ભ્રષ્ટાચાર નિબંધ
By-Gujju05-10-2023
ભ્રષ્ટાચાર નિબંધ
By Gujju05-10-2023
જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કૅન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે.
ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. નાનાં-મોટાં, કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરાવવા લોકો ભ્રષ્ટચારીઓની જાળમાં ફસાય છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઇ પડે છે.
આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસતંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળા-કૉલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુ ને વધુ ફેલાતો જાય છે. નબળાં બાંધકામો થાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે. ચીજવસ્તુઓના વધુ ભાવ લેવાય છે, નકલી વાઓ અને નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે . ટૂંકમાં, ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેઓનો સ્વાર્થ સધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવજીવનની કંઇ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચરી જતાં ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી! ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લે છે કે સહાયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે.
ભ્રષ્ટાચાર ફેલાવાનાં અનેક કારણો છે. આજે મનુષ્ય નીતિને નેવે મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઇચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઇ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.
ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધઃપતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગ્રત થવાની જરૂર છે . સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ અપાવું જોઇએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. વળી, ભ્રષ્ટાચારને નાથવા કડક કાયદાઓ ઘડવામાં આવે અને એનું કડકપણે પાલન થાય, ભ્રષ્ટાચારીને આકરામાં આકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે. વળી, લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતાં તેમને ખુલ્લા પાડવા જોઇએ. ભ્રષ્ટાચાર ભગાવો-ભારત બચાવો.
ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કૅન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ સૌના સહિયારા દઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે.