ્યાં ભગતના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યાં આજે ઓટો ઊભો છે અને જલારામબાપાની જગ્યામાં ભોજા ભગતનું ફૂલ સમાધિ મંદિર છે. ત્યાં એમના ફૂલ પધરાવવામાં આવ્યા હતા.

ફતેપુરની જગ્યામાં ભોજાભગત અને જલારામબાપાએ પોતાના હાથે માટીના ઓરડા ચણ્યાં હતા તેનો પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે. આ ઓરડામાં ભોજાભગતનો ઢોલિયો, પાઘડી, માળા અને ચરણપાદુકા પધરાવવામાં આવ્યા છે. વાલમરામજીએ ગુરૂભક્તિથી ભોજાભગતને પ્રસન્ન કરી ફતેપુરની જગ્યા પર ગારિયાધારની ધજા ચડે તેવું વચન માગેલું. આ વચનનું પાલન થાય છે અને જન્માષ્ટમીના ઉત્સવમાં ગારિયાધારથી આવેલી ધજા ફતેપુરની જગ્યા પર ચડાવવામાં આવે છે. સ્થાનકમાં ભોજા ભગતે સ્થાપેલી રામ પંચાયત અને હનુમાનજીના મંદિર છે. ભગવાન રામની શ્યામ રંગની મનોહર મૂર્તિ છે.

ભોજાભગતને કરમણભગત અને જસાભગત નામના બે ભાઈઓ હતા. કરમણભગત નિઃસંતાન હતા, જયારે જસાભગતને અરજણજી નામના પુત્ર થયેલા. ભોજાભગતના અવસાન પછી અરજણજી ગાદીના ઉત્તરાધિકારી બન્યા. અરજણજીના થયા લક્ષ્મણરામજી. તેઓ રામાયણના ઉત્તમ વકતા હતા. ફતેપુરની જગ્યામાં રામાયણના અભ્યાસ માટે પાઠશાળા પણ સ્થાપેલી. લક્ષ્મણરામજીના પુત્ર કરશનભગત અને તેમને બે પુત્રો માવજીભગત અને લવજીભગત થયા. માવજીભગત કુશળ નાડીવૈઘ હતા અને લવજી ભગત સંસ્કૃતના વિદ્વાન હતા. પાણિનીના વ્યાકરણ ગ્રંથ “અષ્ટાધ્યાયી ‘નો તેમણે ગુજરાતી પદ્યમાં અનુવાદ કર્યો હતો. માવજીભગતનાં પુત્ર શાંતિરામજી અત્યારે ભોજાભગતની જગ્યાના મહંત છે.

ભોજાભગત યોગી હતા. પોતાના અવસાનનો તેમને અણસાર આવી ગયો હતો. દેહત્યાગ વીરપુરમાં કરીશ એવું વચન તેમણે શિષ્ય જલારામને આપેલું. ફતેપુરથી વીરપુર જવા ઈ. સ. ૧૮૫૦માં તેઓ નીકળ્યા ત્યારે નીચેનું અંતિમ પદ બોલ્યા હતા.

જી રે ભલાને ભાગ્ય છે એવી, ભલાની ભલાઈએ ભક્તિ આદરે,
સગાળ શેઠે રે કુંવર વધેરિયો, હા રે ભાઈ ભોજન કરવા ભગવાન રે.
એવી ને વૃત્તિએ રે વાલો મારો વશ થયા,
હારે તે દી મોહને દીધા’તા માન રે.

ભગત ભોજલરામના વૈરાગ્યના પદને વિધ્ન આડાં ઘણાં, મૂરખો રળી રળી કમાણો રે, આ છે પંખીનો માળો ઈત્યાદિ ભજનો ભજનિકોના કંઠે ચડીને લહેરાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *